ગુજરાતમાં ૪.૩૧ લાખમાંથી એકલા અમરેલીમાં જ ૧.૫૧ લાખથી વધુ શંકાસ્પદો ક્વોરન્ટાઇનમાં - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં ૪.૩૧ લાખમાંથી એકલા અમરેલીમાં જ ૧.૫૧ લાખથી વધુ શંકાસ્પદો ક્વોરન્ટાઇનમાં

ગુજરાતમાં ૪.૩૧ લાખમાંથી એકલા અમરેલીમાં જ ૧.૫૧ લાખથી વધુ શંકાસ્પદો ક્વોરન્ટાઇનમાં

 | 1:11 am IST

। ગાંધીનગર ।

ગુજરાતમાં વિતેલા ૧૦ દિવસથી ક્વોરન્ટાઈન હેઠળ રહેલા શંકાસ્પદ નાગરીકોમાંથી કોરોના પોઝિટિવના કેસનું પ્રમાણ વધી રહ્યુ છે. બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર પછી હવે અમરેલીમાં પણ મુંબઈ, સુરત કે અમદાવાદથી આવેલા મુળ વતનીઓને કારણે ગ્રામ્યવિસ્તારોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. શનિવાર બપોરે ત્રણ વાગ્યાની સ્થિતિએ ગુજરાતમાં ૩૩ જિલ્લામાં ૪,૩૧,૧૪૩ નાગરીકોને કોવિડ-૧૯ના શંકાસ્પદ તરીકે ક્વોરન્ટાઈનમાં હતા. જેના ચોથા ભાગથી પણ વધારે એટલે કે ૧,૫૧,૭૭૯ નાગરીકો એકલા અમરેલી જિલ્લામાં છે !

ગુજરાતમાં આંતર જિલ્લા પ્રવાસ માટે ૫૯૨ કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય અન્યત્રે નાગરીકોના આવાગમન પર કોઈ નિયંત્રણ રહ્યા નથી. પરંતુ, ચોથા તબક્કાના લોકડાઉન પહેલા એક જિલ્લાથી બીજા જિલ્લામાં આવેલા લાખો નાગરીકોને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. હવે સ્થાનિકતંત્રની નજર હેઠળ રહેલા આવા સમુહમાંથી પણ કોવિડ-૧૯ના ચેપગ્રસ્તો મળી રહ્યા છે. કચ્છમાં પહેલાથી જ મુંબઈથી આવેલા મુળ વતનીઓમાં પોઝિટિવ કેસો મળી રહ્યા છે. રાજકોટના ધોરાજીમાં શુક્રવારે અમદાવાદથી પહોંચેલા ૪૨ વર્ષના યુવકના ક્વોરન્ટાઈન પિરીયડ પૂર્ણ થાય ત્યાં જ તેનામાં કોરોનાના લક્ષણોએ દેખા દિધી હતી. શનિવારે અમરેલીના ચાડિયા ગામે અમદાવાદના બાપુનગરથી ત્રણ દિવસ પહેલા આવેલા ૪૨ વર્ષના યુવક ચેપગ્રસ્ત જણાયા છે. અગાઉ સુરતથી આવેલા ટિમલાના વૃદ્ધા પોઝિટિવ મળ્યા હતા. સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં પણ બહારથી આવેલા નાગરિકોમાં જ ચેપનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે.

૧૪ દિવસના ક્વોરન્ટાઈનનો નિયમશા માટે જરૂરી ?

પોઝિટિવના સંપર્ક કે પ્રવાસની હિસ્ટ્રીના કિસ્સામાં ૧૪ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવા પાછળનું લોજીક સમજાવતા આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યુ કે, આવી સ્થિતિમાં શાંતિથી આરામ થાય તો ઈમ્યુનિટી ઘટે નહી. ઘર પરિવારમાં પણ એકાંતમાં રહેવાથી જો પોતે ચેપગ્રસ્ત અર્થાત સાયલન્ટ કેરિયર હોય તો બીજાને ચેપ લાગે નહીં.

અમરેલીમાં ‘ઓટેલે રોટલો’ મૂકીને સમૂહ ભોજન બંધ કર્યું.

છેક સુધી ચેપમુક્ત રહેલા અમરેલી જિલ્લામાં સૌથી વધુ નાગરીકો ક્વોરન્ટાઈનમાં છે. અહીં, સ્થિતિ વણસે નહી તેના માટે ગુજરાતના અન્ય ગામોની જેમ જ શાળા,ધર્મશાળા અને સમાજવાડીઓમાં ક્વોરન્ટાઈન સેન્ટર ખોલવામાં આવ્યા છે. સુરત, અમદાવાદથી આવેલા નાગરીકોને ઘરનું ભોજન જ બંધ છે. કલેક્ટર આયુષ ઓકે કહ્યુ કે, સપ્લાય કરનારા પણ શાળાના ઓટલે ફુડપેકેટ મુકીને જતા રહે પછી અંદર ઓરડામાં એકાંતમાં રહેલા વ્યક્તિઓ વારાફરતી તે લઈ જાય તેવી વ્યવસ્થા છે. જેથી કોઈ એક બીજાના સંપર્કમાં આવે નહીં અને સૌ સલામત રહે.

વડનગર જેવી ભૂલો નિવારવા સ્થાનિક સ્તરે બે નિર્ણયો લેવાયા

મહેસાણામાં વડનગરના મોલિપૂરમાં શાળામાં ક્વોરન્ટાઈન હેઠળ રહેલા મુંબઈથી આવેલા પરિજનોને ત્રણેય ટાઈમ ઘરેથી ભોજન આવતુ. તેથી એક જ પરીવારના સાત અને ડોક્ટર, નર્સ, પોલીસ, ૧૦૮ ઈમરજન્સી સેવા સહિતના કોરોના વોરિયર્સ ચેપગ્રસ્ત થયા ! આવી સ્થિતિનું નિર્માણ બીજે ન થાય એટલે બે મહત્વના નિર્ણયો લેવાયા છે.

જવિદેશથી આવનારાઓને સીધા વતનના જિલ્લામાં પ્રવેશ નહીં મળે

જે ગુજરાતીઓ વિદેશોમાંથી આવી રહ્યા છે તેમને સીધા જ પોતાના વતનના જિલ્લામાં ૧૪ દિવસ ક્વોરન્ટાઈન હેઠળ મોકલવાને બદલે સરકારે અન્ય જિલ્લામાં હોટેલોમાં રાખવાનો નિર્ણય કર્યાનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ હતુ. વિદેશથી આવનારાને તેમના વતનમાં જ ક્વોરન્ટાઈન કરાય તો તેઓ ખરેખર તેનું પાલન ન પણ કરે અને લાગણીવશ પરીવારને મળે તો પણ જોખમ ઉભુ થઈ શકે તેમ છે. આથી, બીજા જિલ્લામાં હોય તો ક્વોરન્ટાઈન ખરાઅર્થમાં પૂર્ણ થઈ શકે તેમ હોવાથી બિન નિવાસી ગુજરાતી પ્રભાગ તેનુ મોનિટરીંગ કરશે.

ગામડાં વધારે સજાગ, આગેવાનો જ સામેથી જાણ કરે છે

નવી ગાઈડલાઈન મુજબ જેઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લાંબા સમય માટે રોકાણઅર્થે આવે છે તેમને સામેથી પોતાના ઘરમાં જ સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેવુ છે. તેના નજીકના સરકારી દવાખાને જાણ કરવાની છે. જેઓ દેશ બહારથી આવી રહ્યા છે તેમના માટે સરકારે ફેસેલિટી ક્વોરન્ટાઈનની વ્યવસ્થા કરી છે. એ સિવાય રાજ્ય બહારથી આવનારને પણ હોમ અથવા ફેસેલિટીનો વિકલ્પ અપાય છે. શહેરોના શિક્ષિત વર્ગ કરતા ગ્રામ્યવિસ્તારોમાં ગામમાં કોણ નવું આવ્યું તેની જાણ સામેથી આગેવાનો સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને કરે છે.

આ બે રીતે શંકાસ્પદોને નક્કી કરી ક્વોરન્ટાઈન હેઠળ મોકલાય છે

  • જેઓ વિદેશમાંથી, રાજ્ય બહારથી અને એક જિલ્લામાંથી લાંબા રોકાણ માટે બીજા જિલ્લામાં (મુળ વતન)માં આવતા સૌ કોઈ.
  • જેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં રહ્યા હોય (મહદ્અંશે પરીવાર અને સાથે કામ કરનારા) ચેપના સંક્રમણ માટે શંકાસ્પદ હોવાથી.

રાજ્યના કયા જિલ્લામાં કેટલા શંકાસ્પદ

અમદાવાદ     ૬૬,૮૮૨

અમરેલી        ૧,૫૧,૭૭૯

આણંદ          ૧૨૦૬

અરવલ્લી       ૨,૪૮૪

બનાસકાંઠા     ૧૩,૭૨૦

ભરૂચ           ૪,૯૨૪

ભાવનગર      ૩,૨૫૮

બોટાદ          ૧૬,૫૫૮

છો.ઉદેપુર      ૨૨,૬૭૭

દાહોદ          ૯,૭૫૪

ડાંગ            ૭૨૦

દે.દ્વારકા                ૧,૮૦૩

ગાંધીનગર      ૩,૦૪૨

ગીર સોમનાથ  ૧૮,૪૨૯

જામનગર      ૭,૫૦૧

જુનાગઢ                ૧૮,૧૭૯

કચ્છ           ૧૬,૧૦૪

ખેડા            ૪૨૬

મહિસાગર      ૭,૯૨૯

મહેસાણા        ૨,૧૩૯

મોરબી         ૧,૯૮૦

નર્મદા          ૨,૭૬૫

નવસારી        ૪,૬૦૨

પંચમહાલ      ૩,૯૮૧

પાટણ          ૧૨,૪૦૩

પોરબંદર       ૪,૨૮૩

રાજકોટ         ૧૨,૦૨૫

સાબરકાંઠા      ૧૬૫૮

સુરત           ૮,૩૮૭

સુરેન્દ્રનગર     ૫૦૩

તાપી           ૪૬

વડોદરા                ૩,૫૯૪

વલસાડ                ૫૦૦૦

કુલ             ૪,૩૧,૧૪૩

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;