મેન્સ હાઇ જમ્પમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • મેન્સ હાઇ જમ્પમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા

મેન્સ હાઇ જમ્પમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા

 | 1:17 am IST

। જાકાર્તા ।

એશિયન પેરા ગેમ્સમાં ગુરુવારે ભારતીય એથ્લીટ્સે હાઈ જમ્પમાં ક્લીન સ્વીપ કરતાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ જીત્યાં હતા. હાઈ જમ્પની T૪૨/૬૩ કેટેગરીમાં ગત ચેમ્પિયન શરદકુમારે બે બે રેકોર્ડ બનાવતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે વરુણ ભાટીએ બીજા સ્થાને રહેતાં સિલ્વર અને થાંગાવેલુ મરિયપ્પને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. T૪૨/૬૩ કેટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમાં ખેલાડીના નીચેના અંગમાં ઉણપ હોય, પગની લંબાઈમાં ફેરફાર હોય અને નબળી સ્નાયુ શક્તિ હોય છે.

૨૬ વર્ષીય શરદકુમારે એશિયન પેરા ગેમ્સનો રેકોર્ડ બનાવતાં ૧.૯૦ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર વરુણ ભાટીએ ૧.૮૨ મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો અને રિયો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ થાંગાવેલુ મરિયપ્પને ૧.૬૭ મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. વરુણ ભાટીએ આ સિઝનનો પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

બિહારનો શરદ બે વર્ષનો હતો ત્યારે નકલી પોલિયોની રસી અપાતાં ડાબા પગમાં લકવો થયો હતો.

સુંદરસિંહ ગુર્જરને જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ

ભારતના જેવલિન થ્રોઅર સુંદરસિંહ ગુર્જરે પુરુષોની એફ ૪૬ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પેરાલિમ્પિકમાં બે વખતના ગોલ્ડ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા ચોથા સ્થાને રહ્યો હતો. આ સ્પર્ધમાં રિંકુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એફ ૪૬ વિકલાંગતા શરીરના ઉપરના ભાગના કોઈ પણ અંગની નબળાઈ સાથે જોડાયેલી છે.  જેવલિન થ્રોમાં ગુર્જરે ૬૧.૩૩ મીટરના થ્રો દ્વારા સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આ થ્રો પાંચમા પ્રયાસમાં કર્યો હતો. રિંકુએ વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કરતાં ૬૦.૯૨ મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો હતો. આ વિભાગમાં ગોલ્ડ મેડલ શ્રીલંકાના દિનેશ હેરાથને મળ્યો હતો. તેણે એશિયન રેકોર્ડ બનવાતાં ૬૧.૮૪ મીટર થ્રો કર્યો હતો. ઇંચિયોન ૨૦૧૪ એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા દેવેન્દ્રસિંહ ઝાઝરિયાએ નિરાશ કરતાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ઝાઝરિયાએ આ સિઝનમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરતાં ૫૯.૧૭ મીટર થ્રો કર્યો હતો પરંતુ તે ચોથા સ્થાને રહ્યો હતો. ભારતે પુરુષોની ૪૦૦ મીટર દોડમાં ટી-૧૩માં પણ બ્રોન્ઝ જીત્યો હતો. ભારતને આ મેડલ અવનિલકુમારે અપાવ્યો હતો. ટી-૧૩ આંખોમાં ઝાંખપ સાથે જોડાયેલી છે. અવનિલકુમારે ૫૨ સેકન્ડનો સમય લીધો હતો. ઈરાનના ઓમિદ ઝારિફસનાયેઈએ ૫૧.૪૧ સેકન્ડના સમય સાથે ગોલ્ડ જ્યારે થાઇલેન્ડના સોંગવુટ લેમસને સિલ્વર મેડલ જીત્યો હતો. અવનિલકુમાર સામાન્ય અંતરથી સિલ્વર મેડલ જીતવાનું ચૂકી ગયો હતો.