મ.પ્ર.માં ૧૦૦ લિટર ડીઝલ ખરીદનારને ચા-નાસ્તો મફત! - Sandesh
  • Home
  • India
  • મ.પ્ર.માં ૧૦૦ લિટર ડીઝલ ખરીદનારને ચા-નાસ્તો મફત!

મ.પ્ર.માં ૧૦૦ લિટર ડીઝલ ખરીદનારને ચા-નાસ્તો મફત!

 | 2:18 am IST

। ભોપાલ ।

પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવને કારણે ગ્રાહકો ઓછા થતાં મધ્ય પ્રદેશના પેટ્રોલપંપ ડીલરો ગ્રાહકોને લલચામણી ઓફર આપી રહ્યાં છે. ઈંધણોના વેચાણમાં ઘટાડો થતાં વેપારમાં ટકી રહેવા માટે ટુ વ્હિલર, ફોર વ્હિલર માલિકો અને ટ્રક ડ્રાઇવરને જાત જાતની ઓફર આપવામાં આવી રહી છે. પેટ્રોલ પંપ માલિક અનુજ ખંડેલવાલ કહે છે કે મારા પેટ્રોલપંપ પર ૧૦૦ લિટર ડીઝલની ખરીદી કરનાર ટ્રક ડ્રાઇવરને મફતમાં ચા નાસ્તાની ઓફર મૂકી છે.

તે ઉપરાંત અમે જાતજાતની સ્કીમ પણ શરૂ કરી છે જે અંતર્ગત ૫,૦૦૦ લિટર પેટ્રોલની ખરીદી પર મોબાઇલ ફોન, સાઇકલ અને કાંડા ઘડિયાળ, ૧૫,૦૦૦ લિટર પેટ્રોલની ખરીદી પર અલમારી, સોફાસેટ અથવા ૧૦૦ ગ્રામ ચાંદીનો સિક્કો આપવામાં આવશે. ૨૫,૦૦૦ લિટર ડીઝલની ખરીદી પર ઓટોમેટિક વોશિંગ મશીન, ૫૦,૦૦૦ લિટર ડીઝલની ખરીદી પર સ્પ્લિટ એસી અથવા લેપટોપ અને ૧,૦૦,૦૦૦ લિટર ડીઝલની ખરીદી પર સ્કૂટર અથવામોટરસાઇકલ આપવામાં આવશે. નવી ઓફર પછી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો થયો છે. ઓફરનો લાભ લેવા માટે ડ્રાઇવર ૧૦૦ લિટર પેટ્રોલ ખરીદી રહ્યાં છે.

મધ્ય પ્રદેશ પેટ્રોલ-ડીઝલના મામલે મોંઘાં રાજ્યોની શ્રેણીમાં

મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલમાં સૌથી વધુ વેટ લાગે છે. મધ્ય પ્રદેશ દેશના સૌથી મોંઘા રાજ્યોની શ્રેણીમાં આવે છે. ડીઝલની કિંમતમાં મોટો તફાવત હોવાના કારણે ટ્રક ડ્રાઇવરો અને કોર્મિશયલ વાહનો મધ્ય પ્રદેશની બહારથી જ ડીઝલ ભરાવવાને પ્રાથમિકતા આપે છે. સરહદી વિસ્તારના સ્થાનિક લોકો પણ બીજા રાજ્યમાં જઇ પેટ્રોલ અને ડીઝલ પુરાવે છે. મનોજ અરોડા કહે છે કે, ડીઝલની કિંમતમાં રૂપિયા પાંચનો તફાવત હોવાના કારણે શિવપુરી અને અશોકનગર જેવા સરહદી જિલ્લાઓના ૧૨૫ પંપમાલિકો મુશ્કેલીમાં મુકાયાં છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ પર ૨૭ ટકા અને ડીઝલ પર ૨૨ ટકા વેટ લાગે છે.

;