Imran Lies Continue Claims That Kashmir Issue Become Internationalized
  • Home
  • Featured
  • તો શું પાકિસ્તાન LoC ઓળંગી ભારત સાથે યુદ્ધે ચડશે! ઈમરાન ખાને આપ્યા કંઈક આવા સંકેત

તો શું પાકિસ્તાન LoC ઓળંગી ભારત સાથે યુદ્ધે ચડશે! ઈમરાન ખાને આપ્યા કંઈક આવા સંકેત

 | 8:10 pm IST

જમ્મુ-કાશ્મીરના મુદ્દે વિશ્વમાં ક્યાંય દાળ ન ગળતાં હવે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની જનતાની ઉશ્કેરણી શરૂ કરી દીધી છે. અગાઉ કાશ્મીર અવરનો તાયફો કરનાર ઇમરાન ખાને શુક્રવારે પીઓકેમાં કાશ્મીરીઓ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. ઇમરાન ખાને પીઓકેના કાશ્મીરીઓને જણાવ્યું હતું કે, હું જાણું છું કે તમારામાંના ઘણા લોકોએ લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પાર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આજે હું તમને કહું છું કે હમણાં એલઓસી પાર જવાની જરૂર નથી, હું તમને કહું ત્યારે એલઓસી પાર કરી જજો. પહેલા મને સંયુક્ત રાષ્ટ્ર્માં જવા દો અને કાશ્મીરનો કેસ રજૂ કરવા દો. આર્થિક મોરચે નિષ્ફળ ગયેલા ઇમરાન ખાન હવે પીઓકેના કાશ્મીરીઓને ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રમાં સતત મળી રહેલી પછડાટ છતાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, હું સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવીશ અનેે સમગ્ર દુનિયાને કાશ્મીરની જાણકારી આપીશ. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ઇસ્લામિક દેશોએ પણ સાથ આપ્યો નથી કારણ કે તેમના આર્થિક હિત ભારત સાથે જોડાયેલાં છે. હું ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા જઇ રહ્યો છું. હું કાશ્મીરી લોકોને હતાશ થવા દઇશ નહીં. હું દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરીઓનો મુદ્દો ઉઠાવીશ.

મુઝફ્ફરાબાદમાં રેલીને સંબોધન કરતાં ઇમરાન ખાને જાતે જ પોતાને કાશ્મીરીઓના રાજદૂત જાહેર કરી દીધાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, હું કાશ્મીરી લોકોનો રાજદૂત બન્યો છું તેનું કારણ એ છે કે હું એક પાકિસ્તાની, એક મુસ્લિમ અને એક માનવી છું. કાશ્મીરનો મુદ્દો આજે માનવતાનો મુદ્દો બની ચૂક્યો છે. હું ભારતને કહેવા માગુ છું કે, તે લોકોને ઉગ્રવાદ તરફ ધકેલી રહ્યો છે. જો તમે મારા અને મારા પરિવાજનો પર અત્યાચાર કરશો તો હું લડીશ કારણ કે હું માનું છું કે આવી જિંદગી કરતાં તો મોત બહેતર છે. વિશ્વના ૧૨૦ કરોડ મુસ્લિમો અત્યારે કાશ્મીર તરફ જોઇ રહ્યાં છે. તેઓ પણ આતંકવાદ તરફ ધકેલાઇ જશે.

ઇમરાને પીએમ મોદીને કાયર અને ભારતીય હિટલર ગણાવી દીધાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરતાં ઇમરાને જણાવ્યું હતું કે, એક કાયર માનવી જ માનવતા વિરુદ્ધ આ પ્રકારની ક્રુરતા આચરી શકે છે. આજે ભારત અધિકૃત કાશ્મીરમાં 90,000ભારતીય સૈનિકો કાશ્મીરના લોકો પર અત્યાચાર ગુજારી રહ્યાં છે. એક બહાદૂર વ્યક્તિ ક્યારેય આવું કામ કરે નહીં. મોદી ગમે તેટલો અન્યાય કરી લે પરંતુ ક્યારેય સફળ થવાના નથી. કારણ કે મહિલાઓ અને બાળકો સહિતના કાશ્મીરીઓ મોતથી જરાપણ ડરતાં નથી. દેવાળુ ફૂંકવાના આરે પહોંચેલા પાકિસ્તાનના પીએમએ શેખી મારતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઇંટનો જવાબ પથ્થરથી આપશે. હું આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ભારતીય હિટલરને અટકાવવાની અપીલ કરું છું.

ઇમરાને સંઘ સામે ઝેર ઓકતાં કહ્યું આરએસએસ ભારતને મુસ્લિમ મુક્ત બનાવવા માગે છે

મોદીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી બાળપણથી આરએસએસના સભ્ય છે. આરએસએસ હિંદુ કટ્ટરવાદી સંગઠન છે જે મુસ્લિમોને ધિક્કારે છે. તેઓ હિંદુ સર્વોપરિતામાં માને છે. આરએસએસ મુસ્લિમોને ધિક્કારે છે કારણ કે તેમણે સેંકડો વર્ષ હિંદુસ્તાન પર શાસન કર્યું હતું. મોદી અને સંઘ હિટલરની નાઝી પાર્ટીના માર્ગે જ ચાલી રહ્યાં છે જેણે લઘુમતી સમુદાયો પર અત્યાચારો ગુજાર્યા હતા. આરએસએસની રચના થઇ ત્યારથી તે ભારતને મુસ્લિમ મુક્ત બનાવવા માટે મુસ્લિમોનો વંશીય નરસંહાર કરવા માગે છે. આ બધું તેમની યોજના પ્રમાણે જ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન