આપણી લાઈફમાં બીજાની દખલગીરી કેટલી યોગ્ય? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • આપણી લાઈફમાં બીજાની દખલગીરી કેટલી યોગ્ય?

આપણી લાઈફમાં બીજાની દખલગીરી કેટલી યોગ્ય?

 | 12:16 am IST

કવર સ્ટોરી :- અમિતા મહેતા

બદલાતા સમય સાથે આપણે આધુનિક બન્યા. આપણી લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણી બદલાઈ પરંતુ કેટલીક માનસિક્તા હજુય અકબંધ રહી. એમાંની એક છે બીજાની જિંદગીમાં દખલગીરી કરવાની. આપણી આજુબાજુ એવા અનેક કહેવાતા શુભચિંતકો હોય છે કે જેમની આંખો સતત બીજાનાં જીવન સામે તકાયેલી રહે છે. એટલું જ નહીં તેઓ એમની વણમાગી સલાહ આપી ખોખલી લાગણી પ્રદર્શિત કરતાં રહે છે. આવા લોકોને લાગે છે કે કોઈને કશું પણ પૂછવાનો એમને હક છે. પૂછવાથી કોઈને ખરાબ શા માટે લાગવું જોઈએ? જ્યારે ઉંમરમાં મોટા લોકો અન્યની જિંદગીમાં દખલ કરે ત્યારે તેઓ પોતે કેટલાં હિતેચ્છુ છે, અંગત સંબંધી છે એવું સાબિત કરવા માંગે છે. ઘણીવાર તેઓ પોતાની સમસ્યાઓ છૂપાવવા માટે બીજાની સમસ્યાઓ પર સવાલ ઉઠાવે છે.

અગર પરિવારમાં કોઈ યુવાન છોકરી છે તો દખલ કરનારાઓ બેન, તું કેમ મોડી આવી? બેટા, આવા કપડા પહેરીને કોલેજ જવાય? અરે! કાલે કાફેમાં તારી સાથે કોણ હતું? તારા કાકાએ તને કોઈની સાથે બાઈક પર જતી જોઈ હતી. કોણ હતું એ? આવા અનેક પ્રકારનાં સવાલો તેઓ કરશે. યુવાન છોકરીની લાઈફમાં ટાંગ અડાવનારાઓને પરિવારનાં સમજૂ સભ્યો જ ચૂપ કરી શકે. અગર એકવાર એવું કહી દેવામાં આવે કે અમારી છોકરી પર અમને તો વિશ્વાસ છે જો તે કઇ ખોટુ કરશે તો અમે કહેવા-સમજાવવા બેઠાં જ છીએ તો તેઓ બીજી વાર વાંકુ બોલશે નહીં.

લગ્ન પછી યુવતીઓને થોડાં જ સમયમાં બેન, સારા સમાચારે ક્યારે આપે છે એવા પ્રશ્નો પૂછવાનું ચાલુ થઈ જાય…સારા સમાચાર હશે તો દેખાવાનું જ છે નકામી પંચાત શા માટે? અગર લગ્નને બે-ત્રણ વર્ષ થઈ જાય એટલે વૈદ્ય-ડોકટર્સનાં સરનામા વગર માગ્યે મળી જાય…તમારા પ્રશ્નો સામી વ્યક્તિને ગમશે કે નહીં? એની એમનાં મગજ પર શું અસર પડશે એ વિચાર્યા વિના શુભચિંતક બનવાનો ઘણાં લોકોને અભરખો જાગે છે આવા પ્રશ્નો કેટલીવાર દુઃખતી નસ દબાવે છે. ઉદાહરણ તરીકે કોઈની દીકરીની સગાઈ ન થતી હોય ત્યારે એને વારંવાર પેંડા ક્યારે ખવડાવો છો? એવો સવાલ ન જ પૂછાય. પણ આવી ભૂલો ભણેલાં-ગણેલાં લોકો પણ કરતાં હોય છે.

કેટલીક સ્ત્રીઓને મિત્ર કે અડોશ-પડોશની સ્ત્રીઓને એમની આવક અને સેવીંગ અંગે પૂછવાની ટેવ હોય છે. બાજુવાળા નવી ગાડીની સાથે જવેલરી પણ સાથે જ ખરીદે તો કટાક્ષમાં પૂછશે કે બેન, લોટરી લાગી છે કે શું? અરે લોટરી લાગી હોય કે લોન લીધી હોય તમારે કંઈ લેવા-દેવા ખરી? આવા લોકોને હળવા અંદાજમાં ઈગ્નોર કરતાં કહેવું જોઈએ કે આ તો રાઝની વાત છે જે મને અને મારી ક્રેડિટ કાર્ડ કંપનીને જ ખબર છે એ હું તમને કઈ રીતે જણાવી શકું?

આ પ્રકારનાં સવાલો સંબંધ ગાઢ છે એવુ બતાવવા માટે કે મદદ કરવાનાં ઉદ્શથી નથી પૂછાતા. આપણાં દેશમાં કોઈને પણ થોડી ઓળખાણે અંગત સવાલો કરવા એ ખોટી કે મોટી વાત નથી લાગતી. અગર એવા લોકોને થોડા રૂક્ષ થઈને કે અકળાઈને જવાબ આપવામાં આવે તો એમને લાગે છે કે નાની-સહજ વાતને મોટું સ્વરૂપ આપ્યું છે અને આજે તો સોશ્યિલ મીડિયાનાં માધ્યમથી દુનિયાને કેટલી હદ સુધી પર્સનલ વાતથી માહિતગાર રાખવા ઈચ્છીએ છીએ તે બતાવી જ દઈએ છીએ. પરંતુ જે આન્ટી. કાકી જેને તમે પસંદ નથી કરતાં કે એ કલીગ કે જે તમારા વિશે જાણવાની વધારે પડતી ઉત્સુક્તા બતાવે છે તેમને ક્યારેક તો સ્પષ્ટ રીતે કહેવું જ પડે કે, આ જરા પર્સનલ મેટર છે સોરી આન્ટી, હું તમારી સાથે ડિસ્કસ કે શેર ન કરી શકું. ક્યારેક તમે એ જ સવાલ એમને પૂછીને પણ ચૂપ કરી શકો છો. માનવ સ્વભાવ છે કે આજુબાજુનાં લોકોના જિંદગી વિશે જાણવાની સહુને ઉત્સુક્તા રહે છે. પણ વિવેકી અને સભ્ય લોકો ઉત્સુક્તા પર કાબૂ મેળવી લે છે જ્યારે અન્ય લોકો બીજાની જિંદગીને ડિસ્ટર્બ કરતાં રહે છે.

આવા લોકો સાથે દૃઢતાથી વર્તવું પડે. લોકોના સામે સારા બની રહેવાની એને કારણે આપણી અંગતતા પર પ્રહાર થતો રહે એ જરાય વ્યાજબી નથી. આવા સવાલો તીરની જેમ વાગતાં હોય છે. કારણકે સવાલોમાં સરળતાને બદલે વક્રતા વધારે જોવા મળે છે. અગર કોઈ નવી પરણેલી યુવતી પંદર-વીસ દિવસથી વધારે પિયર રહેશે તો બાજુવાળા તરત જ પૂછશે કે મુન્નીને આવ્યે બહુ દિવસ થઈ ગયા કંઈ પ્રોબ્લેમ તો નથી ને? છોકરી વારંવાર બહાર જાય તો પૂછશે કે કોઈ વાત ચાલે છે? આટલી બધી વાર ફરવા તો નથી જતા ને? મતલબ કે સવાલો કરવાવાળા કોઈને કોઈ કારણ શોધીને પંચાત કરી જ લે છે. પરંતુ જ્યાં સુધી નજીકનાં સ્વજનોને આપણા વર્તન અંગે પ્રશ્નો ન હોય ત્યાં સુધી બીજાને જવાબ આપવાના જરૂર નથી. કોને આપણી જિંદગીથી અપડેટ રાખવા એ આપણે નક્કી કરવાનું છે.

કોલેજ ગોંઈગ ગર્લ માટે આવી આન્ટીઓ ખૂબ જ માથાનાં દુઃખાવા સમાન છે. એમ.બી.એ. કરતી રાવી પટેલ કહે છે કે હું પાર્ટીમાં શોર્ટ્સ પહેરીને જાઉં એટલે મારી આજુબાજુની સ્ત્રીઓની કાનાફૂસી શરૂ થઈ જાય છે. એક દિવસ મેં એમને ચોખ્ખું સંભળાવી દીધું કે આન્ટી, માણસની ઓળખ એનાં કપડાંથી નહીં એના વર્તનથી થાય છે અને મારી ચિંતા કરવા માટે મારા પેરન્ટ્સ બેઠાં છે તમે તમારા ઘરની ચિંતા કરો…કોઈ વડીલને આ રીતે જવાબ આપવાનું મને ન ગમ્યું…પરંતુ હું હેલ્પલેસ હતી…હવે તેઓએ મારી જ નહીં બીજાની ટીકા કરવાનું પણ બંધ કરી દીધું છે.

લગ્નનાં સાત વર્ષ સુધી માતા ન બની ચૂકેલી કૃતિ. પરમાર કહે છે કે લોકોની પૂછપરછ, સલાહ અને ખોટી ચિંતાથી હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. લોકોની વચ્ચે જવાનું અને બહારનાં સાથે વાતો કરવાનું પણ મેં બંધ કરી દીધું હતું…પણ એક દિવસ મારા સાસુએ જ પડોશી માસીને ખખડાવી નાંખ્યા…બેન, મહિના રહેશે તો તમે ન પૂછો તો પણ ખબર પડવાની જ છે એટલે જીભને બદલે આંખોથી જોજો…પણ હવે ક્યારેય એક પણ સવાલ પૂછયો છે તો આપણો સંબંધ પૂરો…જે વાત જાણતાં હોય તે જાણીને પૂછે ત્યારે એમ થાય કે ફોરેન સિસ્ટમ સારી..કોઈને કોઈની પંચાત તો નહીં.

માત્ર બહારનાં લોકો જ દખલગીરી કરે એવું નથી ઘરનાં પણ કરે છે અને ઘરનાં કરે ત્યારે વધારે દુઃખ થાય છે એમ સોનલ વશી આવી સ્થિતિ વિષે કહે છે કે હું શું કમાઉ છું? કેટલું બચાવું છું? ઘરમા આપું છું કે નહીં એ બધી પૂછપરછ મારા ભાભી કે નણંદ મને કરે ત્યારે ખૂબ ગુસ્સો આવે છે મારે શું કરવું એ મારો પ્રશ્ન છે એ મારે શા માટે અન્યને કહેવું જોઈએ? ઘણીવખત તો સાસરિયાઓ પિયર વિશે અને પિયરિયાઓ સસરા વિશે ખોદી-ખોદીને પૂછે છે. વણમાગી સલાહ આપે છે. એક્ચ્યૂઅલી સલાહ આપનારાઓ ખુદ પોતાના ઘરને સંભાળી શક્તા નથી. એક મેચ્યોર વ્યક્તિને અમુક સવાલો ન પૂછાય એવી સીધી-સાદી સમજ આપણી સ્ત્રીઓમાં નથી. જો આપણે આપણી અંગતતા જાળવી અન્યની દખલગીરી અટકાવવી હોય તો નીચેની વાત-ધ્યાનમાં રાખો.

ઈગ્નોર કરો 

બહારની વ્યક્તિ તમને અંગત સવાલો કરે તો એને જવાબ આપવા બંધાયેલા નથી. તેથી એમની વાત સાંભળી જ નથી એ રીતે વર્તવું એ શ્રેષ્ઠ ઉપાય છે. વારંવાર અનદેખા કરવાથી આપોઆપ એમની પંચાત અટકી જશે.

સ્પષ્ટ ના પાડો  

અગર તમને કોઈનો પ્રશ્ન ન ગમે તો સ્પષ્ટતાથી પરંતુ વિવેકથી કહી દો કે સોરી, આ મારી પર્સનલ બાબત છે. મને નથી લાગતું કે મારે આ અંગે તમારી સાથે કશું શેર કરવું જોઈએ.

 નારાજગી બતાવો 

બહારની વ્યક્તિ પર ગુસ્સો થઈ શકે પરંતુ નજીકનાં સ્વજન પર ગુસ્સે થવાતું નથી. તેથી પ્રેમથી કહી દો કે ભાભી-મમ્મી તમારા પ્રશ્નો અને સલાહ મને ગમતાં નથી. મને એકની એક વાતથી ખરાબ લાગે છે.તેમને જણાવવા યોગ્ય હશે તો ચોક્કસ જણાવીશ.

અંતર રાખો

ઘણી સ્ત્રીઓ ખૂબ જ વાચાળ અને ક્યાંય પણ દિલ ખુલ્લું કરી દે એવી નિખાલસ હોય છે, પરંતુ કેટલીક બાબતો એમને પણ ન ગમે એવું બની શકે. અમુક પ્રશ્નો તમને પૂછવાની કોઈ હિંમત ન કરી શકે એટલું અંતર ચોક્કસ રાખો.

ઈરાદો સમજો 

કોઈ ખોટા મકસદથી તમારી લાઈફમાં દખલ કરે છે કે એ તમારી હિતેચ્છુ છે એ પણ જાણો. નહીંતર સંબંધો બગડવાની શક્યતા નકારી ન શકાય.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન