દેશમાં રોજગારની અછત નહીં, પરંતુ કાબેલ ઉમેદવારો જ નથી : કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી - Sandesh
  • Home
  • India
  • દેશમાં રોજગારની અછત નહીં, પરંતુ કાબેલ ઉમેદવારો જ નથી : કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી

દેશમાં રોજગારની અછત નહીં, પરંતુ કાબેલ ઉમેદવારો જ નથી : કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી

 | 2:44 am IST

। નવી દિલ્હી ।

દેશમાં પ્રવર્તતી બેરોજગારી અને આર્થિક મંદી પર સરકાર દ્વારા જ આંકડા જારી કરાતાં હોવા છતાં કેન્દ્ર સરકારના મંત્રીઓ મનઘડંત તર્ક રજૂ કરીને સમસ્યાઓથી પલાયન કરી રહ્યા છે. ઓટો સેક્ટરમાં મંદી માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ઓલા ઉબેરને જવાબદાર ઠેરવ્યા તો વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે જીડીપીના ઘટતા દરની ગણતરીઓમાં નહીં પડવા આઇન્સ્ટાઇનને ગુરુત્વાકર્ષણના નિયમો સાથે જોડી દીધા હતા. હવે સ્વતંત્ર હવાલો ધરાવતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે દેશમાં બેરોજગારી છેલ્લા ૪૫ વર્ષની ટોચની સપાટી પર પહોંચી હોવાના સરકારી આંકડા હોવા છતાં દાવો કર્યો હતો કે, દેશમાં પૂરતી સંખ્યામાં નોકરીઓ છે પરંતુ જે તે હોદ્દા માટે કાબેલ ઉમેદવારો મળી રહ્યા નથી. વિશેષ કરીને તેમણે ઉત્તર ભારતના યુવાઓ પર ટિપ્પણી કરી હતી કે નોકરીઓ માટે ઉત્તર ભારતીય ઉમેદવારો પૂરતી કાબેલિયત અને યોગ્યતા ધરાવતા નથી.

સંતોષ ગંગવારે ઉત્તરપ્રદેશમાં પોતાના મતવિસ્તાર બરેલીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, હું કહેવા માગું છું કે, દેશમાં નોકરીની તકોની કોઈ અછત નથી. ઉત્તર ભારતમાં નોકરીઓ લઈને આવનારી કંપનીઓ ઘણીવાર ફરિયાદ કરે છે કે તેમને હોદ્દા માટે જરૂરી એવી કુશળતા, લાયકાત અને ગુણવત્તા ઉમેદવારોમાં મળતી નથી. હું શ્રમ અને રોજગાર મંત્રાલય જ સંભાળું છું અને દરરોજ સ્થિતિ પર નજર રાખું છું. દેશમાં નોકરીની અછત છે જ નહીં. દેશમાં બેરોજગારોને નોકરીઓ માટે રોજગાર કેન્દ્રો છે અને અમે એક અલગ સિસ્ટમ પણ અપનાવી છે. વિવાદ સર્જાતાં ગંગવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મેં એક વિશેષ સંદર્ભમાં આ વાત કહી હતી.

સરકારની નીતિઓથી છવાયેલી આર્થિક મંદીના કારણે નોકરીઓ છીનવાઈ રહી છે :પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ ગંગવાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી કેન્દ્રમાં તમારી સરકાર છે. છેલ્લા પાંચ વર્ષમાં નોકરીઓનું સર્જન તો થયું નથી પરંતુ સરકારની નીતિઓથી છવાયેલી આર્થિક મંદીના કારણે જે નોકરીઓ છે તે પણ છિનવાઈ રહી છે. તમે ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બેરોજગારીના મુદ્દાથી બચી જવા માગો છો પણ આ ચલાવી લેવાશે નહીં.

૨૦૧૭-૧૮માં બેરોજગારીનો દર ૪૫ વર્ષની ટોચની સપાટી ૬.૧ ટકા પર પહોંચ્યો હતો

ભારત સરકારના જ આંકડા કહે છે કે, ૨૦૧૭-૧૮માં દેશમાં બેરોજગારીનો દર છેલ્લા ૪૫ વર્ષની ટોચે ૬.૧ ટકા પર પહોંચી ગયો હતો. ૨૦૧૪માં મોદી સરકાર સત્તા પર આવ્યા પછી બેરોજગારીના સત્તાવાર આંકડા જારી કરાતા જ નહોતા. ૨૦૧૭-૧૮ના આંકડા પણ કેટલાંક અખબારો દ્વારા લીક કરાયાં હતાં. તે સમયે ચૂંટણી સામે હોવાથી સરકાર આંકડા ખોટા હોવાનું રટણ કરતી રહી હતી. પરંતુ પીએમ મોદીના શપથ ગ્રહણ બાદ સરકારે આંકડા જારી કરી બેરોજગારી ટોચ પર હોવાનું સ્વીકાર્યું હતું.

કેન્દ્રીય મંત્રીઓનાં હાસ્યાસ્પદ નિવેદનો અત્યંત શરમજનક : માયાવતી

બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પણ સંતોષ ગંગવારને ઘેરતાં જણાવ્યું હતું કે, દેશમાં છવાયેલી આર્થિક મંદીની ગંભીર સમસ્યા પર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા અપાતા અલગ અલગ હાસ્યાસ્પદ નિવેદનો અને હવે દેશ અને વિશેષ ઉત્તર ભારતીયોની બેરોજગારી દૂર કરવાને બદલે એમ કહેવું છે કે નોકરીઓની અછત નહીં પરંતુ યોગ્યતાની અછત છે, તેમ કહેવું અત્યંત શરમજનક છે. ગંગવારે દેશની માફી માગવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન