બ્રિટનમાં કિશોરોએ માર મારતાં ગુજરાતી મૂળના દુકાનદારનું મૃત્યુ - Sandesh
  • Home
  • Ahmedabad
  • બ્રિટનમાં કિશોરોએ માર મારતાં ગુજરાતી મૂળના દુકાનદારનું મૃત્યુ

બ્રિટનમાં કિશોરોએ માર મારતાં ગુજરાતી મૂળના દુકાનદારનું મૃત્યુ

 | 3:09 am IST

લંડન, તા. ૧૧

ઉત્તર લંડન ખાતે એક ભારતીય મૂળના દુકાનદારે તેની દુકાને આવેલા સ્થાનિક બ્રિટિશ કિશોરોને તેઓ પુખ્ત ના હોવાથી સિગારેટ પેપર આપવા ઇનકાર કરતાં કિશોરોએ મારેલા મૂઢ મારમાં તે દુકાનદારનું મૃત્યુ થયું હતું. મિલ હિલ વિસ્તારમાં શનિવારે રાત્રે ૪૯ વર્ષના વિજય પટેલ પર હુમલો કરતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમનું મૃત્યુ થયું હતું. હુમલાખોરોને ઝડપવાની અપીલ સાથે વિજય પટેલનાં કુટુંબીજનોએ હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ રહેલા વિજય પટેલની તસવીરો પ્રગટ કરી હતી. વિજય પટેલ બે સંતાનોના પિતા છે.

તપાસઅધિકારી ઇઆન લોટે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના કિશોરો જે ખરીદવા માગતા હતા તે માટે માત્ર ઇનકાર થતાં હત્યા થઈ હતી. માત્ર કાયદાનું પાલન કરવા પ્રયાસ કરતાં એ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

૧૬ વર્ષની વયનો કિશોર આજે કોર્ટ સમક્ષ હાજર થતાં તેની સામે વિજય પટેલની હત્યાના આરોપ બદલ કાર્યવાહી શરૂ થઈ હતી. હોમિસાઇડ એન્ડ મેજર ક્રાઇમ કમાન્ડે આ કિસ્સામાં તપાસની શરૂઆત કરી છે. કિશોરોએ છાતીમાં મુક્કો મારતાં પટેલ પાછળની તરફ પડી ગયા હતા અને માથે વાગ્યું હતું. લંડન એમ્બ્યુલન્સ સર્વિસે વિજય પટેલને તેમના સ્ટોર બહાર ઘાયલ અવસ્થામાં જોયા હતા. તેમને સેંટ મેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિજય પટેલ વર્ષ ૨૦૦૬માં ભારતથી લંડન સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમનાં પત્ની વિભા ઘટના બની ત્યારે ભારતમાં કુટુંબીજનોને મળવા ગયેલાં હતાં.

;