આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં કોહલી કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યો છે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં કોહલી કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યો છે

આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં કોહલી કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યો છે

 | 12:34 am IST

। નવી દિલ્હી ।

કોહલી કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડની ધરતી પર એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે પરંતુ તેની કેપ્ટનશિપને લઈ સુનીલ ગાવસ્કરે સવાલ ઉઠાવ્યા છે. ગાવસ્કરના મતે કોહલીએ પોતાની કેપ્ટનશિપથી લોકોને નિરાશ કર્યા છે અને તે અપેક્ષા મુજબ પરિણામ આપવામાં નિષ્ફળ રહ્યો છે. દરેકને ખ્યાલ છે કે, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં કસોટી થાય છે ત્યારે આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં કોહલી કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યો છે.

ગાવસ્કરે કહ્યું કે, ધોની પછી કોહલીને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવાયો ત્યારે ભારતીય ટીમના પ્રશંસકોને તેની પાસે ઘણી આશા અને અપેક્ષા હતી. ધોની ઘણો શાંત અને ધૈર્ય રાખી કેપ્ટનશિપ કરતો હતો અને લોકોને લાગ્યું હતું કે, એક એવો ખેલાડી કેપ્ટન બન્યો છે જે પોતાના જનૂનથી સમગ્ર ટીમને ઊર્જાવાન કરી દેશે અને ટીમ ઈન્ડિયાને એક નવી દિશા મળશે. તેની પાસે અપેક્ષા વધુ હતી તો પછી તેની નિષ્ફળતા પર પણ વધુ સવાલ ઊઠશે. જોકે, ગાવસ્કરનું એ પણ માનવું છે કે, કોહલી એકલો દરેક વખતે મેચ જીતાડી શકે નહીં.  અન્ય બેટ્સમેનોએ પણ સ્કોર બનાવવાની જરૂર છે.

આરપી સિંહે નિવૃત્તિ જાહેર કરી

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બોલર આરપી સિંહે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ૩૨ વર્ષીય આરપીસિંહે ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ૨૦૦૫ના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે વન-ડે દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર આરપી સિંહે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ સપ્ટેમ્બર ૨૦૧૧માં ઇંગ્લન્ડ સામે રમી હતી. આરપી સિંહે ૨૦૦૬માં પાકિસ્તાન સામે ફૈસલાબાદ ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. તેણે ૧૪ ટેસ્ટ મેચમાં ૪૦ વિકેટ ઝડપી હતી.  ૫૮ વન-ડેમાં તેણે ૬૯ વિકેટ ઝડપી હતી જ્યારે ૧૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે ૧૫ વિકેટ મેળવી હતી.