NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • દાહોદમાં ભરતસિંહનો પ્રચાર, કહ્યું ‘પંજો લઈને આવે તેને જીતાડજો’

દાહોદમાં ભરતસિંહનો પ્રચાર, કહ્યું ‘પંજો લઈને આવે તેને જીતાડજો’

 | 11:14 pm IST

શંકરસિંહ વાઘેલા વિશે ન કરી કોઈ પણ ટિપ્પણી, દાહોદમાં કોંગ્રેસે સીટિંગ MLAને રિપીટ કરવાની વાતમાંથી કરી પીછેહઠ
+
દાહોદમાં કોંગ્રેસે ધારાસભ્યોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રિપીટ કરવાની વાતમાંથી પીછેહઠ કરી હતી. આજરોજ સોમવારે દાહોદ આવેલા પ્રદેશ પ્રમુખે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, જે પંજો લઈને આવે તેને વિજયી બનાવો, પંજો તમારો ઉમેદવાર. જેને પગલે ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા હતા.

દાહોદમાં તારીખ 19 જૂનના રોજ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત તેમજ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દાહોદની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ચાર વિધાનસભા વિસ્તારના કાર્યકરોને સંબોધ્યા હતા, પરંતુ કાર્યક્રમ પ્રમાણે વિસ્તારવાર મુલાકાત ન થતાં કાર્યકરોમાં નિરાશા ફેલાઈ હતી.

પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમનાં પ્રવચનમાં ભાજપ સરકારે 22 વર્ષમાં દાહોદ જિલ્લાને શું આપ્યું તેવો વેધક પ્રશ્ન ઊઠાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેમાંયે દાહોદ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી વખતે ભાજપ સામે બાથ ભીડનારા કોંગીજનોને ધન્યવાદ આપ્યાં હતા. ભાજપ સરકારે માત્ર જાહેરાતો કરાવી છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં જિલ્લાની તમામ 6 બેઠકો પર કોંગ્રેસને વિજય અપાવવા અપીલ કરી હતી. તેમજ તમારો ઉમેદવાર હાથનો પંજો હશે તેને મત અપાવી વિજયી બનાવવાની વાત કરીને તેમણે તમામ સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાતને ફેરવી તોળી હતી. આ બાબતે તેમને પૂછતાં તેઓએ ગોળ ગોળ જવાબ આપી જે જીતેલા છે તે જીતેલા જ છે અને આવશે તે પણ જીતવાના છે તેમ કહી વાતને વાળી લીધી હતી.

શંકરસિંહ વાઘેલા વિશે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ તેમનાં જવાથી પક્ષને શું ફરક પડશે તેનાં જવાબમાં આ પ્રશ્નો અસ્થાને છે, તેમ જણાવ્યું હતું. તેમજ ભાજપના 151 બેઠકોના દાવામાંથી તેમનો એકડો નીકળી જશે, તેમ કહ્યું હતું.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભાજપને ગુજરાતમાં હરાવીને કોંગ્રેસને વિજયી બનાવી ઇતિહાસ રચવાનો છે. આદિવાસીઓના વિકાસ માટે કોંગ્રેસને મત આપી તમામ 6 બેઠકો જીતવાની છે. કર્યક્રમમાં ધારાસભ્યો, જિલ્લા, તાલુકા પંચાયતના પ્રમુખો, માજી ધારાસભ્યો, માજી સંસદ સભ્યો અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.