ભારતવ્યાપી લોકડાઉનમાં માનવ અધિકારનું ઘોર ઉલ્લંઘન થયું : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ભારતવ્યાપી લોકડાઉનમાં માનવ અધિકારનું ઘોર ઉલ્લંઘન થયું : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ

ભારતવ્યાપી લોકડાઉનમાં માનવ અધિકારનું ઘોર ઉલ્લંઘન થયું : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ

 | 1:25 am IST
  • Share

। લંડન ।

વિશ્વસ્તરે માનવ અધિકાર પર કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ધ સ્ટેટ ઓફ હ્યુમન રાઇટ્સ ૨૦૨૦-૨૦૨૧ રિપોર્ટમાં ભારતમાં માનવ અધિકારોની સ્થિતિ અંગે આકરી ટીકા કરી છે. કોરોના મહામારી સામેની લડાઇમાં ભારત સરકાર દ્વારા માર્ચ ૨૦૨૦માં દેશભરમાં લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન, સીએએ વિરોધી આંદોલન અને ખેડૂતોનાં આંદોલનને સરકારના પ્રતિભાવ, દિલ્હીનાં રમખાણોમાં સરકારની કામગીરી અને કાશ્મીરમાં નાગરિક સ્વતંત્રતા પર કસેલી લગામના મુદ્દે ભારત સરકારની આકરી ટીકા કરવામાં આવી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આ અહેવાલમાં વિશ્વના ૧૪૯ દેશોમાં માનવ અધિકારની સ્થિતિની સમીક્ષા કરાઇ છે. ભારત અંગેનાં પ્રકરણમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે, ધાર્મિક લઘુમતી સમુદાયો વિરુદ્ધ પોલીસ અધિકારીઓની કામગીરી અને કટ્ટરપંથીઓ દ્વારા કરાતા હુમલા અને હત્યાઓ માટે જવાબદારી નક્કી કરાતી નથી અને કોઇને સજા પણ કરાતી નથી. ગયા વર્ષે ભારતમાં લદાયેલાં લોકડાઉન પર જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા માટે પોલીસે પરપ્રાંતીઓને સજાઓ કરાઇ હતી. લોકડાઉનનું ઉલ્લંઘન કરવા માટે ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો પછાત વર્ગના હતા. કોરોના મહામારી સામે લડવાના નામે દેશભરમાં આકરાં નિયંત્રણો લાદી દેવાયાં હતાં જેના કારણે હજારો પરપ્રાંતીઓ ખોરાક અને સંરક્ષણ વિહોણા બની ગયાં હતાં. ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલાં કેટલાંક નિયંત્રણો નાગરિકોને મળતા પ્રાઇવસીના અધિકારનું પણ ઉલ્લંઘન કરતાં હતાં. કોરોનાના નામે લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. ટીકાકારોના મોં બંધ કરાવી અને શાંતિપૂર્ણ આંદોલનો પર ગેરકાયદેસર નિયંત્રણો લાદીને અસહમતીને દબાવી દેવાઇ હતી. લોકડાઉન દરમિયાન ખોટા સમાચારો ફેલાવવાના આરોપોસર ૫૦ જેટલા પત્રકારોની ધરપકડ કરીને તેમની સામે ઇમર્જન્સી કાયદાઓ લાગુ કરી દેવાયાં હતા.

જમ્મુ-કાશ્મીરમાં નાગરિક સ્વતંત્રતાનું ગંભીર ઉલ્લંઘન : એમ્નેસ્ટી

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ થયાના એક વર્ષ પછી પણ ત્યાં નાગરિક સ્વતંત્રતાઓ અને કોમ્યુનિકેશન સેવાઓ પર નિયંત્રણો જારી છે. ભારત સરકારે વિરોધ કરનારાઓને દબાવી દીધા છે અને મીડિયા પર બ્લેકઆઉટ લાદી દીધો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી મીડિયા પોલિસી દાખલ કરીને મીડિયામાં અહેવાલો આવતા રોકી દીધા છે. દેશવિરોધી પ્રવૃત્તિઓના નામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન