બિહારમાં જુદીજુદી પાર્ટીઓનો શંભુમેળો ચૂંટણીના મેદાનમાં - Sandesh
  • Home
  • Columnist
  • બિહારમાં જુદીજુદી પાર્ટીઓનો શંભુમેળો ચૂંટણીના મેદાનમાં

બિહારમાં જુદીજુદી પાર્ટીઓનો શંભુમેળો ચૂંટણીના મેદાનમાં

 | 12:07 am IST

સ્નેપ શોટ

દેશની રાજનીતિમાં આજકાલ એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમાર ફરીપાછી પોતાની સી.એમ.ની ખુરશી મેળવી શકશે? છેલ્લા ૧૫ વર્ષથી બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશકુમાર બેઠા છે. યેનકેન પ્રકારે પોતાની રાજકીય ચતુરાઈનો ઉપયોગ કરીને નીતિશકુમારે સી.એમ.ની ખુરશી બચાવી રાખી છે. ક્યારેક આરજેડી સાથે તો ક્યારે એનડી તો ક્યારે ભાજપ સાથે ગઠબંધન કરીને પણ નિતિશકુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યાં છે. હવે જ્યારે ફરીવાર વિધાનસભાની ચૂંટણી બિહારમાં આવી પડી છે ત્યારે સૌનું ધ્યાન નીતિશકુમાર પર છે. ચૂંટણીની શરૂઆતમાં તો એનડીએ સામે કોઈ હરિફાઈ ન હોય તેવું વાતાવરણ સર્જાયુ હતું. ચૂંટણીના પંડિતો એનડીએમ સામે લાલુની ગેરહાજરીમાં કોઈ ઉકાળી નહી શકે તેવી ગણતરીઓ મૂકતા હતાં. પરંતુ જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવવા માંડી તેમ તેમ એનડીએમ સામે પડકારો ઉભા થવા માંડયા.

સૌપ્રથમ તો એનડીએમાંથી એલજેપીએ છૂટા પડવાની જાહેરાત ભાજપ-જેડીયુ ગઠબંધન માટે માથાનો દુઃખાવો સાબિત થઈ ગઈ. એલજેપીએ રાજકારણનો એક ખતરનાક દાવ ખેલીને એનડીએના બે સાથીદારો ભાજપ અને જેડીયુ વચ્ચે શંકા ઉત્પન્ન કરવાનું કામ ઓલરેડી કરી દીધુ છે. એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાને ભાજપ સાથે રહીને જેડીયુ સામે બગાવતનું બ્યૂગલ ફૂંક્યુ છે અને ચૂંટણીમાં જેડીયુના ઉમેદવાર સામે પોતાના ઉમેદવારો ચૂંટણી લડશે. ભાજપ સાથે અમારે કોઈ તકલીફ નથી પરંતુ, બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશકુમાર નિષ્ફળ ગયા છે અને એટલે અમે નીતિશકુમારની પાર્ટીના ઉમેદવારો સામે ચૂંટણી લડીશું.

એલજેપીની આ જાહેરાતની સાથે જ જેડીયુને શંકા ભાજપ સામે થઈ અને આજદિન સુધી ભાજપના નેતાઓ રોજ જેડીયુના શંકાનું સમાધાન કરવા નિતનવી જાહેરાત કરે છે. સૌપ્રથમ તો ભાજપ છોડી એલજેપીમાં જોડાનારા છ જેટલા નેતાઓને ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારબાદ બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ જાહેરાત કરી કે એલજેપી અમારી બી ટીમ નથી. જેડીયુના ઉમેદવારોની હારથી એનડીએને કોઈ ફાયદો થવાનો નથી. અમે મજબૂત અને સ્થિર સરકાર બિહારમાં બનાવવા માગીએ છીએ અને અમે અગાઉ પણ સ્પષ્ટ કર્યુ છે કે જેડીયુ અને ભાજપની સીટો ગમે તેટલી આવે મુખ્યમંત્રી નિતિશકુમાર જ બનશે. દરમિયાનમાં આજે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે પણ એલજેપીના ચિરાગ પાસવાન પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે ચિરાગ પાસવાન બિહારમાં જુદા રસ્તે ચાલી રહ્યાં છે તે ભાજપના અગ્રણી નેતાઓનું નામ લઈને લોકોને ગરેમાર્ગે દોરી રહ્યા છે. હકીકત તો એ છે કે ચિરાગ પાશવાનની પાર્ટી એલજેપી વોટ કટવા પાર્ટી છે. એલજેપી સાથે ભાજપની કોઈ સમજૂતી નથી.

હકીકત એ છે કે રામવિલાસ પાશવાનના અવસાન બાદ એલજેપીને સહાનૂભુતિના મત મળે તેવી ધારણાઓ બિહારમાં બની રહી છે અને એટલે જ એલજેપી સામે હવે ભાજપના નેતાઓ આક્રમક થઈ રહ્યાં છે.

બિહારમાં એનડીએ સાથે હવે ભાજપ, જેડીયુ સિવાય જિતેન્દ્ર માછીની હમ પાર્ટી તથા વીઆઈપી પાર્ટીનંમ જોડાણ છે. બિહારમાં ફરી એનડીએની સરકાર રચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે બિહારમાં ૧૨ ચૂંટણી સભાઓ સંબોધવાના છે. પીએમ મોદીની આ સભાઓની શરૂઆત નવરાત્રિની સાતમ, ૨૩ ઓક્ટોબરથી શરૂ થશે. ૨૩મીએ તેઓબિહારમાં સાસારામ, ગયા અને ભાગલપુરની જાહેર સભાઓને સંબોધશે. ત્યારબાદ બીજો પ્રવાસ ૨૮મી ઓક્ટોબરે કરશે. તે દિવસે પીએમ મોદી દરભંગા,મુજફ્ફરપુર અને પટનામાં ચૂંટણી સભાઓ સંબોધશે. ત્રીજો પ્રવાસ પીએમ મોદીનો ૧ નવેમ્બરનો રહેશે. આ દિવસે છપરા, પૂર્વી ચંપારણ અને સમસ્તીપુરની ચૂંટણી સભાઓ સંબોધશે. જ્યારે પીએમ મોદીનો છેલ્લો બિહારનો ચૂંટણી પ્રવાસ ૩ નવેમ્બરનો રહેશે તે દિવસે પશ્ચિમ ચંપારણ, સહરસા,અરરિયામાં ચૂંટણી સભાઓ સંબોધશે. વડાપ્રધાનની આ ચૂંટણી સભાઓ દરમિયાન મુખ્યમંત્રી નીતિશકુમાર પણ મોટાભાગે તેમની સાથે રહેશે.

ભાજપના નેતાઓએ કહ્યું હતું કે બિહારમાં આ વખતે અમારા ચૂંટણી મુદ્દાઓ સ્પષ્ટ છે. અમે બિહારનો વિકાસ ઈચ્છીએ છીએ. જ્યારે વિપક્ષો માટે પોતાના પરિવારનો વિકાસ મહત્વનો છે.  બિહારના વિપક્ષી મહા ગઠબંધનની મુખ્ય પાર્ટી આરજેડીએ તેમના પોસ્ટરમાં લાલુ યાદવની તસવીર હટાવી દીધી છે. તેના પર આક્ષેપ કરતા ભાજપના નેતાઓએ કહ્યુ છે કે આરજેડી પોતાના પરિવારના મુખિયાની તસવીર પણ પોસ્ટરમાં મૂકતા અચકાય છે. તેનું કારણ એ છે કે જો આ તસવીર પોસ્ટર પર આવશે તો લોકોને અપહરણ, હત્યા, ગોટાળા અને લૂંટ મારની યાદો તાજી થશે.

બિહારમાં અત્યારે તો એક સાથે ચાર ગઠબંધનો આમને – સામને ચૂંટણી લડી રહ્યાં છે જેમાં એનડીએમાં ભાજપ, જેડીયુ , હમ અને વીઆઈપી પાર્ટી છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, લેફ્ટ પાર્ટીઓમાં સીપીઆઈ, સીપીઆઈમાલે, સીપીએમ જેવી પાર્ટી છે. આ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએસપીએ બીએસપી અને ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. જનઅધિકારી પાર્ટીના પપ્પુ યાદવે પણ ચંદ્રશેખર આઝાદ સમાજ પાર્ટી, એમ.કે.ફૈઝીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી અને બહુજન મુક્તિ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણીના મેદાનમાં ઝુકાવ્યુ છે. બીજી બાજુ આ ચૂંટણી જંગમાં પ્લુરસ પાર્ટીના પુષ્પમ પ્રિયા ચૌધરીએ પોતાને સી.એમ.ના ઉમેદવાર બતાવીને ચૂંટણી જંગમાં પોતાની પાર્ટીના ૪૦ ઉમેદવારો ઊભા રાખ્યા છે. બીજીબાજુ ઝારખંડ મુક્તિ મોરચાના શિબુસોરેન પણ બિહારમાં પોતાના ઉમેદવારો ઉતારવાના છે આ તરફ શિવસેનાએ પણ બિહારમાં પ૦ ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે જ્યારે એનસીપીએ બિહારમાં ૧૪૫ ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે

આમ બિહારમાં વિવિધ રાજકીય પક્ષોનો શંભુમેળો આ વિધાનસભાની ચૂંટણીમાં જામ્યો છે. હકીકત એ છે કે આમાંથી કેટલીક પાર્ટીઓ જીતની આશાએ ચૂંટણી નથી લડતી પરંતુ એક ખાસ મકસદથી પોતાની વિરોધી પાર્ટીઓના મત તોડવા ચૂંટણી લડી રહી છે તેવું જાણકારોનું માનવું છે. તે તો હવે પરિણામ આવ્યા પછી જ ખબર પડશે કે કઈ પાર્ટીએ કોના મત તોડયા અને કોને ફાયદો કરાવ્યો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન