કોરોના વિરુદ્ધની લડાઈમાં સરકાર સાથે કોંગ્રેસ મજબૂતીથી ઊભી છે : સોનિયા - Sandesh
  • Home
  • India
  • કોરોના વિરુદ્ધની લડાઈમાં સરકાર સાથે કોંગ્રેસ મજબૂતીથી ઊભી છે : સોનિયા

કોરોના વિરુદ્ધની લડાઈમાં સરકાર સાથે કોંગ્રેસ મજબૂતીથી ઊભી છે : સોનિયા

 | 1:48 am IST

। નવી દિલ્હી ।

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાઇરસ મુદ્દે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની પ્રશંસા કરી છે. વડા પ્રધાન મોદીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉન માટે લીધેલા નિર્ણયને પણ તેમણે સમર્થન આપ્યું હતું. મોદીને પત્ર લખીને સોનિયા ગાંધીએ કહ્યું છે કે કોરોના વિરુદ્ધની આ લડાઇમાં કોંગ્રેસ સરકાર સાથે મજબૂતીથી ઊભી છે. તે સાથે તેમણે ૨૧ દિવસના લોકડાઉન સમયના ગરીબો પર પડનારા પ્રભાવ પરત્વે ચિંતા જાહેર કરીને સરકારને કેટલાંક સૂચનો પણ કર્યા છે.

સોનિયાએ પત્રમાં લખ્યું છે કે, ‘લોકોની નોકરીઓ છીનવાઇ ગઇ છે. ગરીબો સૌથી વધુ મુશ્કેલીમાં છે. તેથી આવા લોકોના ખાતામાં સરકારે તાકીદે રૂપિયા ૭૫૦૦ ટ્રાન્સફર કરવા જોઇએ. જનધન ખાતાધારક, પીએમ વિકાસ યોજના ખાતાધારક, વૃદ્ધા, વિધવા મહિલા, વિકલાંગ તેમ જ મનરેગા શ્રમિકોના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવી જોઇએ.’

આરોગ્ય કર્મીની સુરક્ષા માટે પગલાં લેવા અપીલ  

સોનિયા ગાંધીએ તબીબો અને પેરામેડિકલ સ્ટાફને વાઇરસ સંક્રમણથી સુરક્ષિત રાખવા જરૂરી બચાવનાં સાધનો ઉપલબ્ધ કરાવવા પણ આગ્રહ કર્યો હતો. તેમણે પોતાના પત્રમાં ઉદ્યોગો માટે રાહત પેકેજ અને સામાન્ય નાગરિકો માટે રાહતો જાહેર કરવા સૂચન કર્યું છે. સપ્લાય ચેઇન મજબૂત કરવાની માગણી કરી છે. લોકડાઉન દરમિયાન સરકારી કર્મચારીઓના વેતનમાંથી કપાનારી લોનને અર્થાત ઇએમઆઇને પણ છ મહિના સુધી સ્થગિત રાખવા અનુરોધ કર્યો છે.

બાંધકામ કામદારો માટેના ભંડોળની બચેલી રકમ તાકીદે કલ્યાણ માટે ખર્ચ કરવા માટે અપીલ કરી 

સોનિયાએ પ્રત્યેક રાશનકાર્ડધારકોને ૧૦-૧૦ કિલો ઘઉં અને ચોખા વિનામૂલ્યે ફાળવવા માગણી કરી છે. પત્રમાં તેમણે તે બાબત પર પણ ધ્યાન દોર્યું છે કે બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ માટે બનેલા રાજ્ય બોર્ડોએ ઉપકરના માધ્યમથી ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી ૪૯,૬૮૮ કરોડ રૂપિયા જમા કરેલા છે. તે પૈકી માત્ર રૂપિયા ૧૯,૩૮૦ કરોડ રૂપિયા જ ખર્ચ થયા છે. બાકી રકમને મુસીબતની આ ઘડીમાં ખર્ચ કરવામાં આવે.

ઉદ્યોગક્ષેત્ર માટે સેક્ટરવાર પેકેજ જાહેર કરવા સૂચન  

સોનિયા ગાંધીએ પત્રમાં જણાવ્યું છે કે તમામ વેપારધંધા અને ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્ર ખૂબ મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે જરૂરી ટેક્સ બ્રેક, વ્યાજમાં રાહત સહિતના મુદ્દે સેક્ટરવાર પેકેજની જાહેરાત કરવી જોઇએ.

લણણી પછી ટેકાના ભાવે અનાજ ખરીદીનું આયોજન  

સોનિયા ગાંધીએ પત્રમાં જણાવ્યું છે કે ભારતની ૬૦ ટકા વસતી ખેતીવાડી પર નભે છે. તે સંજોગોમાં પાકેલા પાકની લણણી થાય અને લઘુતમ ટેકાના ભાવે સરકાર તેની ખરીદી કરે તેનું આયોજન થવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન