પીએનબીમાં અધધ... રૂ. ૧૧,૩૩૦ કરોડનું કૌભાંડ - Sandesh
  • Home
  • Ahmedabad
  • પીએનબીમાં અધધ… રૂ. ૧૧,૩૩૦ કરોડનું કૌભાંડ

પીએનબીમાં અધધ… રૂ. ૧૧,૩૩૦ કરોડનું કૌભાંડ

 | 1:50 am IST

મુંબઈ, તા. ૧૪

ભારતમાં જાહેરક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કે મુંબઈ સ્થિત તેની એક શાખામાંથી ૧.૭૭ અબજ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૧૧,૩૩૦ કરોડ રૂપિયાનું કૌભાંડ પકડયું છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જને આપેલી માહિતીમાં પંજાબ નેશનલ બેન્કે જણાવ્યું હતું કે, કેટલાક ખાતાધારકોને લાભ પહોંચાડવા માટે તેમની સંમતિ સાથે આ પ્રકારના આર્થિક વ્યવહાર કરાયા છે. આ પ્રકારના આર્થિક વ્યવહારોના આધારે અન્ય બેન્કોએ આ ખાતાધારકોને વિદેશોમાં ઋણ આપ્યાં છે. સંપત્તિની દૃષ્ટિએ દેશમાં ચોથા નંબરની બેન્ક ગણાતી પંજાબ નેશનલ બેન્કે જોકે આ કૌભાંડમાં સંડોવાયેલી વ્યક્તિઓનાં નામ જાહેર કર્યાં નથી, પરંતુ જણાવ્યું હતું કે, આ આર્થિક વ્યવહારોની જાણકારી કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને કરી દેવાઈ છે. બેન્કે જણાવ્યું હતું કે, આ આર્થિક વ્યવહારોને કારણે બેન્ક પર કોઈ આર્થિક જવાબદારી આવે છે કે કેમ તેની સમીક્ષા ચાલી રહી છે. વધુ વિગતો આપ્યા વિના પંજાબ નેશનલ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કમાં થયેલા આર્થિક વ્યવહારો કન્ટિજન્ટ છે અને તેના દ્વારા બેન્ક પર કોઈ આર્થિક જવાબદારી આવે છે કે કેમ તેનો નિર્ણય કાયદા અને આર્થિક વ્યવહારોની સચોટતાના આધારે કરાશે.

દરમિયાન પંજાબ નેશનલ બેન્કે રૂપિયા ૧૧,૩૩૦ કરોડ રૂપિયાનાં કૌભાંડ માટે બેન્કના ૧૦ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. બેન્કિંગ સેક્રેટરી રાજીવકુમારે જણાવ્યું કે, આ કર્મચારીઓ પર કેટલાક પસંદગીના ખાતાધારકોને લાભ પહોંચાડવાનો આરોપ મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, પીએનબીની વર્ષ ૨૦૧૭ની નેટ આવક રૂપિયા ૧,૩૨૦ કરોડ રહી હતી, તેની સામે બેન્કની એક જ શાખામાં રૂપિયા ૧૧,૩૩૦ કરોડના છદ્મ આર્થિક વ્યવહારો કરાયા છે. આ આર્થિક વ્યવહારો બેન્કની નેટ આવક કરતાં ૮ ગણા છે.

નીરવ મોદીએ કેવી રીતે પીએનબીને ડુબાડી?

અબજોપતિ ડાયમંડ કિંગ નીરવ મોદીએ પીએનબી બેન્કમાંથી તેમની ત્રણ કંપનીઓ માટે બેન્કના બે અધિકારીઓને સાધી બેન્ક સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વિના ૨૮૦ કરોડ રૂપિયાની બાયર્સ ક્રેડિટ પાંચ લેટર્સ ઓફ અંડરસ્ટેન્ડિગ(એલઓયુ) દ્વારા ઊભી કરવાની ભારતીય બેન્કોની ઓવરસીઝ શાખાઓમાં સ્વીફ્ટ સૂચનાઓ ટ્રાન્સમિટ કરી હતી. બેન્કની ફરિયાદ અનુસાર આ પાંચ એલઓયુ અલ્હાબાદ બેન્કની હોંગકોંગ શાખાની અને ત્રણ એલઓયુ એક્સિસ બેન્કની હોંગકોંગ શાખાની તરફેણમાં ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ નીરવ મોદી મુંબઇમાં જ છે અને તેમણે ૬,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી બતાવી છે અને બીજા ૬,૦૦૦ કરોડ રૂપિયા તેઓ તેમની સંપત્તિ ગીરવે મૂકી ઊભી કરી આ દેવું ચૂકવી આપશે. નીરવ મોદીએ બેન્કને આજે યોજાયેલી બેઠકમાં એમ જણાવ્યું હોવાનું મનાય છે કે તેઓ તેમની ૬,૪૩૫ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી કંપની ફાયરસ્ટાર ડાયમંડ વેચવા માટે યોગ્ય ગ્રાહક શોધી રહ્યા છે. આ કંપની વેચવામાં ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે. મળેલી તમામ રકમ દેવું ચૂકવવા માટે વાપરશે.

પંજાબ નેશનલ બેન્કે સીબીઆઇ સમક્ષ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં ૨૮૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સીબીઆઇએ અબજોપતિ હીરાના વેપારી નીરવ મોદી, તેમનાં પત્ની અમી, તેમના ભાઇ નિશાલ અને તેમના સગા મામા મેહુલ ચોક્સી સામે ગુનો નોંધ્યો હતો. પંજાબ નેશનલ બેન્કે ૨૯ જાન્યુઆરીએ સીબીઆઇ સમક્ષ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

એફઆઇઆરમાં જણાવાયું હતું કે અમુક સરકારી અમલદારોએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને ડાયમંડ આર. એસ, સોલર એક્સ્પોર્ટ્સ અને સ્ટેલાર ડાયમંડસને લાભ થાય તેવું આયોજન કરી બેન્કને ૨૦૧૭માં ૨૮૦.૭૦ કરોડ રૂપિયાનું ખોટું નુકસાન કરાવ્યું હતું. આ ત્રણે કંપનીઓમાં નીરવ મોદી, તેની પત્ની, ભાઇ અને મામા ભાગીદારો છે. પીએનબીના બે અધિકારીઓએ છેતરપિંડી આચરીને આઠ લેટર્સ ઓફ અંડરટેકિંગ ઇશ્યૂ કર્યા હતા અને મોદીની કંપનીઓ માટે બેન્ક સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વિના ૨૮૦ કરોડ રૂપિયાની બાયર્સ ક્રેડિટ ઊભી કરવાની ભારતીય બેન્કોની ઓવરસીઝ શાખાઓમાં સ્વીફ્ટ સૂચનાઓ ટ્રાન્સમિટ કરી હતી. બેન્કે સીબીઆઇને તમામ આરોપીઓ સામે લુક આઉટ નોટિસ બહાર પાડવાની વિનંતી કરી છે.

નીરવ મોદી કોણ છે?

મૂળ ગુજરાતી, બેલ્જિયમમાં મોટા થયેલાં અને મુંબઇમાં અસ્થાયી રહેતા નીરવ મોદી હાલ ૧.૭૩ અબજ ડોલરના આસામી છે જેમનું નામ ફોર્બસ ઇન્ડિયાની ૨૦૧૭ની ભારતના સૌથી શ્રીમંતોની યાદીમાં ૮૪મા સ્થાને હતું. ૪૮ વર્ષના નીરવ મોદીની જ્વેલરી બ્રાન્ડને બોલિવૂડમાં પ્રિયંકા ચોપરા અને લીઝા હેડને પ્રમોટ કરી છે તો હોલિવૂડમાં કેટ વિન્સલેટ અને ડાકોટા જ્હોન્સન જેવા કલાકારો નીરવ મોદીની બ્રાન્ડની જ્વેલરી પહેરે છે. મોદી આંતરરાષ્ટ્રીય લિલામગૃહો દ્વારા ઝવેરાતોની હરાજીમાં પણ અવારનવાર ચમકે છે. ૨૦૧૦માં ક્રિસ્ટીના લિલામીમાં મોદીનો ગોલકોન્ડા નેકલેસ રૂ. ૧૬.૨૯ કરોડમાં વેચાયો હતો.

પીએનબીના શેરનો ભાવ ૧૦ ટકા ઘટયો : રોકાણકારોએ રૂ. ૩,૮૪૪ કરોડ ગુમાવ્યા

મુંબઇની શાખામાં કુલ રૂ.૧૧,૩૦૦ કરોડના છેતરપિંડીભર્યા કામકાજને પોતે શોધી કાઢયું છે , એમ પંજાબ નેશનલ બેન્કે આજે જણાવ્યું હતું. આને પરિણામે બેન્કનો શેર ૯.૮ ટકા ઘટી ગયો હતો. આ છેતરપિંડીભર્યા કામકાજમાં રકમ બેન્કના રૂ.૩૬,૦૦૦ કરોડના કુલ માર્કેટ કેપના અંદાજે ૩૨ ટકા અથવા તો રૂ. ૪.૫ લાખ કરોડની લોન બુક (૨૦૧૭ના ડિસેમ્બર સુધી)ના ૨.૫૫ ટકા થાય છે. આ રકમ બેન્કના ૨૦૧૭નાં નાણાકીય વર્ષના ચોખ્ખા નફા કરતાં આઠ ગણી વધારે છે. બેન્કના શેરના ભાવમાં તીવ્ર ઘટાડાને પરિણામે રોકાણકારોએ એક જ દિવસમાં રૂ. ૩,૮૪૪ કરોડ ગુમાવ્યા હતા. દેખીતી રીતે જ આંખ આડા કાન કરવા સહિત ખાસ ખાતાધારકોના લાભાર્થે મુંબઇની બેન્કની એક શાખામાં કેટલાંક છેતરપિંડીભર્યા અને અનધિકૃત કામકાજ શોધી કાઢયા છે. આ કામકાજના આધારે અન્ય બેન્કોએ વિદેશમાં આ ગ્રાહકોને એડવાન્સ રકમ આપી હોવાનું જણાય છે.

નાણામંત્રાલયે તમામ બેન્કો પાસે માગ્યો સ્ટેટસ રિપોર્ટ, સીબીઆઈ દ્વારા તપાસ

નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, આ મામલો નિયંત્રણ બહાર ગયો નથી અને તેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાણા સેવા વિભાગના સંયુક્ત સચિવ લોકરંજને જણાવ્યું હતું કે નાણામંત્રાલયે તમામ બેન્કો પાસેથી આ મામલા સાથે અથવા તો તાજેતરમાં બહાર આવેલા આ પ્રકારના મામલા પર રિપોર્ટ માગ્યો છે. મિનિસ્ટ્રીએ આ સપ્તાહના અંત સુધીમાં સ્ટેટસ રિપોર્ટ આપવાની સૂચના આપી છે.

બીજી બાજુ સીબીઆઈનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સીબીઆઈ નીરવ મોદી અને તેમની કંપનીઓ સાથે પીએનબીના ૧૧,૦૦૦ કરોડના છેતરપિંડીના કેસને સંબંધ છે કે કેમ તેની તપાસ કરી રહી છે. પાંચમી ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ નીરવ મોદી, તેમની પત્ની અમી મોદી, ભાઈ નિશાલ મોદી અને મામા મેહુલ ચોક્સી સામે ૨૮૦ કરોડની છેતરપિંડી અંગે કેસ દાખલ કર્યો હતો. પીએનબીએ ૨૯મી જાન્યુઆરીના રોજ આ અંગે સીબીઆઈને ફરિયાદ કરી હતી.

PNBનાં કૌભાંડમાં બેન્કમાં જમા તમારા દરેક રૂપિયા ૧૦૦માંથી રૂ. ૩૦ ગાયબ!!!

પંજાબ નેશનલ બેન્કની મુંબઈ શાખામાં રૂ. ૧૧,૩૬૦ કરોડનું બોગસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. આને કારણે બેન્કમાં જમા કરવામાં આવેલા તમારા દરેક રૂ. ૧૦૦માંથી રૂ. ૩૦ ગાયબ થઈ ગયા છે. કૌભાંડ આચરીને બેન્કને કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો છે તે રકમ શેરબજારમાં બેન્કોનાં કુલ માર્કેટ કેપિટલાઇઝેશનનો ત્રીજો હિસ્સો છે, આને કારણે શેરબજારમાં બેન્કો અને કંપનીઓને ૧૦ ટકાનું ભારે નુકસાન વેઠવું પડયું છે. આવી જ રીતે બેન્કોના ખાતેદારોને દર રૂ. ૧૦૦ની જમા રકમ સામે રૂ. ૩૦નો ફટકો સહન કરવો પડશે. બેન્કનું કુલ માર્કેટ કેપ રૂ. ૩૬,૫૬૬ કરોડ છે, જેમાંથી રૂ. ૪.૫ લાખ કરોડની લોનો આપી છે.

પીએનબી કૌભાંડની ઝાળ વધુ બેન્કને લાગી

કૌભાંડની ઝાળ વધુ ત્રણ બેન્કને પણ દઝાડી શકે છે. જાહેરક્ષેત્રની બે બેન્ક યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને અલ્હાબાદ બેન્ક ઉપરાંત ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્ક પીએનબી દ્વારા ઇશ્યૂ થયેલા લેટર ઓફ અંડરટેકિંગના આધારે ધિરાણ આપી ચૂકી છે. લેટર ઓફ અંડરટેકિંગ એટલે એક બેન્ક તરફથી બીજી બેન્કને આપવામાં આવતો લેટર ઓફ કમ્ફર્ટ છે. આ પત્રના આધારે ખરીદનારને ધિરાણ ઓફર કરે છે. સ્થાનિક નિયામકોએ દાખલ કરેલી ફરિયાદને પગલે બેન્કની વિદેશી શાખાઓ પર નજર રખાઈ રહી છે. હોંગકોંગ, દુબઈ અને ન્યૂયોર્ક જેવાં વિદેશી શહેરોમાં દુકાનો ધરાવતી ઝવેરાત કંપની વર્ષ ૨૦૧૦થી લેટર ઓફ અંડરટેકિંગ આધારિત ધિરાણની સુવિધા ધરાવતી હતી.