પાકિસ્તાનમાં ડોક્ટરે ૫૦૦ કરતાં વધુને HIV ગ્રસ્ત બનાવી દેતાં હાહાકાર મચ્યો - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાનમાં ડોક્ટરે ૫૦૦ કરતાં વધુને HIV ગ્રસ્ત બનાવી દેતાં હાહાકાર મચ્યો

પાકિસ્તાનમાં ડોક્ટરે ૫૦૦ કરતાં વધુને HIV ગ્રસ્ત બનાવી દેતાં હાહાકાર મચ્યો

 | 2:41 am IST

। ઇસ્લામાબાદ  ।

પાકિસ્તાનમાં ૫૦૦ કરતાં વધુ લોકો એચઆઇવીગ્રસ્ત બનતાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ૫૦૦ કરતાં વધુ લોકોના ટેસ્ટ એચઆઇવી પોઝિટિવ આવ્યાં છે. એચઆઇવી પોઝિટિવ કેસ એઇડ્સમાં બદલાઈ શકે છે. પાકિસ્તાની સત્તાવાળાઓએ આ માટે એક ડોક્ટરની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે જાણીજોઈને દર્દીઓને એચઆઇવીનો ચેપ ધરાવતી નીડલ અને સિરિંજ દ્વારા ઇન્જેક્શન આપી મોત તરફ ધકેલી દીધાં છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના એઇડ્સ કન્ટ્રોલ પ્રોગ્રામના વડા સિકંદર મેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય અધિકારીઓએ અત્યાર સુધીમાં લારકાના વિસ્તારના ૧૩,૮૦૦ લોકોના ટેસ્ટ કર્યાં છે જેમાંથી ૪૧૦ બાળકો અને ૧૦૦ પુખ્ત વ્યક્તિઓ એચઆઇવીગ્રસ્ત મળી આવ્યાં છે.

પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં એચઆઇવીના ૨૩,૦૦૦ કરતાં વધુ કેસ નોંધાયાં છે. સ્ટરિલાઇઝડ ન કરી હોય તેવી સિરિંજનો ઉપયોગ કરવાથી એચઆઇવીનો પ્રસાર થતો હોય છે. પાકિસ્તાનમાં એચઆઇવીનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એશિયામાં એચઆઇવીનો સૌથી ઝડપી પ્રસાર ધરાવતો પાકિસ્તાન બીજા નંબરનો દેશ છે.

પાકિસ્તાનમાં ૬,૦૦,૦૦૦ કરતાં વધુ બનાવટી ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યાં છે : સરકારી રિપોર્ટ

પાકિસ્તાનની જ સરકારના એક રિપોર્ટ અનુસાર દેશમાં ૬ લાખ કરતાં વધુ બનાવટી ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં આરોગ્ય સેવાઓના નીચા સ્તરના કારણે ગ્રામીણ લોકો આ પ્રકારના બનાવટી ડોક્ટરો પાસે ઇલાજ કરાવવા મજબૂર બને છે. લાયકાત ન ધરાવતા ડોક્ટરો ગ્રામીણોને નવા રોગોની ભેટ આપી રહ્યાં છે. આ પ્રકારની ક્લિનિકોમાંથી એચઆઇવીના પ્રસારનો સૌથી મોટો ભય રહેલો છે. પૈસા બચાવવાના લોભમાં બનાવટી ડોક્ટરો એક જ સિરિંજથી દર્દીઓને ઇન્જેક્શન આપી એચઆઇવી પણ ભેટમાં આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન