અંગ્રેજીમાં સાલમાં બી.સી. અને એ.ડી. કેમ લખાય છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • અંગ્રેજીમાં સાલમાં બી.સી. અને એ.ડી. કેમ લખાય છે?

અંગ્રેજીમાં સાલમાં બી.સી. અને એ.ડી. કેમ લખાય છે?

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

આપણે અત્યારે ઈ.સ. ૨૦૧૯માં જીવી રહ્યા છીએ. આ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેની સાલ છે. ઈતિહાસમાં ઘણી વખત ૨૦૦ બી.સી. અથવા ૧૧૦૦ એ.ડી. એ રીતે સાલ લખાયેલી હોય છે. તમને એક વખત તો એવો વિચાર જરૂર આવ્યો હશે કે સાલ સાથે એ.ડી. કે બી.સી. શા માટે લખાતું હશે?

અંગ્રેજી સાલને આપણે ઈ.સ. તરીકે લખીએ છીએ. એનું આખું નામ છે, ઈસ્વી સન. એટલે કે ઈસુથી શરૂ થયેલી સાલ. ઈસુ જન્મ્યા એને પાયાનું એટલે કે ૦ વર્ષ ગણીને અંગ્રેજી કેલેન્ડરો વર્ષોનો હિસાબ માંડે છે. એમાં એક મુશ્કેલી દર વખતે ઊભી થતી હતી. ઈસુના જન્મ પહેલાં પણ જગતમાં માણસો જીવતા હતા. એમનો ઈતિહાસ લખવો કે કહેવો હોય તો એમના જમાનાના વર્ષોને શી રીતે કહેવા અથવા લખવા? આ સમસ્યાના ઉકેલ તરીકે બી.સી. અને એ.ડી. લખવાની શરૂઆત થઈ હતી. બી.સી. અંગ્રેજી શબ્દોનું ટૂંકું સ્વરૂપ છે. બીફોર ક્રાઈસ્ટ એટલે કે ઈસુ પહેલાંના વર્ષો.

બી.સી.ના વર્ષ ગણવામાં આવે તો એક મઝાની ગમ્મત સર્જાય છે. એવું લખ્યું હોય કે ૩૦૦૦ બી.સી.થી ૨૨૦૦ બી.સી. સુધી ફલાણી સંસ્કૃતિ આ જગતમાં ફેલાઈ હતી. તો આપણને મનમાં થાય કે લખવામાં કશીક ગરબડ થઈ છે. સામાન્ય રીતે નાના આંકડાથી કોઈ ઘટના શરૂ થાય અને મોટા આંકડા સુધી ચાલી હતી એવું લખાય. દા.ત. અંગ્રેજોએ ૧૭૫૭થી ૧૯૪૭ સુધી ભારતમાં રાજ કર્યું. એમાંથી આપણને સમજાય કે અંગ્રેજોનું શાસન ૧૯૦ વર્ષ આ દેશ ઉપર રહ્યું. શાસનની શરૂઆત ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી અને ૧૮૫૭ના બળવા પછી પછી બ્રિટનના મહારાણીનું શાસન ચાલ્યું.

પણ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સામ્રાજ્યની વાત કરવી હોય તો આંકડા રીવર્સમાં લખાય. દા.ત. એચાયમેનિડ્ઝ સામ્રાજ્યની શરૂઆત ૫૫૦ બી.સી.થી થઈ હતી અને તે ૩૩૦ બી.સી. સુધી ચાલ્યું હતું. આમાં શરૂઆતનો આંકડો મોટો અને અંતનો આંકડો નાનો જ હોય છે, કારણ કે બીફોર ક્રાઈસ્ટના વર્ષો ઊંધી દિશામાં ગણાય છે. શૂન્ય પહેલાંના કેટલાં વર્ષ પહેલાં એ રીતે લખાય છે. એટલે ૫૫૦ બી.સી.નો અર્થ થાય છે. ઈસુના ૫૫૦ વર્ષ પહેલાં આ સામ્રાજ્ય શરૂ થયું અને તે ઈસુના ૩૩૦ વર્ષ પહેલાં સુધી ચાલુ રહ્યું!

આમ તો ઈસુ પહેલાંના વર્ષ શી રીતે સ્પષ્ટ કરવા એનો જવાબ મળી ગયા પછી ઈસુ પછીના વર્ષો માટે માત્ર ઈસ્વી સન લખીએ તો સમજાઈ જ જાય કે બી.સી. નથી લખ્યું એટલે ઈસુ પછીના જ વર્ષ છે. પરંતુ ચોક્સાઈ માગતા લોકોએ આગ્રહ રાખ્યો કે ઈસુ પછીના વર્ષો માટે પણ કોઈ સાંકેતિક શબ્દ હોવો જ જોઈએ. એ માટે એ.ડી. લખવાની શરૂઆત થઈ. આ અક્ષરો લેટિન ભાષાના શબ્દ એનો ડોમિનિનું ટૂંકું સ્વરૂપ છે. એનો અર્થ થાય છે, ઈન ધી યર ઓફ ગોડ! એટલે કે પ્રભુના વર્ષોમાં! જો કે સામાન્ય રીતે સામાન્ય લોકો ઈસુ પહેલાંની સાલ લખવી હોય તો બી.સી. લખે છે અને ઈસુ પછીની સાલ લખવી હોય તો માત્ર સાલનો આંકડો જ લખે છે અને બધાને એ સમજાઈ જ જાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન