In Kanpur shreyas iyer broke the 86-year-old record and made history
  • Home
  • Sports
  • Cricket
  • કાનપુરમાં ઐયરે 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો

કાનપુરમાં ઐયરે 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો

 | 7:32 am IST
  • Share

  • ઐયર અને સાહાની લડાયક અર્ધસદીથી ન્યૂઝીલેન્ડ માટે 284 રનનું કપરું લક્ષ્ય મૂકી શકાયું, પ્રવાસી ટીમે એક વિકેટ ગુમાવી 

  • ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અર્ધસદી નોંધાવનારો પ્રથમ ભારતીય 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ કાનપુરના મેદાન પર રમાઇ રહી છે જેના ચોથા દિવસે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરી રહેલાં શ્રોયસ ઐયરે ફરી એકવાર ભારતીય ટીમની ડૂબતી નાવને બચાવી હતી અને સાથે ભારતીય ક્રિકેટનો 86 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડયો હતો. પ્રથમ ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ ઐયરે બીજી ઇનિંગમાં અગત્યની અર્ધસદી ફટકારીને ટીમને સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. રવિવારે ભારત વિષમ પરિસ્થિતિમાં હતું ત્યારે જ ઐયર(65) અને રિદ્ધિમાન સાહા(61 અણનમ)એ અર્ધસદી ફટકારતા ભારત સાત વિકેટે 234 રન પર દાવ ડિકલેર કરી શક્યું હતું જેની સાથે પહેલી ઇનિંગની 49 રનની લીડ ઉમેરતા ન્યૂઝીલેન્ડને 284 રનનું કપરું લક્ષ્ય આપી શકાયું હતું. શ્રોયસ ઐયરે બીજી ઇનિંગમાં 125 બોલનો સામનો કરી આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 65 રન નોંધાવ્યા હતા. ટિમ સાઉથીએ ટી બ્રેક અગાઉ શ્રોયસની વિકેટ ઝડપી હતી. જો કે આ ઇનિંગ સાથે શ્રોયસે ભારતીય ક્રિકેટનો 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો.

તેણે લાલા અમરનાથનો રેકોર્ડ તોડયો હતો જેમણે 1933-34માં ઇંગ્લેન્ડ સામેની મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કરીને બે ઇનિંગમાં 156 રન બનાવ્યા હતા તે રેકોર્ડને ઐયરે 170 રન સાથે તોડી નાખ્યો છે અને શિખર ધવનના 187 અને રોહિત શર્માના 177 રન પછી ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. નોંધનીય છે કે ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અર્ધસદી નોંધાવનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.  

ન્યૂઝીલેન્ડે લક્ષ્યનો પીછો કરતા ઓપનર વિલ યંગ(02)ની વિકેટ ગુમાવી દીધી હતી અને ચાર રન નોંધાવ્યા હતા. હવે પ્રવાસી ટીમે પાંચમા અને છેલ્લા દિવસે જીતવા માટે 280 રન કરવા પડશે અને તેના હાથમાં નવ વિકેટ છે. ઓપનર ટોમ લેથમ બે રન સાથે અને નાઇટ વોચમેન વિલિયમ સમરવિલે શૂન્ય સાથે રમી રહ્યા હતા. આ અગાઉ ફક્ત બે પ્રવાસી ટીમો 200થી વધુના લક્ષ્યનો પીછો કરીને ભારત સામે વિજય મેળવી શકી છે. જે વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ છે.

હાર્દિક પંડયા ફિટનેસ માટે થોડો સમય ક્રિકેટથી અળગો રહેશે 

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હાલના સંજોગોમાં પોતાની ફિટનેસ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવા માંગે છે અને તેને કારણે તેણે નેશનલ સિલેક્ટર્સને જણાવ્યું છે કે કેટલાક સમય માટે તેઓ પોતાના નામનો વિચાર ના કરે કેમ કે તે સંપૂર્ણ ફિટનેસ પરત લાવવા ધ્યાન આપવા માંગે છે. 2019માં પીઠની સમસ્યાના કારણે સર્જરી બાદ પંડયા ભારત અને મુંબઇ ઈન્ડિયન્સ માટે બોલિંગ કરી શકતો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેનું ધ્યાન પોતાના બોલિંગ પાવરને પરત મેળવવા પર છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો