લવ જેહાદ કેસમાં સુપ્રીમે  હાદિયા અને શફીના લગ્ન બહાલ રાખ્યા  - Sandesh
  • Home
  • Ahmedabad
  • લવ જેહાદ કેસમાં સુપ્રીમે  હાદિયા અને શફીના લગ્ન બહાલ રાખ્યા 

લવ જેહાદ કેસમાં સુપ્રીમે  હાદિયા અને શફીના લગ્ન બહાલ રાખ્યા 

 | 1:26 am IST

મુંબઈ, તા. ૮

કેરળના લવ જેહાદ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લઈને હાદિયા ઊર્ફે અખિલા અશોકનના લગ્નને ફરીથી બહાલ રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈ કોર્ટના લગ્નની વૈધતાને રદ કરતા ચુકાદાને બદલી નાખતા કહ્યું હતું કે એનઆઈએ તેમાંના અન્ય પાસાંઓની તપાસ કરી શકે છે પણ હાદિયા પોતાના પતિ શફી પાસે રહી શકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે હાદિયાના લગ્નને રદ કરતો હાઈકોર્ટનો ચુકાદો સંપૂર્ણ રીતે ખોટો હતો. કોર્ટે હાદિયાને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની અને પોતાની કોઈ પણ ઈચ્છિત પ્રવૃત્તિ કરવાની આઝાદી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે હાદિયાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને શફી નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા, જેના બાદ તેના પિતા અશોકન કે.એમ.એ કોર્ટનો આશરો લીધો હતો. કેરળ હાઈકોર્ટે આ પ્રકરણને લવ જેહાદનો મામલો માનીને લગ્ન રદ કર્યા હતા. હાદિયાના પતિએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે નવેમ્બરમાં હાદિયાને તામિલનાડુની સાલેમ સ્થિત હોમિયોપેથિક કોલેજમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. અગાઉ આ પ્રકરણમાં સુનાવણી દરમિયાન એનઆઈએને આંચકો આપતા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળ ત્રણ સદસ્યોની સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે જ્યારે પુખ્ત છોકરો અને છોકરી એમ કહે કે તેમના લગ્ન થઈ ગયા છે તો તેની તપાસ કરવાનો કોઈને અધિકાર નથી. જોકે કોર્ટે અનેઆઈએને લવ જેહાદની તપાસ પાછી ખેંચવા બાબત કંઈ નહોતું કહ્યું.