મુંબઈમાં જૈન સંઘો દ્વારા મહારથયાત્રા કઢાઈ - Sandesh
  • Home
  • Mumbai
  • મુંબઈમાં જૈન સંઘો દ્વારા મહારથયાત્રા કઢાઈ

મુંબઈમાં જૈન સંઘો દ્વારા મહારથયાત્રા કઢાઈ

 | 1:32 am IST

। મુંબઈ ।

ભિવંડીથી ભાયખલા અને નાલાસોપારાથી વાલકેશ્વર સુધીના જૈન સંઘો અને સમસ્ત સંઘના આરાધકોએ આજની ભવ્યાતિભવ્ય મહારથયાત્રાનું આયોજન કર્યું હતું.

જૈન આગમો અને ધર્મશાસ્ત્રો તેમ જ તેને અનુસરતી સમાચારીને પાળતા – પળાવતા સંઘો અને આરાધકોના સામૂહિક આયોજનમાં અનેક સંઘોના સ્થાનેથી જુદી જુદી રથયાત્રાઓએ ૮.૩૦ વાગ્યે પ્રયાણ કર્યું હતું અને ૯.૩૦ વાગ્યે તે બધી જ રથયાત્રાઓ સુખસાગર ચોપાટી પર ભેગી થતાં મહારથયાત્રામાં પલટાઈ ગઈ હતી.  ચોપાટીથી લઈ ભૂલેશ્વર – માધવબાગ – લાલબાગ સુધીનો વિસ્તાર તો રથયાત્રાના ૯૬ જેટલા ફ્લોટો અને આઈટમોથી ભરાઈ ગયો હતો તો બન્ને સાઈડના ફૂટપાથો હજારો દર્શનાર્થીઓ જૈન અને જૈનેતર ભાવિકોથી ઉભરાયા હતા. દરેકના હાથમાં પુષ્પો, અક્ષત અને ધૂપસળી હતી. જે દર્શાવી – વધાવી તેઓ શુભેચ્છા આપતા હતા. આ રથયાત્રામાં અનેક સંઘોના ચાંદીના રથોમાં અરિહંત શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાજી હતી તો ૪૦-૫૦ વાહનોમાં તેટલાં જ સંઘોના પ્રભુજીની પ્રતિકૃતિઓ લઈ ભક્તો બિરાજેલા હતા. સાત તો બેન્ડો હતા. સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજે ચંદનબાળા – વાલકેશ્વરથી શરૂથી જ રથયાત્રામાં પધાર્યા હતા અને સાન્નિધ્ય આપ્યું હતું. સુખસાગર પાસે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સી. એમ. કેશવપ્રસાદ મૌર્ય તેમ જ મુંબઈના ભાજપના પ્રમુખ મંગલ પ્રભાત લોઢા આદિ રાજકીય નેતાઓ રથયાત્રાના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે આચાર્યશ્રીનું અક્ષતથી વર્ધાપન કરી આશિષ મેળવ્યા હતા. માર્ગમાં દસેક હજાર તાજા ઘીની મીઠાઈના પેકેટ જનતાને ખુશાલી નિમિત્તે વહેંચાયા હતા. મુંબઈ પોલીસે પણ ખૂબ જ એલર્ટ રહી વ્યવસ્થા જાળવી હતી. આ મહારથયાત્રાએ જન-જનના હૈયામાં જૈન શાસસની પ્રતિષ્ઠા કરી હતી. રથયાત્રાના પ્રારંભે વાલકેશ્વર અને મધ્યવર્તી મુંબઈમાં ઝરમર વરસી મેહુલાએ મંગલ કર્યું. જે પછી વિરામ પામ્યો. વરસાદના મંગલ છાંટણાએ રથયાત્રાની સમાપ્તિ વેળાએ પણ વર્ધાપન કર્યું હતું. મુંબઈના પ્રભાદેવી પછીના દરેક પરામાં તેણે કોઈ જ વિઘ્ન આવ્યું ન હતું. મહારથયાત્રામાં મોટી સંખ્યામાં મુનિભગવંતો અને સાધ્વીજી ભગવંતો પણ પધાર્યા હતા. છેલ્લે છેલ્લે મુંબઈના રાજકીય અગ્રણી રાજ પુરોહિત અને અતુલ શાહે પણ રથયાત્રાના દર્શને આવ્યા હતા.

શેઠ મોતીશા – લાલબાગ – ભૂલેશ્વરમાં એની સમાપ્તિ થયા બાદ ત્યાંના વિશાળ ઉપાશ્રય – હોલમાં આચાર્યશ્રીએ વિશાળ સભાને માર્મિક ઉદ્બોધન કર્યું હતું. આજથી ૯૦ વર્ષ પહેલાં આ જ મુંબઈને આજ લાલબાગમાં પૂ. આચાર્યશ્રી રામચંદ્રસૂરિજી મહારાજે નાસ્કિતવાદનું નિરસન કરી જૈન ધર્મના આચાર ઢૂંઢ વિચાર માર્ગનું ખૂબ જ જોરશોરથી મંડન કર્યું હતું.

તેમના અખંડ પુરુષાર્થના અને બલિદાનના કારણે જૈન શાસનના સાત ક્ષેત્રો અને પ્રત્યેક અંગો આજે ધબકતા, જીવંત અને જાગૃત છે. આજે વિષમકાળ છે માટે સત્ય અને જિનાજ્ઞા।ની સુરક્ષા ખાતર હવે બધાએ સંગઠિત બની કાર્ય કરવું પડશે. આ મહારથયાત્રાએ તેની પહેલી કરી છે. આવી અને આજથી જ સવાઈ મહારથયાત્રા પ્રતિવર્ષ નીકળવી જોઈએ. વ્યાખ્યાન બાદ ચાર સ્થળે લગભગ આઠેક હજાર પુન્યાત્માઓને બેસાડીને ઉત્તમ વાનગી પીરસી જમાડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;