દેશમાં બધાં જ ક્ષેત્રોમાં મંદી, માત્ર રાજકારણમાં જ તેજી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેશમાં બધાં જ ક્ષેત્રોમાં મંદી, માત્ર રાજકારણમાં જ તેજી

દેશમાં બધાં જ ક્ષેત્રોમાં મંદી, માત્ર રાજકારણમાં જ તેજી

 | 12:36 am IST

ઘટના અને ઘટન :- મણિલાલ એમ. પટેલ

દેશમાં તમામ ક્ષેત્રોમાં મંદીનું વાતાવરણ છે, પણ રાજકારણ એ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં કદી મંદી હોતી નથી. સદાકાળ તેજી જોવા મળે છે. રાજકીય પક્ષોમાં હાર-જીતને કારણે પાંચ વર્ષે તેજી-મંદી દેખાય છે. સત્તા પક્ષમાં હંમેશાં તેજી હોય છે. વિપક્ષને થોડી મંદી નડતી હોય છે. ચૂંટણી ફંડથી માંડીને ઉમેદવારો મેળવવામાં સત્તાપક્ષમાં તેજી તો વિપક્ષમાં મંદી હોય છે. રાજકારણ એ એક એવો સરસ વ્યવસાય છે કે, જ્યાં ઓછું મૂડીરોકાણ ને વધુ મળતર હોય છે.

પાંચ વર્ષે રોકાણ તો માત્ર ચૂંટણી લડવી હોય તેને જ કરવું પડે છે, બીજા નેતાઓને ખાસ રોકાણ કરવું પડતું નથી. પછી તો તેજી જ તેજી હોય છે. બીજું કે રોકાણ નહિવત્ અને જવાબદારી કશી જ નહીં. કર્મચારી-અધિકારીને ઓફિસ કે ઉદ્યોગ-કારખાનામાં જવાબદારી હોય છે, પણ પ્રધાનો કે ચૂંટાયેલાને વિશેષાધિકારો ઘણાં, સગવડો ઘણી પણ જવાબદારી કશી જ નહીં. ચૂંટણીઓ આવવાની હોય તેના છ મહિના પહેલાં પ્રજાલક્ષી થોડાં ધ્યાનાકર્ષક કામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરવાનું. ભૂમિપૂજન થયેલ કામો ઝડપથી પૂરાં થાય છે કે નહીં ને થાય તો કેવાં સારાં કે તકલાદી થાય છે તે જોવાની નેતાઓની જવાબદારી નહીં, એ બધું તંત્રના માથે. આમ જવાબદારીવિહીન ભરપૂર સત્તા ને સુવિધાઓ હોય તેવા ક્ષેત્રમાં તેજી જ તેજી હોય એ સ્વાભાવિક છે.

નોકરીઓ વધતી નથી, ઘટી રહી છે, પગારકાપ આવે છે પણ દેશમાં રાજકીય પક્ષોની સંખ્યા વધી રહી છે. ૨૦૧૦માં ૧,૧૧૨ રાજકીય પક્ષો હતા તે વધીને ૨૦૧૯માં ૨,૩૦૧ થયા છે. સામાન્ય નેતા પણ પક્ષ છોડે કે પક્ષ કાઢી મૂકે પછી નવો પક્ષ બનાવી દે છે. પક્ષ રજિસ્ટર્ડ કરવામાં ઝાઝી તકલીફ નથી પણ માન્યતા મેળવવા માટે જોગવાઈ જરૂર છે. ૨,૩૬૦ નોંધાયેલા રાજકીય પક્ષોમાંથી ૨,૩૦૧ તો રજિસ્ટર્ડ છતાં અમાન્ય છે. માન્યતા મેળવવા પૂરતા મત મેળવી શકતા ન હોવા છતાં નવા પક્ષો નોંધાતા જાય છે. જેથી ચૂંટણી સમયે તોડજોડથી કમાણી થઈ શકે.

બીજું રાજકીય પક્ષોને ફંડ માટે ચૂંટણી બોન્ડ છે તેની વિગતો પણ ખાનગી રહે છે. તેઓ માહિતી અધિકાર હેઠળ પણ આવતા નથી. સંસદના ૩૦ જીતેલા પક્ષોમાંથી માત્ર ૩ પક્ષોનું જ ઓડિટ રિપોર્ટનું વિવરણ મળે છે. તેમના ઓડિટની સરકાર કે પ્રજા કોઈને કશી ચિંતા કે દરકાર હોતી નથી. વળી, પક્ષની કામગીરીનું સોશિયલ ઓડિટ કરવાની તો પ્રજાને કોઈ પડી જ હોતી નથી. મંદીમાં પણ ફંડ મળી રહે છે. પછી આ વ્યવસાયમાં કાયમી તેજી ન આવે તો શું થાય ?

કોરોના આવે, પૂર આવે, યુદ્ધ થાય કે દુકાળ, સાંસદો કે ધારાસભ્યોની સંખ્યા ઘટતી નથી. મંદીમાં કંપની કર્મચારીઓ ઘટાડે છે પણ અહીં તો સંખ્યા વધે, પણ ઘટે નહીં. કોરોના કાળમાં મંદિરો બંધ હોય, બગીચા બંધ હોય, શાળા-કોલેજો બંધ હોય, પરીક્ષાઓ બંધ હોય, ધાર્મિક-સામાજિક ઉત્સવો બંધ હોય પણ ચૂંટણીઓ તો યોજાય જ છે. ભલે પછી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય કે ન થાય. રાજ્યસભાની ચૂંટણી થઈ, બિહારમાં થશે, ગુજરાતમાં પેટાચૂંટણી ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ યોજાઈ અને યોજાય છે. ત્યાં ક્યાંય કોરોના નડતો નથી. ચૂંટાયેલાઓએ કોરોનામાં શું નોંધપાત્ર કામગીરી કરી ?

સ્થાનિક સ્વરાજમાં તો પાંચ વર્ષમાં પાંચ વાર સત્તા ઘણી જગાએ બદલાઈ જતી હોય છે. કોઈને ચોમાસાના ખાડા, ભૂવા કે રોડની પડી હોતી નથી. વડા પ્રધાન રોજ માસ્ક પહેરવા, અંતર જાળવવા અપીલ કરે છે પણ તેમના પક્ષના નેતાઓ જ રેલીઓ કાઢે છે, સ્વાગત કાર્યક્રમો યોજે છે, ખેડૂત સંમેલનો કરે છે ને કોરોનાના નિયમોનાં ધજાગરા ઉડાવે છે. પોતે સંક્રમિત થાય છે ને બીજાને કરે છે.

બિહારમાં પૂર ને કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે ચૂંટણીઓ યોજાશે પણ તે પ્રશ્નો મહત્ત્વના નહીં હોય કે જેટલો બિહારના પુત્ર સુશાંતસિંહની હત્યા કે આત્મહત્યાનો મુદ્દો મહત્ત્વનો બનશે. દેશમાં રોજ સેંકડો લોકોની હત્યા કે આત્મહત્યા જોવા મળે છે, પણ દેશની બધી જ તપાસ એજન્સીઓ સુશાંત જેવી ગંભીર તપાસ ક્યાંય કરતી જોવા મળતી નથી. દેશભરમાં ઢગલાબંધ ગેરકાયદેસર બાંધકામો છે, કોઈ તોડતું નથી. ઉપરથી ઇમ્પેક્ટ ફી લઈને આવક મેળવીને કાયદેસર કરી દેવાય છે પણ મુંબઈમાં કંગનાનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે. લાખો લોકો અસુરક્ષિત છે પણ કંગનાને વાય પ્રકારની સુરક્ષા તરત જ મળી જાય છે. લડાઈ બિહારની ચૂંટણી ને મહારાષ્ટ્રમાં કેન્દ્રમાં જે પક્ષની સરકાર નથી તેની સામેની છે. આમાં ક્યાંય સુશાંત માટેનો પ્રેમ કે તપાસનો પ્રશ્ન મહત્ત્વનો નથી. વ્યાવસાયિક મીડિયાને પણ રિયા ને કંગના રનૌત કે રાઉત જેટલા દેખાય છે તેટલા પ્રજાના પાયાના પ્રશ્નો ભાગ્યે જ દેખાય છે. દેશમાં સુશાંત, કંગના, રિયા સિવાય જાણે કોઈ મોટી સમસ્યા જ ન હોય તેવી સ્થિતિ છે. કોરોનામાં ચૂંટણીઓ ન યોજાય તો પણ આભ તૂટી પડવાનું નથી. બચેલી રકમ કોરોનામાં વાપરી શકાશે. હજુ કોરોના કાબૂમાં આવ્યો નથી, વકરતો જાય છે.

સંસદ ને વિધાનગૃહોનાં સત્રો ટૂંકાં બનતાં જાય છે. એમાંયે યુદ્ધમાં પણ બંધ ન રહેતો પ્રશ્નોત્તરી કાળ રદ કરી દેવાય છે ત્યારે લોકશાહી સામે પ્રશ્ન ઊઠે છે. સાંસદ કે ધારાગૃહો ૩૬૫ દિવસ તો ચાલતાં નથી. છતાં સગવડો ચાલુ હોય છે. દેશના ૭૮૫ સાંસદોમાંથી ૨૦૦ તો ૬૫થી વધુ ઉંમરના છે. જે કોરોનાના કારણે કાર્યવાહીમાં ભાગ લઈ શકશે કે કેમ તે પ્રશ્ન છે. ૨૦૧૯માં સંસદમાં ચૂંટાયેલા ૫૩૯માંથી ૨૩૩ સામે ફોજદારી કેસ ચાલે છે એટલે કે ૪૫ ટકા જેટલા કથિત આરોપીઓ છે. જેમાં ૨૯ ટકા તો ગંભીર પ્રકારના કેસોનો સામનો કરે છે જેમાં આજીવન કેદ પણ થઈ શકે. દેશમાં ૪,૪૪૨ નેતાઓ સામે કેસો ચાલુ છે તેમાંથી ૨,૫૫૬ તો હાલમાં ચાલુ સાંસદ કે ધારાસભ્ય છે. ચૂંટાવા માટે કોઈ ઉંમર કે શૈક્ષણિક લાયકાત પણ નહીં પછી એવા વ્યવસાયમાં તેજી જ હોય ને !

જ્યાં મત આપનારની માત્ર ચૂંટણી સમયે જ ગણના થાય છે, મત કિંમતી છે, પણ મત આપનારની કોઈ કિંમત નથી. મત લીધા પછી કોઈ જવાબદારી નહીં. લોકો કંઈ પૂછતા નથી. સેવકો માલિકો બની જાય છે. મત આપ્યા પછી લોકો પ્રશ્નો ભૂલી જાય છે ને નેતાઓ લોકોને ભૂલી જાય છે. ચૂંટાયેલા ‘ખોવાયા છે’ તેવાં પોસ્ટરો લાગે છે. ટૂંકા સત્ર મળશે, તોફાન-ધમાલ- ગૃહત્યાગ બાદ ઝડપથી ૨૩ બિલ પસાર થઈ જશે. કેગના રિપોર્ટની કોઈ ચર્ચા નહીં. આવા વ્યવસાયમાં તેજી જ હોય ને ! આવી સંસદીય લોકશાહીનો અર્થ શું ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન