સુધરેલી વહુ - Sandesh

સુધરેલી વહુ

 | 1:34 am IST

બે દિવસથી કામવાળી આવતી નથી, એટલે રાધાબાને ક્યારનુંયે સવારમાં છ વાગ્યાનું ઊઠવું પડે છે. ઘરનું બધું જ કામ જાતે જ કરવાનું, કચરા, પોતા, વાસણ અને પાછું ઉપરથી રસોઈ પણ બનાવવાની ને? કામ કરતાં જાય અને પાછાં ઉપરથી બબડતા જાય કે હવે તો ઉંમર થઈ છે, કાંઈ જુવાની થોડી પાછી આવી છે? હવે તો આ કામ બનતું નથી! આમ તો આખા દિવસની કામવાળી રાખેલી છે પણ તે બે દિવસથી રજા ઉપર છે, એટલે શું થાય? ઘરનું કામ થોડું પડી રહેવા દેવાય? બને કે ના બને પણ કરવું જ પડેને? બાકી રાધાબાને કામ કરવાનોે ક્યારેય કંટાળો ના આવે! અને બીજી બૈરીઓની જેમ ઘરમાં કામના ઢગલા પડયા હોય અને એ નિરાંતે આરામ કરે એવું પણ નહીં! આળસ તો ક્યારેય નહીં, પણ જ્યારનો પગના ઘૂંટણનો પ્રશ્ન થયો છે, ત્યારે રાધાબા જાણે કે મનથી ભાંગી પડયા છે! કામનો ઢગલો જોઈને જ જાણે કે એમની આંખોના મોતિયા જ મરી જાય છે!

રાધાબાની સાથે સાથે જમનાદાસ પણ છ વાગ્યાના ઊઠી જાય છે, જો કે એ તો ઊઠીને શું કરે? પણ ઊઠીને નાહી-ધોઈ તૈયાર થઈ જાય, પછી મંદિરે બેસી જાય! ગણેશ-સ્તોત્રતથી શરૂ કરી, ગાયત્રી ચાલીસા, રુદ્રાષ્ટક, હનુમાન ચાલીસા, ગાયત્રીમંત્રના જપ- જેટલા થાય તેટલી બે-પાંચ માળા કરે અને છેવટે માતાજીની આરતી કરી રોજની દૈનિક ક્રિયા પૂરી કરે! એમાં જ દસ વાગી જાય એટલે પછી મંદિરે ઉપડી જાય, મંદિરે જવાના બે ફાયદા- દર્શન થાય અને જે મળે તેની સાથે સુખદુઃખની વાતો પણ થાય!

તે દિવસે પણ હજુ તો જમનાદાસએ નિત્યકર્મની શરૂઆત જ કરી હતી, ભગવાનના ફોટા ધોઈ ધોઈ મંદિરમાં મૂકતા જ હતા, રાધાબા કચરા વાળતા હતા તે ફોનની ઘંટડી વાગી, રાધાબાએ જ ફોન ઉપાડયો…

…હલ્લો, કોણ? અરે! મારો સુધીર…! બોલ બેટા, સવાર- સવારમાં કેમ ફોન કરવો પડયો? બધાં મઝામાં તો છે ને?

…મમ્મી, આનંદના સમાચાર છે એટલે ફોન કર્યો…! સ્વાતિએ આજે સવારમાં બાબાને જન્મ આપ્યો છે, બંને મા-દીકરો મઝામાં છે, તને ટાઈમ મળે ત્યારે આવજે!

વાહ આખરે ભગવાન તારા સામે જોયું ખરું, ચાલ મારી માનતા પૂરી થઈ!

…હા, મમ્મી તમારા આશીર્વાદથી જ દીકરો આવ્યો એમ કહું તો ખોટું નહીં જ ગણાય! પણ પપ્પા ક્યાં છે? પપ્પાને પણ આ સમાચાર આપી દેજો…!

અરે, તારા પપ્પા પણ આ રહ્યા, પૂજા કરે છે! આપું એમને?

પણ, સુધીર બોલે તે પહેલાં જ જમનાદાસ બોલ્યા, મેં સમાચાર સાંભળી લીધા, બેટા! તારા પુત્રના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું અને ભગવાનને કહું છું કે એને સુધરેલી વહુ ના મળે તો સારું?!