પરદેશી સુખની લાલચમાં લપેટાતાં પહેલાં... - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • પરદેશી સુખની લાલચમાં લપેટાતાં પહેલાં…

પરદેશી સુખની લાલચમાં લપેટાતાં પહેલાં…

 | 8:54 pm IST

સમાજ તરંગ । દિપા સોની

કોડ ભરેલી કન્યા… સુંદર ભણેલી આકર્ષક… મા બાપને પોતાની દીકરી માટે યોગ્ય છોકરો જોઇતો હતો. ત્યાં વિદેશી મૂરતિયાનું માંગુ આવ્યું અને મા બાપે હરખાતા- હરખાતા દીકરીના લગ્ન કરી દીધા. કન્યા બહુ જ ખુશ, વિદેશના સપના જોવે, પણ સપના ત્યારે તૂટી ગયા કે જ્યારે સુહાગરાતે મુરતિયાને બદલે તેનો મોટોભાઇ રૂમમાં આવ્યો. છોકરો લગ્ન માટે લાયક જ ન હતો. ઘરની વાત બહાર ન જાય તે માટે આવું કર્યું. અઠવાડિયામાં તો છુટાછેડા થઇ ગયા.

બીજો કિસ્સો : આંખમાં વિદેશના સપના લઇને અમેરિકા ગયેલી કન્યાને ખબર પડી કે પતિ તો પહેલેથી જ પરણેલો છે. આ તો તેના માબાપને ભારતીય કન્યા જોઇતી હતી એટલે પરાણે લગ્ન કર્યા. હવે કન્યાની હાલત ઘરમાં કામવાળી જેવી થઇ ગઇ.

ત્રીજો કિસ્સો : સાઉથ આફ્રિકામાં હોટલમાં વેઇટર તરીકે કામ કરતો યુવાન એમ કહીને ગુજરાતી છોકરી સાથે લગ્ન કરે છે કે તેની પોતાની હોટલ છે. છોકરીના મા-બાપ બહુ ધનવાન, ત્યાં ગયા પછી ખબર પડી- અસલિયત ખબર પડી અને હવે તેના માબાપ તેને નાણાં મોકલે છે.

વહાલના દરિયા જેવી દીકરી સુખી થાય તેવું બધા મા-બાપ ઇચ્છતા જ હોય છે. દર વર્ષે ડિસે.-જાન્યુ.માં એન.આર.આઇ. મુરતિયાઓ ભારતમાં આવે, મોટી મોટી વાતો કરે અને ચટમંગની પર બ્યાહ કરીને લગ્ન કરી લે. વિદેશના મોહમાં મા બાપ વધુ તપાસ ન કરે અને પછી ક્યારેક દુઃખી થવાનો વારો આવે છે. એવું નથી કે બધા એન.આર.આઇ. મુરતિયા ખરાબ હોય છે, પણ આ પ્રકારની છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, જેથી પૂરતી તપાસ કરવી જોઇએ. એ ચેતવણી બધા આપે છે. વિદેશ જવાનો મોહ આપણા ગુજરાતીઓમાં વધારે પ્રમાણમાં હોય છે. વિદેશી મુરતિયો મળતો હોય તો પછી આંખ મીંચીને હા પાડી જ દે. ક્યારેક તો મુરતિયાની ઉંમર કે દેખાવ પણ જતો કરે અને દીકરીને વળાવી દે ને પછી ક્યારેક પસ્તાવાનો વારો આવે છે.

‘લગ્ન એ ભર્યું નારિયેળ છે’ એ કહેવત મુજબ દેશમાં થતાં લગ્નમાં પણ ક્યારેક છેતરામણી હોય છે, પણ તેમાં છોકરી જલદી ઘરે આવી શકે છે. વિદેશમાં ગયેલી છોકરીનો પાસપોર્ટ પણ ઘણીવાર તેના સાસરીયા લઇ લે છે એટલે તે પિયર પાછી પણ આવી શકતી નથી. આવા કિસ્સા હમણાં બહુ વધી ગયા છે. ઘણી વાર તો છ મહિના લગ્નના થઇ જાય તો પણ છોકરીને વિદેશ ન બોલાવે અને છુટાછેડા લઇ લે.

એક જાણીતા મેરેજ બ્યૂરોના સંચાલકે પોતાની ઓફિસમાં બોર્ડ લગાવ્યું છે કે અહીં માત્ર છોકરા-છોકરીની માહિતી આપવામાં આવે છે. બંને પક્ષકારોએ સંપૂર્ણ તપાસ જાતે કરી લેવી, મેરેજ બ્યૂરોની જવાબદારી નથી. ઘણી વાર તો વિદેશી મુરતિયા સ્ટુડન્ટ વિઝા પર વિદેશ ગયા હોય તે વાત છુપાવીને સુંદર ભણેલી- ધનવાન છોકરી સાથે લગ્ન કરી લે છે અને વિઝા પૂરા થતાં ભારત પરત આવી જાય છે. પછી કન્યા બિચારી શું કરે? આવું ન બને એટલે તેની પાસે કેવા વિઝા છે તેની પણ જાણકારી મેળવી લેવી જોઇએ ભારતમાં આવીને મોટી મોટી વાત કરનાર મુરતિયાથી અંજાઇ ન જવું જોઇએ.

એવું નથી કે માત્ર કન્યા જ ફસાય છે. ક્યારેક વિદેશી મુરતિયાની નિયત સારી હોય તો પણ તેમને છેતરામણ થાય છે. એક કિસ્સા મુજબ વિદેશ ગયેલા પ્રેમીને મળવા તેની સાથે લગ્ન કરવા એક યુવતીએ વિદેશથી આવેલા મુરતિયા સાથે લગ્નનું નાટક કર્યું અને વિદેશ ગયા પછી સાચી હકીકત જણાવી.

બીજા કિસ્સા મુજબ વિદેશી યુવતી મા-બાપના દબાણથી ભારતીય યુવક સાથે પરણી તે યુવક જ્યારે વિદેશ ગયો ત્યારે તેની પત્નીએ કહી દીધું કે આ તો જબરદસ્તીથી થયેલા લગ્ન છે. તું મા-બાપનો જમાઇ છો, મારો પતિ નહીં અને તે પોતાના રૂમમાં પતિની નજર સામે પોતાના પ્રેમી સાથે રહેતી.

એટલે માત્ર દીકરીઓના લગ્ન વખતે જ તપાસ જરૂરી નથી, દીકરાના લગ્ન વખતે પણ તપાસ કરવી જોઇએ, એક વકીલના જણાવ્યા મુજબ શરમ કે સંકોચમાં રહ્યા વગર વિદેશી પાત્ર વિશે કાયદાકીય માહિતી મેળવી લેવી જોઇએ. તેના દસ્તાવેજ ચકાસી લેવા જોઇએ, તેનું ઇમિગ્રેશન સ્ટેટ્સ, પાસપોર્ટ, વિઝા બધું જ તપાસી લેવું જોઇએ. તે ક્યાં રહે છે? શું નોકરી કરે છે? તે તપાસ કરવી જોઇએ. માત્ર વાતો પર વિશ્વાસ ન કરાય.

ઘણી વાર વિઝા મેળવવાની ઉતાવળમાં સગાઇ થયા પછી તેના ફોટાને આધારે નકલી મેરેજ ર્સિટફિકેટ બનાવીને વિઝાની પ્રક્રિયા શરૂ કરી દે છે. હવે ક્યાંક અણબનાવ કે સાચી હકીકત સામે આવવાના કારણે સગાઇ તૂટી જાય તો પણ લગ્ન કર્યા વગર જ છુટાછેડાની કાર્યવાહી કરવી પડે છે.

દીકરીને લગ્ન કરીને મોકલતી વખતે એક સલાહ આપવી જોઇએ કે સાસરાવાળા ગમે તેટલા સારા હોય તો પણ પોતાનો પાસપોર્ટ આપવો ન જોઇએ. વિદેશમાં કંઇ તકલીફ વખતે કોની મદદ લેવી તેની જાણકારી આપવી જોઇએ.

આપણે વિદેશના નામ પર જ ચમકી જઇએ છીએ, અને ક્યારેક માત્ર ફોટા જોઇને લગ્ન કરાવી દઇએ છીએ. બધા જ ખરાબ છે તેમ કહેવાનો મતલબ નથી. પણ આંધળકિયા ન કરવા જોઇએ. આવા કિસ્સા આપણે ત્યાં વધી રહ્યા છે. પણ જ્યાં સુધી વિદેશી ચમકદમકથી આપણી આંખો અંજાયેલી છે ત્યાં સુધી આ બધું નહીં અટકે….

માટે આંખ ખોલો… જો જો ક્યાંક સ્વર્ગના સુખની લાલચમાં દીકરીને નર્કમાં તો નથી ધકેલતા ને ??

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન