૧૫૦ તાલુકાઓમાં ૩,૬૦૦ કરોડનાં  ખર્ચે વર્ષો જૂના રસ્તા રિસરફેસિંગ થશે - Sandesh
  • Home
  • Budget
  • ૧૫૦ તાલુકાઓમાં ૩,૬૦૦ કરોડનાં  ખર્ચે વર્ષો જૂના રસ્તા રિસરફેસિંગ થશે

૧૫૦ તાલુકાઓમાં ૩,૬૦૦ કરોડનાં  ખર્ચે વર્ષો જૂના રસ્તા રિસરફેસિંગ થશે

 | 5:52 am IST

જિલ્લા- તાલુકા પંચાયતોમાં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાને રાખીને બજેટમાં સરકારે ગ્રામ્યક્ષેત્રો ઉપર ફોકસ વધાર્યુ છે. નાણામંત્રીએ સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકાર્પેટ ન થયા હોય તેવા બાકી રહેતા ૧૫૦ તાલુકાના ૨૪૯૯ રસ્તાઓના ૧૧,૨૦૦ કિલોમીટર લંબાઈના રસ્તાઓનું રિસફેસિંગ કરવાની જાહેરાત કરી છે. તેના માટે માર્ગ મકાન વિભાગને રૂ.૩૬૦૦ કરોડની ફાળવણી કરી છે. જેમાં ૯૫૦૦ કિલોમીટર લંબાઈના પ્લાન તેમજ નોનપ્લાન ગ્રામ્ય રસ્તાઓનો સમાવેશ થતો હોવાથી ધારાસભ્યોને હવે અલગથી માંગણી કરવી પડશે નહી. તદઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના હેઠળના ૩૦૦૦ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા રૂ.૧૮૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૨૦ વર્ષ જુની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની ત્રીજા તબક્કાની કામગીરી શરૂ થનાર છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૨૫૦૦ કરોડના ખર્ચે આ વર્ષે ગ્રામિણ રસ્તાઓનુ નેટવર્ક મજબૂત અને વિસ્તારવામા આવશે. આ જાહેરાત વચ્ચે તાજેતરમાં મોટેરા સ્ટેડિયમ આજુબાજુ રાતોરાત રસ્તા રિપેર કરવામાં આવ્યા તે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામ થશે કે કેમ ? તે મુદ્દે વિપક્ષોએ ટિપ્પણીઓ કરી હતી.

ગામડામાં બાથરૂમ બાંધવા ૫૦૦૦ મળશે 

ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયો બાંધ્યા બાદ હજુ કેટલાક વિસ્તારોમાં ગરીબ પરીવારોને સભ્યોને બાથરૂમના અભાવે ખુલ્લામાં ન્હાવુ પડે છે. આથી, સરકારે નવા મંજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા ઉભી કરવા બજેટમાં નવી જાહેરાત કરી છે. જેના હેઠળ પ્રતિ લાભાર્થી પરિવારને બાથરૂમ બાંધવા સરકાર રૂ.૫૦૦૦ની સહાય કરશે. જો કે, બાથરૂમની કોસ્ટ રૂ.૮૦૦૦ મુકવામાં આવી છે. જેથી બાકીના રૂ.૩૦૦૦નો ખર્ચ જે તે લાભાર્થીએ ઉપાડવાનો રહશે.

NRG સહયોગથી ગામ વિકાસ

ગામડાઓમાં પંચાયત ઘર, શાળા, દવાખાના, સ્માર્ટ ક્લાસ , આંગણવાડી, સ્મશાન, રસ્તા, પાણીની ટાંકી,  લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, તળાવ, ગટર યોજના, શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરવા સરકારે  ગ્દઇય્ને સાથે  રાખીને નવી યોજના જાહેર કરી છે. ‘માદરે વતન યોજના’ નામની  યોજના હેઠળ જેટલુ દાન NRG તરફથી મળે એટલી જ સરકાર દ્વારા રકમ  ઉમેરેશે, તેના માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઈ કરી છે.

ચૂંટણીને લીધે પંચાયત માટે ફરીથી ગ્રાંટ વધી

ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર એકત્ર થતા કચરા માટે વ્યક્તિદિઠ મહિને બે રૂપિયાની ગ્રાન્ટના બદલે ચાર રૂપિયા અપાશે. પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે સરકાર દ્વારા ગ્રાન્ટમાં વધારો થાય છે. ઘન, પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન માટે ૧૬૬૭ ગ્રામ પંચાયતોને ટ્રાઈસિકલ અને હેન્ડ કોર્ટ જેવા સફાઈના સાધનો પુરા પાડવા રૂ.૬૧ કરોડ ખર્ચાશે.

ગ્રામ પંચાયતો હાઈસ્પીડ થશે

ગ્રામ પંચાયતોને હાઈસ્પીડથી ઈન્ટરનેટથી જોડવા, જરૂરી હાર્ડવેર તેમજ માનવબળ પૂરૂ પાડીને ઈ-એનેબલ કરવા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરી છે. એટલુ જ નહી, ગ્રામ પંચાયત એસેટ અને રેકર્ડની વ્યવસ્થિત જાળવણી તેમજ કામોનું ડુપ્લિકેશન ન થાય તેના માટે જીઓ- ટેગિંગ એસેટ રજિસ્ટર તૈયાર કરવાનું પણ બજેટમાં કહેવાયુ છે.

ગામડામાં ૧.૧૧ લાખ આવાસોનું બાંધકામ બાકી

૨૦૨૨ સુધીમાં સૌને આવાસ આપવાનું એલાન કર્યુ હતુ. અત્યાર સુધીમાં ગ્રામ્ય ક્ષેત્રે ૩.૧૧ લાખ આવાસોના લક્ષ્યાંક સામે માત્ર બે લાખ આવાસોનું જ બાંધકામ પૂર્ણ થયુ છે. તેમાંથી કેટલા આવાસો નાગરીકોને સોંપાયા તે તો બજેટમાં કહેવાયુ નથી. પરંતુ, ૧.૧૧ લાખ બાકી આવાસોમાંથી વર્ષમાં ૮૫ હજાર આવાસો બાંધવા રૂ.૧૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન