ફ્રાન્સમાં થયેલા દેખાવો મોટી સમસ્યાનાં લક્ષણો છે - Sandesh
  • Home
  • Columnist
  • ફ્રાન્સમાં થયેલા દેખાવો મોટી સમસ્યાનાં લક્ષણો છે

ફ્રાન્સમાં થયેલા દેખાવો મોટી સમસ્યાનાં લક્ષણો છે

 | 12:59 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ : વિનોદ પટેલ

ફ્રાન્સ એક સમાજવાદી દેશ છે. દુનિયામાં મૂડીવાદ અને બજાર અર્થતંત્રની ફિલોસોફીઓએ દાટ વાળવા માંડયો છે ત્યારે ફ્રાન્સે યુરોપમાં તેમના આગવા સમાજવાદ દ્વારા લોકોને રાહ ચીંધવાનું કામ કર્યું છે. ફ્રાન્સમાં નાગરિકો મોટા પાયે દેખાવો કરે એ નવાઈની વાત નથી, હવે નવાઈની વાત એ છે કે ફ્રાન્સમાં હજી આવા દેખાવો કરવાનું શક્ય છે. એક સમયે અમેરિકામાં અને બ્રિટનમાં ઓક્યુપાય વોલ સ્ટ્રીટનાં નામે મોટા પાયે દેખાવો થયા હતા, પરંતુ અમેરિકા અને બ્રિટનની તત્કાલીન સરકારોએ આ દેખાવોને સરમુખત્યારોને શરમાવે તે રીતે એવા કડક હાથે દબાવી દીધા હતા કે એ પછી આ આંદોલનનું નામોનિશાન મટી ગયું હતું, હવે ફ્રાન્સમાં ફરી સરકારનાં બળતણના સૂચિત ભાવવધારા સામે જનાક્રોશ ફાટી નીકળ્યો છે. સરકારે યલો વેસ્ટમાં સજ્જ ફ્રેન્ચ નાગરિકોના રોષની નોંધ લઈને તેમનો સૂચિત બળતણનો ભાવવધારો સ્થગિત કરવાની જાહેરાત કરી છે.પરંતુ આ સમસ્યાનો ઉકેલ નથી, હજી અમુક ફ્રેન્ચ નાગરિકો તેમના દેખાવો જારી રાખવાના મતના છે. હજી ગયા વર્ષે જ ફ્રેન્ચ નાગરિકોએ આર્થિક સુધારા કરવાનું વચન આપનારા ઇમેન્યુઅલ મેક્રોનને મોટી બહુમતીથી પ્રમુખપદે ચૂંટી કાઢયા હતા, પરંતુ તાજેતરના મહિનાઓમાં તો તે ધનિક લોકોના પ્રમુખ હોવાની છાપ બળવત્તર બની હતી. મેક્રોને બેરોજગારી ઓછી કરવાના અને અર્થતંત્રમાં સુધારા કરી જીવનને બહેતર બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આવું કશું સાકાર થતું ન લાગતાં ફ્રેન્ચ પ્રજાએ મિજાજ ગુમાવ્યો છે.

આ આંદોલનનાં મૂળમાં બળતણમાં થનારો સૂચિત ભાવવધારો છે. ફ્રાન્સમાં મોટા પાયે વપરાતાં બળતણ ડીઝલના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લિટરે સરેરાશ ૨૩ ટકાનો વધારો થયો છે. મેક્રોને છેલ્લા ત્રણ ત્રિમાસિકમાં ક્રૂડના ભાવમાં થયેલા વધારાને આ ભાવવધારો થવાનું કારણ ગણાવ્યું છે. ગ્લોબલ ર્વોિમંગને નાથવા હવે ડીઝલને બદલ રિન્યુએબલ એનર્જી વાપરવાની વાત છે પરંતુ તે માટે નાણાં ઊભાં કરવા માટે સરકારે જાન્યુઆરીથી ડીઝલના ભાવમાં સાડા છ ટકાનો વધારો લાદવાનો નિર્ણય લીધો હતો, જેને પગલે ફ્રાન્સના કાયદા અનુસાર જે યલો જેકેટ કારમાં ફરજિયાત રાખવું પડે છે તે પહેરીને કારચાલકો સરકાર સામે રસ્તા પર ઊતરી પડયા હતા. મેક્રોને ટેલિવિઝન પર ફ્રાન્સની પ્રજાને સંબોધતાં જણાવ્યું હતું કે યલો જેકેટ પહેરી દેખાવો કરનારા ફ્રેન્ચ નાગરિકો ઇચ્છે છે કે ટેક્સ ઘટે અને તે ચૂકવવા માટે તેમને કામ મળે. અમે પણ આ જ ઇચ્છીએ છીએ પણ હું જો આ બાબત તેમને ન સમજાવી શકું, શાસક બહુમતી તેમને ન સમજાવી શકે તો કશુંક બદલવાની જરૂર છે. દેશની એકતાને જોખમમાં મૂકે તેવો કોઈ ટેક્સ વાજબી નથી, જોકે એ પણ ખ્યાલમાં રાખવું ઘટે કે જો ટેક્સ ઓછો ભરવો હોય તો બહેતર જાહેર સેવાઓની અપેક્ષા પણ ન રાખવી જોઈએ.

ફ્રેન્ચ પ્રજાનો સવાલ એ જ છે કે કરવેરા વધે છે તો પણ બીજી તરફ જાહેર સેવાઓનું ધોરણ કથળી રહ્યું છે. દર મહિને બે છેડા ભેગા કરવાનું જેમના માટે મુશ્કેલ છે તેવાં પ્રજાજનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છતાં કરવેરામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ મોટાભાગે આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારતમાં પણ બળતણના ભાવો વધ્યા ત્યારે આવા જ મોટા પાયે દેખાવો થયા હતા. દેશનું અર્થતંત્ર વિકસી રહ્યું છે પણ દેશના ઘણા ભાગોમાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો ચાલુ જ છે. છેલ્લા છ મહિનામાં ખેડૂતોએ દેશમાં ચાર વાર મોટા પાયે દેખાવો કર્યા છે.

દેશમાં આર્થિક અસમાનતા ૨૦૧૮માં ૮૫ ટકાનો આંક વટાવી ગયો છે. ઉપર જણાવેલી વિગતોમાં ફ્રાન્સને બદલે ભારત મૂકો તો પણ પરિસ્થિતિમાં મોટો ફરક લાગશે નહીં. ફરક હોય તો એ છે કે ભારતીયો પાસે સામાન્ય ચૂંટણીમાં તેમનો મત વ્યક્ત કરવાની તક હાથવગી છે. જ્યારે ફ્રેન્ચ પ્રજા પાસે રસ્તા પર ઊતરવા સિવાય બીજો વિકલ્પ રહ્યો નહોતો. ભારતીયો પણ મતદાન યોગ્ય રીતે નહીં કરે તો તેમણે પણ ભવિષ્યમાં રસ્તા પર ઊતરવાની નોબત આવશે તેમાં કોઈ શંકા નથી.

તાજેતરમાં બ્યુનોસ એરિસ ખાતે યોજાયેલી જી-૨૦ શિખર પરિષદમાં પણ શક્તિશાળી મનાતા દેશોના નેતાઓએ પહેલી વાર જીભ કચરી છે કે છેલ્લા એક દાયકામાં વાસ્તવિક આવકમાં ઘટાડો થયો છે. જે દેશોમાં બેરોજગારી નહોતી ત્યાં પણ લોકોને તેમની લાયકાતનાં પ્રમાણમાં ઊતરતું કામ કરવું પડે છે. પીએચડીની ડિગ્રી ધરાવતો માણસ બર્ગર વેચવાની દુકાનમાં કામ કરતો હોય તેની હવે નવાઈ રહી નથી. દુનિયાનાં બે વિરાટ અર્થતંત્રોમાં પણ આ સમસ્યા વરતાઈ રહી છે. અમેરિકામાં આ સમસ્યામાંથી માર્ગ કાઢવા અમેરિકનો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટવામાં આવ્યા તો બ્રિટનને હવે બ્રેક્ઝિટમાં આ સમસ્યાનો ઉકેલ દેખાઈ રહ્યો છે. ટૂંકમાં કહીએ તો આખી દુનિયામાં સમસ્યા એક છે પણ તેનો ઇલાજ અલગ અલગ અજમાવાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન