દ. આફ્રિકામાં વગદાર ગુપ્તાબંધુઓને ત્યાં દરોડા પછી ધરપકડ - Sandesh
  • Home
  • Ahmedabad
  • દ. આફ્રિકામાં વગદાર ગુપ્તાબંધુઓને ત્યાં દરોડા પછી ધરપકડ

દ. આફ્રિકામાં વગદાર ગુપ્તાબંધુઓને ત્યાં દરોડા પછી ધરપકડ

 | 1:49 am IST

જોહાનિસબર્ગ, તા. ૧૪

દક્ષિણ આફ્રિકામાં વગદાર મનાતા ગુપ્તાબ્રધર્સનાં વૈભવી ઘર પર બુધવારે દક્ષિણ આફ્રિકાની સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. દરોડાને પગલે ત્રણેય ગુપ્તાબંધુઓની ધરપકડ થઈ હતી. દક્ષિણ આફ્રિકા પર આઠ વર્ષ સુધી શાસન સંભાળી ચૂકેલા પ્રમુખ જેકબ ઝુમાને દક્ષિણ આફ્રિકાના શાસકપક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ પદ છોડવા ફરમાન કરી ચૂકી છે. ત્રણ ગુપ્તાબંધુ અને ઝુમા ભ્રષ્ટાચારમાં સાઠગાંઠ ધરાવતા હોવાના આક્ષેપસર તેમનાં નિવાસે પોલીસે દરોડા પડયા હતા.

આ દરોડાને પગલે ઝુમા અને તેમના રાજકીય સમર્થક જૂથ પરનાં દબાણમાં નાટયાત્મકપણે વધારો થયો હતો. તે તમામ પર આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ દેશનાં સંસાધનોનો ઉપયોગ પોતાનાં હિતમાં કરતા હતા.  પોલીસનું હોક યુનિટ વહેલી સવારે ગુપ્તાબંધુઓનાં નિવાસો પર ત્રાટક્યું હતું અને પ્રમુખ ઝુમા પદ છોડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ગુપ્તાબંધુઓની ધરપકડ થઈ હતી.

દક્ષિણ આફ્રિકાના રાજ્ય સંચાલિત મીડિયાએ પણ ગુપ્તાબંધુઓની ધરપકડ થઈ હોવાના અહેવાલનું પ્રસારણ કર્યું હતું.  પ્રમુખ જેકબ ઝુમાના ત્યાગપત્રના મુદ્દે હજી અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. કેટલાંક વર્તુળોએ દાવો કર્યો હતો કે ઝુમા કેન્દ્રીય ઇમારત ખાતેથી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, તો કેટલાંક વર્તુળોએ તે અહેવાલો નકારી કાઢયા હતા.  જોકે ઝુમા અને ગુપ્તાબંધુઓ એમ બંને પક્ષ તેમણે કાંઈ ખોટું કર્યંક હોવાનો ઇનકાર કરી રહ્યા છે.

સિરીલ રામાફોસા અને ઝુમા વચ્ચે સત્તાસંઘર્ષ  

ઝુમા આ તમામ ઘટનાક્રમ વચ્ચે ખામોશી પાળી રહ્યા હતા. કહેવાય છે કે આફ્રિકી નેશનલ કોંગ્રેસે નાયબ પ્રમુખ સિરીલ રામાફોસાને સંગઠનના પ્રમુખપદે ચૂંટી કાઢતાં ઝુમાની પડતીના દિવસો શરૂ થયા હતા. ૧૯૯૦ના દાયકામાં આફ્રિકા પહોંચેલા ગુપ્તાબંધુઓ સામે ૨.૫ અબજ ડોલરના શસ્ત્રસોદાઓમાં થયેલા ભ્રષ્ટાચારમાં સાથ આપ્યાના આક્ષેપ છે.

સંસદના ચીફ વ્હીપને દરખાસ્ત લાવવા કહી દેવાયું   

દક્ષિણ આફ્રિકાની સંસદ પ્રમુખ જેકબ ઝુમા સામે ગુરુવારે અવિશ્વાસની દરખાસ્ત લાવશે, શાસક પક્ષ એએનસીએ આ અંગેની જાહેરાત કરી હતી. એએનસીના નેતા પૌલ માશાટાઇલે બુધવારે જણાવ્યું હતું કે સંસદના ચીફ વ્હીપને ઝુમા સામે ગુરુવારે અવિશ્વાસની દરખાસ્ત લાવવા કહી દેવાયું છે.

ઝુમા અને સાથી પર ગાળિયો કસાઈ રહ્યો છે  

દક્ષિણ આફ્રિકામાં પ્રમુખ ઝુમા અને તેમના સાથીઓ પર ગાળિયો કસાઈ રહ્યો છે. જોહાનિસબર્ગમાં ગુપ્તા મેન્શન તરફ જતા રસ્તાઓને સવારે જ સીલ કરવામાં આવ્યા હતા. હોક પોલીસ એકમ આ રસ્તા સીલ થતાં જ મેન્શનમાં પ્રવેશ્યું હતું. થોડી વારમાં જ એક પોલીસવાન કેટલાંક લોકોને લઈને રવાના થઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટોચની ભ્રષ્ટાચાર વોચ ડોગ એજન્સી આક્ષેપ કરી રહી છે કે ગુપ્તા કેબિનેટ નિમણૂકો સુધીની ઘટનાઓમાં વગનો ઉપયોગ કરતા હતા. સ્થાનિકો મકાન બહાર ભેગા થઈને કહી રહ્યાં હતાં કે, ‘આખરે કાંઈક થયું ખરું. આ લોકોને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ, પૂરતું નુકસાન કરી ચૂક્યા છે.’ હોક યુનિટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસમાં ન્યાયિક તપાસ થઈ શકે છે.