improving-the-quality-of-the-ovaries-is-essential-for-pregnancy
  • Home
  • Featured
  • ગર્ભધારણ માટે અંડકોષ એટલે કે સ્ત્રીબીજની ગુણવત્તા સુધારવી જરૂરી

ગર્ભધારણ માટે અંડકોષ એટલે કે સ્ત્રીબીજની ગુણવત્તા સુધારવી જરૂરી

 | 7:00 am IST

દરેક મહિલા ગર્ભવતી બને એ માટે તેના અંડકોષની ગુણવત્તા મહત્ત્વની છે. સ્ત્રીબીજ એટલે કે અંડની ગુણવત્તા સારી હોય તો જ પતિના શુક્રાણુ સાથે તેનું ફલન થયા પછી એ ગર્ભાશય સુધીનો માર્ગ પસાર કરીને ત્યાં પોતાનાં મૂળ નાંખીને ગર્ભ બનવાની પ્રક્રિયા પાર પાડી શકે. અંડ નબળા હોય તો પતિના શુક્ર સાથે તેનું મિલન થવા છતાં સ્વસ્થ ભ્રૂણ બની શકતો નથી અને ગર્ભધારણ થતું નથી. સંજોગવશાત્ ગર્ભધારણ થઈ જાય તો ગર્ભમાં આકાર લેનાર બાળક સ્વસ્થ બનતું નથી.

અંડકોષની નબળી ગુણવત્તા ખાસ કરીને ભ્રૂણમાં રહેલા એક્સ-એક્સ ક્રોમોઝોમ સંબંધિત ખામીઓ સાથે સંકળાયેલ છે, જેને એનેયુપ્લોઈડી કહે છે. કેટલાક કિસ્સામાં, એનેયુપ્લોઈડીના કારણે ગર્ભમાં આકાર ધરતા બાળકમાં જન્મજાત ખોડખાંપણ આવી શકે છે. સાથે જ તેમાં ઘણીવાર મહિલાને કસુવાવડ થઈ જવાની સમસ્યા વધુ રહે છે. આ કસુવાવડ એવા સમયે થાય છે જ્યારે હજી ખુદ મહિલાને ખબર નથી પડી હોતી કે તેના ગર્ભમાં પિંડ બંધાઈ રહ્યો છે. એટલે કે ગર્ભધારણ કર્યાની બિલકુલ શરૂઆતનો સમય હોય!

આઈવીએફ્માં, અંડકોષોને સંબંધિત સમસ્યાઓનો અર્થ એવો થાય છે કે તેના પરિણામે ટેસ્ટટયૂબમાં સર્જાયેલા ભ્રૂણનું મહિલાના ગર્ભાશયમાં પ્રત્યારોપણ થઈ શકતું નથી. ક્યારેક અંડકોષનું ફ્લિનીકરણ જ થઈ શકતું નથી. તમે ખુદની રીતે ગર્ભધારણ કરવા કોશિશ કરો કે પછી આઈવીએફ માટે તૈયાર થાઓ. આ બંને સ્થિતિમાં તમે કઈ રીતે નક્કી કરશો કે અંડકોષો શક્ય એટલા સ્વસ્થ છે કે નહીં? શારીરિક સંબંધથી કે આઈવીએફથી કોઈપણ રીતે ગર્ભ ધારણ કરવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે.

જીવનશૈલીની પસંદગીઓ અંગે નજર રાખો

માનો કે દવાખાનામાં તપાસ કરાવતા ખબર પડે કે અંડકોષમાં ક્રોમોસોમની ખામી છે તો ક્લિનિકલી એવા કોઈ સિદ્ધ માર્ગો નથી કે જેનાથી અંડકોષોની ગુણવત્તા સુધારી શકાય. કોઈ એવી દવા નથી જે આપવાથી અંડકોષની ક્રોમોસોમની ખામી સુધરી જાય. આ દિશામાં સંશોધકો એ તપાસી રહ્યા છે કે કઈ રીતે મહિલાની જીવનશૈલી અને તેના રોજબરોજના જીવનમાં તેણે પસંદ કરેલી દરેક વસ્તુ નોંધપાત્ર રીતે એની પ્રજનન ક્ષમતા પર અસર કરે છે.

કયો આહાર કે કસરત અંડકોષોની ગુણવત્તા માટે સૌથી ઉત્તમ છે? હજી સુધી આ દિશામાં નોંધપાત્ર રીતે કોઈ તારણો મળી શક્યાં નથી, પરંતુ એક સામાન્ય સમજ અને પોતાના શરીરની તથા માનસની સંભાળ લેવાથી લાંબા ગાળે શરીરની દરેક ક્રિયા એના કુદરતી લયમાં આવી જાય છે. એક વખત આ લય પકડાઈ જાય તો મોટાભાગની સમસ્યા દૂર થઈ જાય છે. શરીર સ્વસ્થ બની જાય છે અને શરીરની દરેક ક્રિયા સુવાંગ ચાલતી થઈ જાય છે. એ સમયે ગર્ભધારણ પણ સ્વાભાવિક લયમાં આપોઆપ થઈ જાય એ શક્ય છે.

જીવનશૈલી સ્વાભાવિક કુદરતી ઔક્રમમાં ગોઠવો

જ્યારે તમે ગર્ભધારણ માટે કોશિશ કરો છો ત્યારે આ રીતે સ્વાભાવિક અને કુદરતી ક્રમમાં જીવનશૈલી ગોઠવવાનો પ્રયોગ સારી વાત બની રહેશે. તેની શરૂઆત તમે પ્રેગ્નન્ટ છો એમ વિચારીને જ કરો. એ માટે સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર લો કે જેમાં ભરપૂર પ્રોટીન મળે અને એવો આહાર ત્યાગો કે જેમાં ટોક્સિન્સ ખૂબ હોય, નિકોટીન ઓછું લો, આલ્કોહોલ અને કેફ્નિ સાવ બંધ કરો. જો સાવ બંધ ન થઈ શકે તો એનું પ્રમાણ ઘટાડો અને સાથે તમે સામાન્ય અને નિયમિત રીતે કસરત કરવાનો તમને સમય આપો. શરીર સ્વસ્થ અને મન નિરાંતવું હોય તો શરીરની મોટાભાગની ગરબડો સુધરવા લાગે છે.

જ્યારે તમે વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ ત્યારે રિલેક્સ રહેવું ખરેખર કઠિન છે, પરંતુ તણાવ ઓછો કરવાથી તમને ખરેખર સ્વાસ્થ્ય લાભ મળતો હોય છે. તણાવ વધવાથી શારીરિક પ્રતિક્રિયાઓ શરીરમાં શરૂ થાય છે. તેેના કારણે શરીરમાં જે નુકસાનકારક હોર્મોન્સનો સ્ત્રાવ થવા લાગે છે એ તમારા અંડકોષની તંદુરસ્તી માટે જરૂરી વાતાવરણમાં ઘટાડો કરે છે.

માટે તમને તણાવ હોય તો પહેલાં તણાવ હોવાની ચિંતા ન કરો. એમ કરવાથી તણાવમાંથી બહાર આવવાનો તણાવ એક વિષચક્ર સમાન બની રહે છે. ધ્યાન, રિલેક્સેશન, ટેક્નિક્સ અને મિત્રોનો સહયોગ, પરિવાર અને પ્રોફેશનલ્સ વગેરે વ્યક્તિઓ સાથે હળવાશ નિયમિત રીતે જાળવી રાખો.

હેલ્થ :- ડો. ભાર્ગવ નિમાવત

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન