અમેરિકામાં બેકારીએ માઝા મૂકી : નવા ૩૦ લાખ લોકોએ બેકારીનો દાવો કર્યો - Sandesh
  • Home
  • World
  • અમેરિકામાં બેકારીએ માઝા મૂકી : નવા ૩૦ લાખ લોકોએ બેકારીનો દાવો કર્યો

અમેરિકામાં બેકારીએ માઝા મૂકી : નવા ૩૦ લાખ લોકોએ બેકારીનો દાવો કર્યો

 | 1:34 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકામાં કોરોના વાઈરસનો ખોફ એક તરફ લોકોને ડરાવી રહ્યો છે ત્યારે બેકારીએ માઝા મુકી છે. બેકારીનાં દાવા વધીને ૩.૨૮ મિલિયન થયા છે જે અગાઉનાં રેકોર્ડ કરતા ૪ ગણા વધારે છે. ૩૨.૮ લાખ બેકારીનાં દાવામાંથી ૩૦,૦૧,૦૦૦ દાવા નવા નોંધાયેલા છે. આમ કોરોનાએ યુએસ ઈકોનોમીની કમર બેવડ વાળી દીધી છે. ૧૪ માર્ચથી ૨૧ માર્ચ વચ્ચેનાં એક અઠવાડીયાનાં ગાળામાં જ ૩૦ લાખ લોકો બેકારીનાં ખપ્પરમાં હોમાયા છે તેમ ગુરુવારે ડીપાર્ટમેન્ટ ઓફ લેબરે જાહેર કરેલા આંકડા જણાવે છે.

સર્વિસ સેક્ટર અને ખાસ કરીને ફૂડ અને એકોમોડેશન ઈન્ડસ્ટ્રીને ભારે ફટકો

કોરોનાને કારણે સર્વિસ સેક્ટર અને ખાસ કરીને ફૂડ અને એકોમોડેશન ઈન્ડસ્ટ્રીને ભારે ફટકો પડયો છે. આ ઉપરાંત હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, એન્ટરટેઈન્મેન્ટ અને આર્ટસ સેક્ટરમાં ભારે તબાહી મચી છે. કોરોના પહેલા અમેરિકામાં બેકારીનો દર ૬૦ વર્ષની નીચે હતો. જે રીતે બેકારીનાં ક્લેઈમ વધીને ૩૦ લાખને પાર થયા છે તેણે સરકારનું તમામ ગણિત બગાડી મુક્યું છે.

પેન્સિલવેનિયામાં સૌથી વધુ બેકારીના ક્લેઈમ

પેન્સિલવેનિયા કે જે અમેરિકાનાં સમૃદ્ધ રાજ્યો પૈકીનું એક છે ત્યાં જ બેકારીનાં સૌથી વધુ ક્લેમઈ નોંધાયા છે. ત્યાં ૩,૭૮,૯૦૦ જ્યારે કેલિર્ફોિનયામાં ૧,૮૬,૮૦૦ અને ઓહાયોમાં ૧,૮૭,૮૦૦,  ઈલિનોઈમાં ૧,૧૪,૭૦૦ અને ન્યૂ યોર્કમાં ૮૦, ૩૦૦ લોકોએ બેકારી વળતર મેળવવા દાવો કર્યો છે. ટ્રમ્પ સરકારે દાવો કર્યો છે કે સ્થિતિ સુધરે તે પછી બમણી ઝડપે ઈકોનોમીને બેઠી કરવા અને તેજી લાવવા તમામ પ્રયાસ કરાશે.

સરકારનું ૨.૨ ટ્રિલિયન ડોલરનું પેકેજ આંશિક રાહત જ આપશે

ટ્રમ્પ સરકાર માટે કસોટીનો કાળ ચાલે છે. યુએસ સંસદ દ્વારા રાહત આપવા ૨.૨ ટ્રિલિયન ડોલરનું પેકેજ જાહેર કરાયું છે જે ગરીબો અને બેકારોને આંશિક રાહત જ પૂરી પાડશે. જે લોકોની આવક ૯૫,૦૦૦ ડોલરથી ઓછી છે તેવા લોકોને સરકાર દ્વારા એક જ વખત ૧૨૦૦ ડોલર આપવાની જાહેરાત કરાઈ છે તે લોકોની જરૂરિયાતો પૂરી કરવા ઘણા ઓછા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;