હૈદરાબાદમાં 7 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો - Sandesh
  • Home
  • India
  • હૈદરાબાદમાં 7 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો

હૈદરાબાદમાં 7 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો

 | 12:21 am IST

। હૈદરાબાદ ।

વર્તમાન સપ્તાહના પ્રારંભે બંગાળના અખાતમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે થયેલા અતિભારે વરસાદના પગલે થયેલી મોટી જાનહાનિમાંથી કળ વળી નહોતી ત્યાં શનિવારે રાત્રે ફરી એકવાર ત્રાટકેલી આસમાની આફતે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં પૂરની સ્થિતિ સર્જી દીધી હતી. હૈદરાબાદમાં શનિવાર રાતથી શરૂ થયેલા વરસાદે શહેરને ૬ થી ૭ કલાક સુધી ઘમરોળ્યું હતું. શહેરમાં કેટલાંક સ્થળોએ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૬ વર્ષની બાળકી સહિત ૩ વ્યક્તિનાં મોત થયાં હતાં. મંગલાઘાટ વિસ્તારમાં દીવાલ ધસી પડતાં ૬ વર્ષની આબિદા બેગમનું મોત થયું હતું. ઉપ્પલ વિસ્તારમાં વીજળીનો કરંટ લાગવાના કારણે ૪૫ વર્ષીય જોગુ શ્રીનિવાસ અને મલેકપેટ વિસ્તારમાં ડીથમ્મૈયાહ નામના શ્રમિકને વીજળીનો કરંટ લાગતાં મોત થયું હતું.

શનિવારે રાત્રે અચાનક ખાબકેલા ભારે વરસાદના કારણે હૈદરાબાદની સડકો પર  ઘોડાપૂર આવ્યું હોય તેવાં ભયાનક દૃશ્યો સર્જાયાં હતાં. બાલાનગર તળાવ છલકાઇ જતાં પાણી જૂના હૈદરાબાદ શહેરમાં ઘૂસી ગયાં હતાં. હૈદરાબાદના લોકોએ આખી રાત ઘરોની છત પર વીતાવી હતી.  હિમત્યાસાગર બંધ છલોછલ ભરાઇ જતાં તમામ દરવાજા ખોલી નખાતાં મુસી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં સર્જાયેલું નવું ડીપ ડિપ્રેશન ૧૯ ઓક્ટોબરના સોમવારથી ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુનાં ભારેથી અતિભારે વરસાદ લઇને આવે તેવી સંભાવના છે. બીજીતરફ મહારાષ્ટ્રના સોલાપુરમાં વરસાદે વેરેલા ભારે વિનાશને પગલે સ્થિતિની સમીક્ષા કરવા સીએમ ઉદ્ધવ ઠાકરે સોમવારે પ્રદેશની મુલાકાતે જશે.

આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીમાં પૂરની ચેતવણી

આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં પ્રકાશમ બેરેજમાંથી ફરી પાણી છોડાયું હતું. જેના પગલે હેઠવાસના વિસ્તારોમાં ઘોડાપૂરની ચેતવણી જારી કરાઇ હતી. બેરેજમાં પાણીની સપાટી વધી જતાં રવિવાર સવારથી ૬ લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.

લાખો હૈદરાબાદીઓ પર કોરોના મહામારી ઉપરાંત પાણીજન્ય રોગોનું જોખમ

કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા હૈદરાબાદવાસીઓ પર હવે પાણીજન્ય રોગોનું જોખમ તોળાઇ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં પાણી, પૂરની સાથે ઢસડાઇ આવેલા કચરાના કારણે સર્જાયેલી ગંદકીએ હૈદરાબાદના લોકો પર નવા રોગચાળાનું જોખમ સર્જી દીધું છે. તેલંગણાના આરોગ્ય વિભાગે હૈદરાબાદના લોકોને ગરમ ખોરાક ખાવા અને પાણી ઉકાળીને જ પીવાની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન