કાબુલમાં ગુરુ હર રાય ગુરુદ્વારા ઉપર આતંકવાદી હુમલો, ૨૫નાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • કાબુલમાં ગુરુ હર રાય ગુરુદ્વારા ઉપર આતંકવાદી હુમલો, ૨૫નાં મોત

કાબુલમાં ગુરુ હર રાય ગુરુદ્વારા ઉપર આતંકવાદી હુમલો, ૨૫નાં મોત

 | 2:10 am IST

। કાબુલ ।

એકતરફ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકવાદીઓએ બુધવારે સવારે સ્થાનિક સમય પ્રમાણે ૭:૪૫ કલાકે રાજધાની કાબુલ સ્થિત ગુરુદ્વારા પર હુમલો કરી એક બાળક સહિત ૨૫ શીખ શ્રદ્ધાળુઓની કરપીણ હત્યા કરી નાખી હતી. આ હુમલામાં અન્ય ૧૫ને ઇજા પહોંચી હતી. હુમલા બાદ અફઘાનદળો અને આતંકવાદીઓ વચ્ચે ગનફાઇટ ફાટી નીકળી હતી જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

આતંકવાદી હુમલો કાબુલના શોરબજાર વિસ્તારના ધરમશાલામાં આવેલા ગુરુદ્વારા પર કરાયો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હિંદુ અને શીખ સમુદાયના લોકો વસવાટ કરે છે. કેટલાક મીડિયા અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે, ગુરુદ્વારામાં સંખ્યાબંધ લોકો ફસાયા છે અને આતંકવાદીઓએ તેમને બાનમાં રાખ્યા છે. અફઘાનિસ્તાનના સાંસદ અનારકલી કૌર હોનારયારે જણાવ્યું હતું કે, ગુરુદ્વારામાં હુમલો થયો તે સમયે ૧૫૦ શ્રદ્ધાળુ હાજર હતા. કેટલાક લોકો હજુ ગુરુદ્વારામાં સંતાયેલા છે અને તેમના ફોન પણ બંધ આવી રહ્યા છે.   અફઘાન ગૃહમંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ધરમશાલા વિસ્તારમાં કેટલાક હુમલાખોરો ઘૂસી ગયા છે અને અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ ગુરુદ્વારામાં ફસાઇ ગયેલા શ્રદ્ધાળુઓને બચાવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડયા હતા.

એક સમયે શોરબજારમાં મોટી સંખ્યામાં ગુુરુદ્વારા હતા પરંતુ ૧૯૮૦ની લડાઇ દરમિયાન તેમનો નાશ થયો હતો. મોટી સંખ્યામાં હિંદુ અને શીખ અહીંથી સ્થળાંતર કરી અન્ય દેશોમાં ચાલ્યા ગયા હતા. કાબુલમાં હજુ પણ કેટલાક હજાર હિંદુ અને શીખ વસવાટ કરે છે.

ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી, તાલિબાનનો ઇનકાર

કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. દેશમાં સક્રિય એવા મુખ્ય આતંકવાદી સંગઠન તાલિબાને આ હુમલા પાછળ તેનો કોઇ હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, શોરબજારમાં થયેલા આતંકવાદી હુમલામાં તાલિબાનની કોઇ સંડોવણી નથી.

કોવિડ-૧૯ની મહામારી મધ્યે ર્ધાિમક સ્થળ પર હુમલો બીમાર માનસિકતા : ભારત

ગુરુદ્વારા પરના હુમલાને વખોડી કાઢતાં ભારત સરકારે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારી મધ્યે ર્ધાિમક સ્થળ પર હુમલો આતંકવાદીઓની બીમાર માનસિકતાનું પ્રતિબિંબ છે. વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે, ભારત મૃતકોના પરિવારજનોને દિલસોજી અને ઇજાગ્રસ્તોને ઝડપથી સાજાપણાની સંવેદના પાઠવે છે. સરકાર અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ સમુદાયના તમામ અસરગ્રસ્તોને સંભવિત તમામ સહાય આપવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન