અનંતનાગમાં CRPF ટીમ પર આતંકી હુમલો : ૫ જવાન શહીદ - Sandesh
  • Home
  • India
  • અનંતનાગમાં CRPF ટીમ પર આતંકી હુમલો : ૫ જવાન શહીદ

અનંતનાગમાં CRPF ટીમ પર આતંકી હુમલો : ૫ જવાન શહીદ

 | 3:20 am IST

। અનંતનાગ ।

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક વ્યસ્ત રોડ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૫ જવાન શહીદ થયા હતા તથા ૫ લોકો ઘવાયા હતા. ઘાયલોમાં જમ્મુ કાશ્મીર પોલીસના ઈન્સપેક્ટર પણ સામેલ છે. અનંતનાગના વ્યસ્ત કેપી રોડ પર સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ જઈ રહી હતી ત્યારે બાઇક પર આવેલા બે નકાબપોશ આતંકીઓએ ઓટોમેટિક રાઈફલ વડે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તથા ટીમ પર ગ્રેનેડ પણ ફેંક્યા હતા જેમાં ૫ જવાનો શહીદ થયા હતા તથા એક પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૫ ઘાયલ થયા હતા. ત્યાર બાદ જવાનો અને આતંકીઓ વચ્ચે સામસામો ગોળીબાર થયો હતો જેમાં બે આતંકી ઠાર થયા હતા, તો એક છોકરીનું પણ મોત થયું હતું.

હુમલા બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી તથા જવાનોની મદદ માટે વધારાની સુરક્ષા ટુકડીઓ પણ આવી હતી. હુમલાને પગલે અનંતનાગમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ટીવી રિપોર્ટ અનુસાર, અલ ઉમર મુજાહિદ્દીન નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકી સંગઠને એક નિવેદન બહાર પાડીને એવું જણાવ્યું કે મુશ્તાક જરગર અમારો મુખિયા છે. મુશ્તાક જરગર બીજું કોઈ નહીં પણ ૧૯૯૯માં વિમાન હાઇજેકના બદલામાં ભારત સરકાર દ્વારા છૂટો કરવામાં આવેલો ખૂંખાર આતંકી છે. અલ ઉમર મુજાહિદ્દીને આવા બીજા હુમલાઓ ચાલુ રાખવાની ધમકી પણ આપી છે.

પૂંછમાં પાકિસ્તાનનો ગોળીબાર : એક જવાન શહીદ

સોમવારે પૂંછમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો હતો જેમાં એક જવાન શહીદ થયો હતો તથા બીજો એક જવાન ઘાયલ થયો હતો. લશ્કરના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ વર્ષે ૧૦૧ આતંકીઓને ઠાર માર્યા હતા. આ તમામ આતંકીઓ એક યા બીજી રાતે કાશ્મીર ખીણમાં સક્રિય હતા અને આતંકી ગતિવિધિઓમાં ગળાડૂબ હતા. માર્ચ મહિનામાં પણ હંદવાડાના લંગેટનાં બાબાગુંડ ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષાદળોના ૪ જવાનો શહીદ થયા હતા તથા ૨ આતંકીઓ માર્યા ગયા હતા.

અનંતનાગના SHO ઘાયલ, શ્રીનગર ખસેડાયા

આતંકી હુમલામાં અનંતનાગ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર અર્શદ અહેમદને પણ ગંભીર ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક ધોરણે શ્રીનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. કેપી રોડ પર પોલીસ અને સીઆરપીએફની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ હુમલો થયો હતો.

શોપિયાંમાં ૨ આતંકીઓ ઠાર થયા

આ પહેલા મંગળવારે શોપિયાંમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ પૂંછના કૃષ્ણા ઘાટી પુલ પર આતંકીઓ દ્વારા લગાવેલો આઈઈડી બોમ્બ ડિફ્યૂઝ કરી નાખ્યો હતો. મૃતક આતંકીઓની લાશ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આતંકીઓની ઓળખ યારીપોરાના સયાર, અહેમદ ભટ, કુલગામ અને શોપિયાંના શકીર અહમદ વાગે તરીકે થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન