મહારાષ્ટ્રમાં મોટાપાયે બોંબ ધડાકા કરવાના કાવતરાનો પર્દાફાશ - Sandesh
  • Home
  • Uncategorised
  • મહારાષ્ટ્રમાં મોટાપાયે બોંબ ધડાકા કરવાના કાવતરાનો પર્દાફાશ

મહારાષ્ટ્રમાં મોટાપાયે બોંબ ધડાકા કરવાના કાવતરાનો પર્દાફાશ

 | 2:30 am IST

। મુંબઈ ।

મુંબઈના ઉપનગર નાલાસોપારા અને પુણેમાંથી શહેરની એન્ટી -ટેરરિસ્ટ સ્ક્વોડે ત્રણ હિન્દુત્વવાદી કાર્યકરોની મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં બોમ્બબ્લાસ્ટ કરવાનું કાવતરૂ ઘડવા બદલ ઘરપકડ કરી હતી. એમાંથી એક કાર્યકર વિવાદાસ્પદ હિન્દુત્વવાદી સંગઠન સનાતન સંસ્થા સાથે જોડાયેલો હોવાની એટીએસને પાકી શંકા છે.

મુંબઇ એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડના ઓફિસરોએ ગુરુવારે રાતે નાલાસોપારાના ભાંડાર આળી ગામમાં આવેલી બે માળની ઇમારત લક્ષ્યદ્વિપમાં રહેતા અને જમણેરી વિચારસરણી ધરાવતી સનાતન સંસ્થા સાથે જોડાયેલા વૈભવ રાઉતને સૌથી પહેલા ઝડપી લીધો હતો. તેના ઘરેથી ૮ દેશી બોમ્બ અને નજીકમાં જ આવેલી તેની દુકાનના ગાળામાંથી દેશી બોમ્બ બનાવવાનો દારૂગોળો મળી આવ્યો હતો. તેની પૂછપરછ બાદ તેના સાગરીત શરદ કાળસકરને પણ નાલાસોપારામાંથી ઝડપી લેવાયો હતો જ્યારે બીજા એક સાગરીત સુધન્વા ગોંધળકરને પુણેથી પકડી લેવાયો હતો. આ ત્રિપુટી પાસેથી કુલ ૨૦ જેટલા દેશી બોમ્બ મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રિપુટી મહારાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન કરી રહી છે, એવી પ્રાથમિક માહિતી મળતાં એટીએસે દરોડા પાડયા હતા.

પોતાના વિસ્તારમાં વૈભવની છાપ સારા માણસની

નાલાસોપારાના માત્ર ૧૦૦૦ની વસ્તી ધરાવતા ભાંડાર આળી ગામમાં રહેતા વૈભવના બાપ દાદા પણ આજ ગામમાં રહેતા હતા. વૈભવ તેના કાકા સાથે તેમના બે માળના પૈતૃક ઘરમાં જ રહેતો હતો. તેના પિતાનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય હતો જ્યારે વૈભવ પોતે એસ્ટેટ એજન્ટનું કામ કરતો હતો. ત્ગામવાસીઓનુ કહેવું છે એ હિન્દુત્વનો સમર્થક હતો. કોઇ ખાટકી પણ જો ખુલ્લામાં બકરીની કતલ કરતો હોય તો તેનાથી જોવાતું નહીં અને એ તરત જ આ બાબતે પોલીસને જાણ કરી કાર્યવાહી કરાવતો, પણ એ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોઈ શકે એવું ગામલોકોના માનવામાં નથી આવતું.

;