કેનેડાના ફ્રેડરિક્ટનમાં શૂટઆઉટ બે પોલીસ સહિત ચારનાં મોત - Sandesh
  • Home
  • Newspaper
  • કેનેડાના ફ્રેડરિક્ટનમાં શૂટઆઉટ બે પોલીસ સહિત ચારનાં મોત

કેનેડાના ફ્રેડરિક્ટનમાં શૂટઆઉટ બે પોલીસ સહિત ચારનાં મોત

 | 2:21 am IST

। નવી દિલ્હી ।

કેનેડાના પૂર્વમાં આવેલા ન્યૂ બ્રુન્સવિક પ્રાંતની રાજધાની ફ્રેડરિક્ટન શહેરમાં શુક્રવારે કરાયેલા અંધાધૂંધ ગોળીબારમાં બે પોલીસ અધિકારી સહિત ઓછામાં  ઓછા ચાર લોકો માર્યા ગયાં હતાં. ફ્રેડરિક્ટનપોલીસે જણાવ્યું હતું કે, હાલ પણ બંધૂકધારી દ્વારા ગોળીબાર ચાલી રહ્યાં હોવાથી મૃતાંક ઊંચો જઇ શકે છે. પોલીસે લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, સ્થાનિક સમય પ્રમાણે સવારે ૮.૨૦ કલાકે ગોળીબાર શરૂ થયો હતો. શહેરની ઉત્તરમાં આવેલા બ્રુકસાઇડ વેસ્ટ એરિયામાં નહીં જવા લોકોને ચેતવણી અપાઇ છે.

સીટીવી એટલાન્ટિકના રિપોર્ટર નિક મૂરેએ જણાવ્યું હતું કે, મેં બ્રુકસાઇડ વેસ્ટ એરિયામાં ગોળીબારના ચાર ધમાકા સાંભળ્યા હહતા. હાલ ઇમર્જન્સી સેવાઓના કર્મચારીઓએ આસમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સ્થાનિક રહેવાસીઓને તેમના ઘરોમાં જ રહેવાની સૂચના પોલીસે આપી છે. ફ્રેડરિક્ટન ફાયર સર્વિસે સ્થાનિક રહેવાસીઓને સોશિયલ મીડિયા પર પોલીસનું લોકેશન જાહેર નહીં કરવાની સૂચના આપી છે.

ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, જાહેર જનતા બ્રુકસાઇડ ડ્રાઇવ વચ્ચે આવેલા મેઇન અને રિંગ રોડ પર ન આવે. અહીં થયેલા ગોળીબારમાં ચારનાં મોત થયાં છે. અમે વધુ ચકાસણઈ કર્યા પછી વધુ માહિતી જાહેર કરીશું. પ્રાપ્ત થયેલા વીડિયો ફૂટેજમાં ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ વાહનોને ગોળીબારના સ્થળ તરફ ધસી જતાં જોવા મળ્યાં હતાં. સીબીસીના રિપોર્ટર નાથાલી સ્ટરજિયોને જણાવ્યું હતું કે, પોલીસે ઘટના સ્થળે આર્મર્ડ વ્હિકલ તહેનાત કરી દીધાં છે. ફ્રેડરિક્ટન શહેર ૫૮૦૦૦ લોકોની વસતી ધરાવે છે.

૨૦૧૪માં ન્યૂ બ્રુન્સવિકમાં થયેલા શૂટઆઉટમાં ૩ પોલીસ અધિકારી માર્યા ગયા હતા

૨૦૧૪માં ન્યૂ બ્રુન્સવિકમાં થયેલી શૂટઆઉટની ઘટનામાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના ૩ અધિકારી માર્યા ગયાં હતાં. આ કેનેડાનું સૌથી ભયાનક શૂટઆઉટ હતું. કેનેડામાં અમેરિકા કરતાં બંધૂક કાયદા ઘણા આકરાં છે. પોલીસ પર ભાગ્યે જ હુમલાની ઘટના બને છે. તાજેતરના વર્ષોમાં સરહદ પારથી ઘૂસાડાતા હથિયારોના કારણે શૂટઆઉટની ઘટનાઓમાં વધારો થયો છે.