ભારતમાં ખેતી એટલે ખોટનો ધંધો કેમ? - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ભારતમાં ખેતી એટલે ખોટનો ધંધો કેમ?

ભારતમાં ખેતી એટલે ખોટનો ધંધો કેમ?

 | 3:25 am IST

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

દેશનાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતોને તેમની ખેતપેદાશોના પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો શાકભાજીથી માંડીને તેમની ખેત પેદાશોને જાહેર રસ્તા પર ફેંકી રહ્યા છે. હજારો લિટર દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવી રહ્યું છે. ખેડૂતોના આ આક્રોશ અસાધારણ છે. ગાંધીજીએ કહ્યું હતું: *સાચુકલુ ભારત દેશના ૭ લાખ ગામડાંઓમાં વસે છે*- પરંતુ ગામડાંનો માનવી સહુથી દુઃખી છે, હતાશ છે. જગતનો તાત ગણાતો ખેડૂત આજે સહુથી વધુ વ્યથિત છે.

આમ કેમ?

ખેડૂતોમાં વ્યાપ્ત અસંતોષથી ભારતની અર્થવ્યવસ્થાનો સાચો અંદાજ લગાડી શકાય છે. ૧૯૮૦માં વડાપ્રધાનપદેથી મુક્ત થયા બાદ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહે *નાઈટમેર ઓફ ઈન્ડિયન ઈકોનોમી* (ભારતની અર્થવ્યવસ્થાનું દુઃસ્વપ્ન) નામના પુસ્તકમાં લખ્યું હતું કે પશ્ચિમી દેશોના વિકાસના મોડલનું આંધળું અનુકરણ કરવાથી ભારતનો સર્વાંગી વિકાસ કરી શકાશે નહીં. તેથી આપણે એવી અર્થવ્યવસ્થા ઊભી કરવી પડશે કે જેમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાની ઉત્પાદકતા વધારીને જેથી સમુચિત બજાર મૂલ્ય નક્કી કરી શકાય. કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોમાં પૂજી નિર્માણ એટલે કે કેપિટલ ફોર્મેશન કરીને તેનો યોગ્ય ઉપાય કરી શકાય. તે માટે સરકારીનીતિઓ બજાર મૂલક રાખવાના બદલે ગામ અને કૃષિ મૂલક બનાવવી પડશે. જેથી ખેતી પર આવતું ઉત્પાદન ખર્ચ ઘટાડીને વધારી કિસાનને કરેલા ઉત્પાદનનું ફાયદાકારક મૂલ્ય આપી શકાય. એમ થશે તો જ ગામડાં અને શહેરો વચ્ચેની ખાઈ દૂર કરી શકાશે.

આજે પરિસ્થિતિ એવી છે કે એક ખેડૂત ટામેટાં પકવે છે તો સીઝનમાં તેને કિલોના ૫૦ પૈસા પણ મળતા નથી બીજી બાજુ ગ્રાહકોને તે જ ઉત્પાદન ૫૦ રૂપિયે કિલો ખરીદવું પડે છે. નથી ખેડૂત સુખી કે નથી તો ગ્રાહક સુખી. વચલી કઈ એજન્સી માલદાર થઈ જાય છે?

કેમ?

ખેડૂત બજારમાં બિયારણ, ખાતર કે જંતુનાશક દવા ખરીદવા જાય છે તો તેની કિંમતો વેપારી કહે તે પ્રમાણે જ ચૂકવવી પડે છે, પરંતુ ખેડૂત તેનું અન્ન કે શાકભાજી વેચવા જાય છે તો તેના ભાવ ખેડૂત નહીં પરંતુ તે ખરીદનાર વેપારી નક્કી કરે છે?

આમ કેમ?

આ કારણથી જ ખેતી એ ખોટનો ધંધો બન્યો છે

સ્કૂલોમાં બાળકોને ભણાવવામાં આવે છે કે, ભારત એ ખેતીપ્રધાન દેશ છે. દેશની ૭૦ ટકાથી વધુ વસ્તી ખેતી પર આધારિત છે, પણ એ એક કડવી વાસ્તવિક્તા છે કે, ખેતીપ્રધાન ભારતમાં દર અડધો કલાકે એક ખેડૂત આપઘાત કરે છે. દેશમાં રોજ ૪૭ ખેડૂતો આપઘાત કરે છે. પાછલાં ૧૩ વર્ષોમાં ૨,૧૬,૫૦૦ ખેડૂતો ભૂખમરાના કે આર્થિક કારણોસર આપઘાત કરી ચૂક્યા છે. બીજા શબ્દોમાં પ્રતિ વર્ષ ૧૭,૧૦૪ ખેડૂતો દેવાના કારણે આપઘાત કરે છે. ઈ.સ. ૨૦૦૯ના વર્ષમાં ૧૭, ૩૬૮ ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે. ૨૦૧૦ના વર્ષમાં ૧૬,૦૦૦ ખેડૂતો  આત્મહત્યા કરી ચૂક્યા હતા.

૨૦૦૮માં ૧૬,૧૯૬ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેમાં મહિલા ખેડૂતોનો આંકડો સામેલ નથી, કારણ કે ભારતમાં મહિલાઓના નામે ખેતીની જમીન બહુ ઓછી હોય છે. આ બધા જ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ આપેલા છે. તે અનુસાર ૧૯૯૫થી ૨૦૧૦ સુધીમાં ૧૫ વર્ષના ગાળામાં ૨,૫૬,૯૪૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

દેશના ખેડૂતો પર ઈ.સ. ૧૯૯૧થી ૨૦૦૦ અને ૨૦૦૧થી ૨૦૧૦ દરમિયાન દેવું ૨૬ ટકાથી વધીને ૪૮.૬ ટકા થયું છે. આ દેશની વિચિત્રતા એ છે કે, બેન્કો ખેડૂતોને ૯થી ૧૨ ટકાના વ્યાજદરે ધિરાણ આપે છે. જ્યારે મોંઘીદાટ મોટરકાર ખરીદનારને ૭ ટકાના વ્યાજદરે ધિરાણ અપાય છે. આર્થિક ઉદારીકરણના દૈત્યે ઉદ્યોગોને તથા ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે જ્યારે ખેડૂતોને મોતના મોંમાં ધકેલી દીધા છે.

આ દેશમાં બેન્કો બડા બડા ઉદ્યોગોને અબજોનું ધિરાણ કરે છે, પરંતુ ઉદ્યોગપતિઓ બેન્કોના પૈસા કેટલા ડૂબાડે છે તે પણ જાણવા જેવું છે. ભારતમાં પ્રતિવર્ષ કર્જ લેનાર ઉદ્યોગો બેન્કોના અબજો રૂપિયા ડૂબાડી દે છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી મહાસંઘના આંકડા અનુસાર ઈ.સ. ૨૦૦૧ની સાલમાં સરકારી બેન્કોએ ઉદ્યોગોને ધીરેલાં રૂ.૧,૩૫,૦૦૦ કરોડની રકમ ડૂબતાં ખાતાંઓમાં દર્શાવવામાં આવી હતી.

– દેશનાં સીમાંત ગરીબ ખેડૂતો ૮૫ ટકા છે. બીજા સરકારી આંકડા અનુસાર આત્મહત્યા કરનાર ૯૦ ટકા ખેડૂતો આવા ગરીબ, સીમાંત કે મધ્યમ વર્ગના ખેડૂતો હતા.

આૃર્યજનક વાત એ છે કે, આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ આ પાંચ રાજ્યોમાં કિસાનો વધુ ને વધુ આત્મહત્યા કરે છે. ૨૦૦૯માં આત્મહત્યા કરનાર ખેડૂતો પૈકી ૬૬ ટકા ખેડૂતો આ પાંચ રાજ્યોમાંથી હતા. દક્ષિણ ભારતમાં સૌથી વધુ આત્મહત્યાઓ તમિળનાડુમાં થાય છે. આ રાજ્યમાં ૨૦૦૯માં ૧૦૬૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી. કર્ણાટકનું સ્થાન બીજું આવે છે. કર્ણાટકમાં ૨૦૦૯ની સાલમાં ૫૪૫ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આંધ્રમાં ૨૦૦૯માં ૨૪૧૪ ખેડૂતોએ, મહારાષ્ટ્રમાં ૨૮૭૨ ખેડૂતોએ, કેરલમાં ૧૦૧૬ ખેડૂતોએ અને પિૃમ બંગાળમાં ૧૦૧૪ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ખેડૂતોની આત્મહત્યાના દોરથી પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પણ બાકી નથી. મહારાષ્ટ્રમાં વિદર્ભ ખાતે થયેલી ખેડૂતોની આત્મહત્યાઓથી દેશ આખો કાંપી ઊઠયો હતો.

 

આ બધી જ આત્મહત્યાઓ આર્થિક બોજ અને દેવાના કારણે થઈ હતી. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાઓનો આંકડો દર વર્ષે ઊંચો જઈ રહ્યો છે. ૧૯૯૯ સુધી મહારાષ્ટ્રમાં પ્રતિ વર્ષ ૧૯૬૩ ખેડૂતો આત્મહત્યા કરતા હતા. ૨૦૦૪માં તે આંકડો વધીને ૩૬૪૭ સુધી પહોંચી ગયો. ૨૦૦૯માં કહેવાતા સમૃદ્ધ મહારાષ્ટ્રમાં ૩૮૫૮ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી. મધ્યપ્રદેશમાં ૨૦૦૯માં ૧૩૯૫ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એ જ વર્ષમાં છત્તીસગઢમાં ૧૮૦૨ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

ઈ.સ.૨૦૦૪થી ૨૦૦૯ સુધીમાં પ્રતિવર્ષ ૧૭,૧૦૫ ખેડૂતોએ અને આ બધાં વર્ષોમાં કુલ ૧,૦૨,૬૨૮ ખેડૂતોએ આત્મહત્યા કરવાનો અતિ દુઃખદાયક નિર્ણય કેમ કર્યો? દર ૩૦ મિનિટે એક ખેડૂત આત્મહત્યા કેમ કરે છે? દેશની પાર્લામેન્ટમાં બેસતા દરેક પક્ષના સાંસદો પૈકી ૩૦૦ સાંસદો કરોડપતિ છે, પરંતુ ખેડૂતોના પ્રતિનિધિ કેટલા?

દેશની લોકસભામાં બેસતા પ્રતિનિધિઓ પૈકી કોઈ ધર્મના પ્રતિનિધિ છે, કોઈ લઘુમતીના પ્રતિનિધિ છે, કોઈ ઔધોગિક ક્ષેત્રના પ્રતિનિધિ છે તો કોઈ શુગર મીલોના પ્રતિનિધિ છે, પરંતુ ભારતની ૭૦ ટકા વસ્તી-ખેડૂતોના અને ગામડાંઓના પ્રતિનિધિ કેટલા?

– www.devendrapatel.in