કચ્છમાં કોરોનાના કેર વચ્ચે કુદરતનો મિજાજ પણ બદલાયો, અષાઢી માહોલ - Sandesh
  • Home
  • Gujarat
  • કચ્છમાં કોરોનાના કેર વચ્ચે કુદરતનો મિજાજ પણ બદલાયો, અષાઢી માહોલ

કચ્છમાં કોરોનાના કેર વચ્ચે કુદરતનો મિજાજ પણ બદલાયો, અષાઢી માહોલ

 | 2:10 am IST

। ભુજ ।

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે તેવા સમયે કુદરતે પણ પોતાનો મિજાજ બદલ્યો હોય તેમ બુધવાર રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં પગલે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પરિણામે જિલ્લામાં ઠેર-ઠેર વરસાદ પડયો હતો. જે અંતર્ગત ભુજ, નખત્રાણા, રાપર સહિતનાં વિવિધ વિસ્તારોમાં ઝરમરથી મધ્યમ વરસાદ પડયો હતો. સામાન્ય રીતે ચૈત્ર-વૈશાખ મહિનામાં પ્રખર તાપ તેમજ ગરમી અનુભવાતી હોય છે. જોકે આ વર્ષે હાલમાં ઉત્તરીય પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનમાં સર્ક્યુલેશન ઊભું થયું છે અને તેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પગલે ગુરુવારે કચ્છમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. બુધવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા. કચ્છમાં એક તરફ કોરોના વાઈરસના પગલે હાલમાં સરકારે જનતા કરફ્યૂ માટેની અપીલ કરી છે, તેથી લોકો ઘરમાં જ પૂરાઇ રહ્યા છે તો અમુક સમય સુધી રાશન, શાકભાજી સહિતની વસ્તુઓ લેવા માટે છૂટ મળી છે ત્યારે આજે ગુરુવારે વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. ભુજમાં બુધવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગુરુવારે સવારે ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો હતો જે થોડા થોડા સમયનાં અંતરે સાંજ સુધી ચાલુ જ રહ્યો હતો. બપોરના સમયે ગાજવીજ પણ થઇ હતી, જેના પરિણામે ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો.    વાગડ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા હતા, જેના લીધે રસ્તા ભીંજાયા હોવા ઉપરાંત પાણી પણ વહી નીકળ્યા હતા. ગુરુવારે વાગડના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડયા હતા, જેના કારણે ખેતરોમાં તૈયાર રવીપાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જીરું, ઘઉં, રાયડો, એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો.

બાળકોને ગરમવસ્ત્રો પહેરાવાયા  

નેત્રા પંથકમાં વહેલી સવારે ૪:૩૦ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ઠંડીથી ઠૂંઠવાઇ ગયા છે. નાના બાળકોને સ્વેટર, મોજાં તેમજ ટોપી પહેરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત મોટેરાંઓને પણ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમવસ્ત્રો હાથવગાં કરી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન