મહારાષ્ટ્રમાં અનાજના જથ્થાબંધ વેપારીઓએ હડતાળ પાછી ખેંચી - Sandesh
  • Home
  • Mumbai
  • મહારાષ્ટ્રમાં અનાજના જથ્થાબંધ વેપારીઓએ હડતાળ પાછી ખેંચી

મહારાષ્ટ્રમાં અનાજના જથ્થાબંધ વેપારીઓએ હડતાળ પાછી ખેંચી

 | 2:37 am IST

। મુંબઈ ।

સોમવારે મહારાષ્ટ્રના સહકારી ખાતાના પ્રધાન સુભાષ દેશમુખ સાથે બેઠક યોજ્યા બાદ મહારાષ્ટ્રના જથ્થાબંધ વેપારીઓએ તેમની દસ દિવસ જૂની હડતાળ પાછી ખેંચી લીધી છે. દેશમુખે વેપારીઓેને એવી ખાતરી આપી હતી કે જો તેઓ વાજબી અને સરેરાશ ગુણવત્તા ન ધરાવતાં અનાજ માટે સરકાર જાહેર કરેલા લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ આપશે તો તેમની સામે કોઇ પગલાં લેવામાં આવશે નહીં.

છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના જથ્થાબંધ બજારોમાં વેપારીઓએ હરાજીમાં ભાગ લેવાનું બંધ કરતાં મોટી મડાગાંઠ પડી હતી. રાજ્યના પ્રધાનમંડળે એવો નિર્ણય લીધો હતો કે જે વેપારી સરકારે જાહેર કરેલાં લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે પ્રાપ્તિ કરશે તો તેને એક વર્ષ કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. વેપારીઓએ સરકારના આ નિર્ણયના વિરોધમાં હરાજીઓમાં ભાગ લેવાનું બંધ કર્યું હતું. મહારાષ્ટ્ર ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશનના ચેરમેન વાલચંદ સંચેતિએ જણાવ્યું હતું કે પ્રધાને દંડાત્મક પગલાં નહીં ભરવાની ખાતરી આપતા અમે હડતાળ પાછી ખેંચી લીધી છે.

સહકાર પ્રધાન સુભાષ દેસાઇએ શું કહ્યું ?

રાજ્યના ૩૦૦થી વધારે વેપારીઓ સાથે બેઠક યોજ્યા બાદ સહકાર પ્રધાન સુભાષ દેશમુખે જણાવ્યું હતું કે કેબિનેટ દ્વારા એવો કાયદો ઘડવામાં આવશે જેમાં લઘુત્તમ ટેકાના ભાવ વિનાની કોમોડિટીઓને આવરી લેવામાં આવશે. આ કોમોડિટીઓના કાનૂની લઘુત્તમ ભાવ ચુકવવા પડશે. આ ભાવથી ઓછા ભાવ વેપારીઓ ચૂકવી ન શકે. પ્રધાને જણાવ્યું હતું કે બધા સાથે યોગ્ય ચર્ચા વિચારણા કરીને આ કાયદાને આખરી સ્વરૂપ આપવામાં આવશે. સંદેશાવ્યવહારની મર્યાદાને કારણે વેપારીઓએ હડતાળ પાડી હતી.

;