ભુજમાં અષાઢી બીજની રથયાત્રામાં ભાવિકો ઉમટયા - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં અષાઢી બીજની રથયાત્રામાં ભાવિકો ઉમટયા

ભુજમાં અષાઢી બીજની રથયાત્રામાં ભાવિકો ઉમટયા

 | 2:00 am IST

કચ્છી નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજના દિવસે દર વર્ષે ભુજ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા.

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ૨૫ ફૂટ ઊંચા રથને હરિ ભક્તો દ્વારા હાથેથી ખેંચવામાં આવ્યો હતો. બપોરે ૩ઃ૩૦ વાગ્યાથી હમીરસર કિનારેથી રથયાત્રાને પ્રસ્થાન કરાવાઇ હતી જે ભુજના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી.

સંવત ૧૮૫૨ના અષાઢી બીજે નીલકંઠવર્ણીના વેશમાં વિચરી રહેલા ભગવાન સ્વામિનારાયણને ત્યાંના રાજાએ જગન્નાથ ભગવાનની સાથે રથમાં બેસાડી પોતાની જાતને ધન્ય કરી હતી. આ ઈતિહાસને તાજો કરવા ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, પ્રસાદી મંદિરના મહંત, દેવકૃષ્ણદાસજી, હરદાસજી, ભગવદજીવનદાસ તથા મુખ્ય મંદિરના કોઠારી સ્વામી નારાયણમુનિદાસજી તથા સ્વામી પુરુષોત્તમ સ્વરૃપદાસજી તથા પ્રસાદી મંદિરના માધવપ્રિયદાસજી તથા ધર્મપ્રિયદાસજી વગેરેના સંતોની પ્રેરણા અને આશીર્વાદથી આજે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી.   રથયાત્રાના યજમાન પદે સામત્રાના અ.નિ.કેશરાભાઈ રૃડા વરસાણી સહપરિવાર રહ્યો હતો. મંદિર દ્વારા પાંચમી રથયાત્રામાં ભુજ મંદિર સંચાલિત ગુરુકુળ તથા કચ્છી લેવા પટેલ સમાજ કન્યા વિદ્યા મંદિર ભુજ તથા હિન્દુ સનાતન સમાજ દ્વારા અલગ અલગ કચ્છી સંસ્કૃતિને અનુરૃપ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રથયાત્રામાં ભુજ મંદિરના સંતો, વિદ્યાર્થી સંત મંડળ, ટ્રસ્ટી મંડળ તથા કચ્છ નરનારાયણદેવ યુવક મંડળના યુવાનો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.