બાળકોમાં ગુનાખોરી ન ઉદ્ભવે એ માટે શું કરવું? - Sandesh
NIFTY 10,992.65 -26.25  |  SENSEX 36,511.18 +-30.45  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • બાળકોમાં ગુનાખોરી ન ઉદ્ભવે એ માટે શું કરવું?

બાળકોમાં ગુનાખોરી ન ઉદ્ભવે એ માટે શું કરવું?

 | 5:09 am IST

અરસપરસ એકેડમીઃ રઈશ મણિયાર

બાળકોમાં ગુનાખોરી કેવી રીતે પાંગરે છે એની વાત ચાલી રહી હતી.

“તમે એ તો સમજાવ્યું કે બાળકો અને તરુણોમાં જોવા મળતી ગુનાખોરી માટે જન્મજાત કે વારસાગત કારણો કેટલા અંશે જવાબદાર હોય છે અને ગુનાખોરી માટે ઉછેર અને સંજોગોનો ફળો શું હોય છે! પણ..”

“પહેલાં તમે શું સમજ્યા તે કહો..” કાનાભાઈએ અરજણભાઈનું ધ્યાન ચકાસવા પ્રશ્ન કર્યો.

“તમે જે કહ્યું એનો સાર એવો હતો કે રંગસૂત્રોનું લખાણ, ઘરમાં ઉછેર અને શાળામાં શિક્ષણની ગુણવત્તા તેમજ સંજોગો, આ ત્રણ અલગ-અલગ દોરાઓના વણાટથી બાળક ઉછરે છે. ગમે તે દોરો આ વણાટને સુધારી કે બગાડી શકે.”

અરજણભાઈ આટલું બોલી ઊંડા વિચારમાં સરી ગયા, “આ તો તમે મને મૂંઝવી નાખ્યો. ખોંખારીને એમ પણ કહી ન શકાય કે માત્ર મા-બાપ જવાબદાર છે, અને એમ પણ કહી ન શકાય કે આખો સમાજ જવાબદાર છે, અથવા શિક્ષણપદ્ધતિ જવાબદાર છે!”

“બધા ફળો આપી શકે, પણ એકલે હાથે કશું બગડે કે સુધરે નહીં.”

“સત્ય આવું ગોળગોળ હોય તો કટારલેખકોએ શેની હિમાયત કરવાની? મોટિવેટરોએ મા-બાપને બોધ શું આપવાનો? સમાજસુધારકોએ કઈ દિશામાં પગલાં લેવાના?”

કાનાભાઈએ કહ્યું, “ગુનાખોરી માત્ર વારસાગત હોત તો હિટલરે વિચારેલું એ રીતે જગતમાંથી અસત નાબૂદ થઈ જાત. એણે (પોતાના સિવાયના) ગુનેગારોનું, એના શબ્દોમાં કહીએ તો ‘નબળા જનીનો ધરાવતા લોકો’નું નિકંદન કાઢીને માત્ર ‘સારા જનીનો ધરાવતાં લોકો’ને જ જીવવા દેવા, એવો પ્રયોગ અમલમાં મૂકવા પ્રયાસ કરેલો. જેથી દુનિયામાંથી ઊણપો નાબૂદ થઈ જાય! આને ‘નેગેટિવ યુજેનેટિક્સ’ તરીકે ઓળખવામાં આવે છે. પણ એનો એ પ્રયોગ વાહિયાત હતો. સંતને પેટે પણ શૈતાન પાકે અને શૈતાનના પેટે પણ સંત પાકે, એ સહુ જાણે છે.”

“પણ ગુનાખોરીને અનિવાર્ય ગણીને સ્વીકારી લેવી કે એને ડામવા પ્રયત્ન કરવાનો?”

“તમે દરેક વાતમાં દ્વંદ્વ શોધો છો! અને એમાંથી એક વિકલ્પ પૂછો છો, જીવન એટલું સરળ નથી!”

“એટલે ગુનાખોરીને ડામવા પ્રયત્ન કરવાનો કે નહીં?”

“કરવાનો! સતથી અસત તરફ્ જવું, અંધકારથી પ્રકાશ તરફ્ જવું એ જ સાચો ધર્મ હોવાથી આપણા, સજ્જનોના, પ્રત્યેક કૃત્યમાં સૂક્ષ્મ રીતે સંસારમાં ગુના ઓછા થાય એવો પ્રયત્ન હોવો જોઈએ, પણ..”

“વળી આમાં ‘પણ’ ક્યાંથી આવ્યું?”

“મહાભારતના દિવસોથી આજ સુધીનો સંસાર તમે જોયો છે. બે વસ્તુ સમજી લો. કૃષ્ણ ભલે અવતાર લે કે ન લે, પણ દુશાસન દરેક યુગમાં અવતરે છે અને યુધિષ્ઠિર પણ દરેક યુગમાં અવતરે છે.”

“જોકે આજકાલ દુશાસન કોણ અને યુધિષ્ઠિર કોણ એ ખ્યાલ જલદી આવતો નથી.”

કાનાભાઈ હસ્યા, “વાતનો સાર એ છે કે માણસે, વાલીએ, શિક્ષકે, ઉપદેશકે, સમાજસુધારકે બે વસ્તુ સમજવાની છે.”

“એ કઈ બે વસ્તુ છે? જલદી કહો!”

“પહેલી વાત એ કે સાત્ત્વિક માણસોની ગમે તેટલી કોશિશ છતાં દુનિયા કદી ગુના વગરની થઈ શકશે નહીં, અને બીજી વાત એ કે તામસિક માણસોની ગમે તેટલી કોશિશ છતાં દુનિયામાં કદી ગુનાઓનું સંપૂર્ણ સામ્રાજ્ય સ્થપાઈ શકે નહીં.” કાનાભાઈ એમની સ્ટાઈલનું સત્ય બોલ્યા.

“ઓહો, આ બે સત્ય સમજીને આપણે જે કંઈ કરવું હોય એ કરવું જોઈએ, બરાબર ને?” અરજણભાઈ ઠંડા પડયા.

કાનાભાઈએ હકારમાં ડોકું ધુણાવ્યું અને અરજણભાઈ યુવાનોમાં ગુનાખોરી કઈ રીતે ઘટી શકે એના ઉપાયો વિચારવા લાગ્યા, “શાસન સારું હોય ત્યાં ગુનાખોરી ઘટે એ સાચું?”

“ગુનાખોરી ઘટાડી શકે એ જ શાસન સારું કહેવાય! ગુનાખોરી દુનિયામાં રહેશે જ એ સત્ય સ્વીકારવાનો અર્થ એ નથી કે એને મોકળું મેદાન આપવું. વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ગુના ન પાંગરે. ફ્રિયાદ તરત કાને ધરાવી જોઈએ. ગુનાશોધન સતેજ હોવું જોઈએ. પાપી પ્રત્યે નહીં, પરંતુ પાપ પ્રત્યે એક્શન લઈને સવેળા, સત્વરે સચોટ ન્યાય થવો જોઈએ.”

“હવે એ કહો મા-બાપ અને સમાજ શું કરી શકે?” અરજણભાઈએ પૂછયું.

“સમાજ તરીકે પરિવાર, અભ્યાસ અને કારકિર્દીની આપણી જે સમજ છે, એ વિશાળ હોવી જોઈએ. પરિવારમાં હૂંફ્નો અભાવ અને લાડ બંને નુકસાન કરે. અભ્યાસ અને કારકિર્દીની કઠિનતા જીવનને એક સંઘર્ષ બનાવી દે. એટલે બાળકોના જીવનમાં ધાર્મિકતા નહીં પણ સાહજિક સ્પિરિચ્યુઆલિટી આવે તો ફયદો થાય.”

અરજણભાઈએ દલીલ કરી, “પિૃમી અને આધુનિક વિચારસરણી સ્પિરિચ્યુઆલિટીને એટલું મહત્ત્વ નથી આપતી કદાચ!”

“હા, અમેરિકા અને યુરોપમાં ઘણી જગ્યાએ તો અભ્યાસક્રમોમાં ‘ઈશ્વર છે કે નહીં’ એ વિશે પણ કંઈ શીખવવામાં નથી આવતું. ત્યાં બાળકને માત્ર ‘ગુડ સિટીઝન’ બનવા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યાં આવી કેળવણીની સાથેસાથે સુશાસનના કડક અને સાતત્યપૂર્ણ નિયમોને કારણે સ્થિર વ્યક્તિ ગુનાઓથી દૂર રહે છે.”

અરજણભાઈના મનમાં ભયાનક તર્ક આવ્યો, “આપણા દેશમાં સુશાસનના વિકલ્પે કે એના અભાવમાં તો સ્પિરિચ્યાલિટી નથી પાંગરીને? લોકોની ધૂર્તતા અથવા પોલીસની બેજવાબદારી ગમે તે કારણે ટ્રાફ્કિ ચાર કલાક જામ રહે તો એને હરિઈચ્છા ગણીને જ જીવવું પડે આ દેશમાં!”

“તમારી વાત એની જગ્યાએ સાચી છે. જીવનમાં અનિશ્ચિતતાઓ, અનિયંત્રણ, નિસહાયતા વધે ત્યારે ધાર્મિકતા વધે છે. પણ સ્પિરિચ્યુઆલિટીનું પોતાનું મહત્ત્વ છે. એ ચોક્કસપણે ગુના ઘટાડી શકે!”

“એ કઈ રીતે?”

“તમે ગુનાઓની ભીતર ઉતરીને ગુનેગારના શરૂઆતના દિવસોની મનોસ્થિતિ તપાસશો તો ખ્યાલ આવશે કે ઘણા ગુના માત્ર જિદ, ઝનૂન, આત્મસન્માન ખાતર થાય છે. ઘણા ગુનાઓના મૂળમાં અહંકાર કે પેથોલોજિકલ સેલ્ફ્-લવ હોય છે.”

“તો એમાં સ્પિરિચ્યુઆલિટીથી ફયદો થાય?”

“હા, પોતાનો અહંકાર ઓગાળી, જે તલ્લીન થઈને, સ્વાર્થ કે સુરક્ષા સિવાયના કારણોસર, પ્રાર્થના કરી શકે, એ ભાગ્યે જ ગુનો કરે!” આમ કહી કાનાભાઈએ શાયરી ફ્રમાવી

કંઈ ગુનાઓ ત્યાં ઉછરતા હોય છે

મનની અંદર એવા લત્તા હોય છે

હોય છે ભાગ્યે જ બીજા જિમ્મેદાર

હું-પણાની ક્રૂર સત્તા હોય છે