Imran's oath-taking ceremony may postponed once again
  • Home
  • World
  • શા માટે 11 તારીખે ઇમરાનનું શપથગ્રહણ સમારંભ ન થાય ???

શા માટે 11 તારીખે ઇમરાનનું શપથગ્રહણ સમારંભ ન થાય ???

 | 11:14 pm IST

પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહેલા ઇમરાન ખાનનો શપથગ્રહણ સમારંભ કદાચ 11 ઓગસ્ટે નહીં યોજાય અને હવે 16 કે 17 ઓગસ્ટે શપથગ્રહણ સમારંભ યોજાય તેવી શક્યતા છે. સ્વતંત્રતા પર્વ હોવાને કારણે 14 ઓગસ્ટે પાકિસ્તાનમાં રજા છે. રાજકીય સમીક્ષકોનું કહેવું છે કે સંસદની બેઠક બોલાવીને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થયા પછી જ વિશ્વાસનો મત લઈ શકાય.

તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના આ નેતાએ અગાઉ પોતાના પક્ષના નેતાઓને જણાવ્યું હતું કે 11 ઓગસ્ટના રોજ શપથગ્રહણ સમારંભ યોજાશે, પરંતુ સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ 17 કે 18 ઓગસ્ટના રોજ શપથગ્રહણ સમારંભ યોજાઈ શકે છે. નવા વડા પ્રધાન સંસદમાં વિશ્વાસનો મત મેળવી શકે તેટલા સભ્યોનું સમર્થન હજી ધરાવતા ના હોવાથી ખાનના શપથગ્રહણ સમારંભમાં વિલંબ સર્જાયો છે.

શપથગ્રહણ સમારંભ યોજાવામાં વિલંબ માટે એક બીજું કારણ પણ જવાબદાર હોવાનું કહેવામાં આવે છે. ચૂંટણી પંચે 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણીનાં અંતિમ પરિણામો તો જાહેર કયારના હતાં પરંતુ રાષ્ટ્રીય વિધાનસભાની નવ અને પ્રાંતીય વિધાનસભાની 17 બેઠકો માટેનાં પરિણામો વિવિધ કારણોસર જાહેર કરવાનાં બાકી રાખ્યાં હતાં. સરકાર રચના પહેલાં જ આ કારણસર વિવાદ સર્જાયો હતો.

ચૂંટણી પંચના આ નિર્ણયને પરિણામે રાષ્ટ્રીય વિધાનસભા કે નીચલા ગૃહમાં ઇમરાનના પક્ષની સભ્યસંખ્યા 116થી ઘટીને 112 થઈ ગઈ હતી જ્યારે તેના સાથી પક્ષ બલૂચિસ્તાન અવામી પાર્ટીની સભ્યસંખ્યા પણ ચારથી ઘટીને ત્રણ થઈ ગઈ હતી. આ ઘટનાક્રમમાં જ સુપ્રીમ કોર્ટે બુધવારે લાહોર હાઇકોર્ટના આદેશને ફગાવી દેતાં ચૂંટણીઅધિકારીને મતપત્રો ફરીથી ગણવા આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે લાહોર બેઠક પરથી પીટીઆઈના ચેરમેન ઇમરાન ખાનને વિજેતા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવા ચૂંટણી પંચને મનાઈ ફરમાવી હતી.