સેન્સેક્સમાં બે દિવસમાં ૧,૦૦૦ પોઇન્ટ સુધીનો કડાકો - Sandesh
  • Home
  • Business
  • સેન્સેક્સમાં બે દિવસમાં ૧,૦૦૦ પોઇન્ટ સુધીનો કડાકો

સેન્સેક્સમાં બે દિવસમાં ૧,૦૦૦ પોઇન્ટ સુધીનો કડાકો

 | 2:30 am IST

। મુંબઈ ।

સેન્સેક્સ અને નિફ્ટી આજે ઊંચા ખુલ્યાં હતાં પરંતુ આંખના પલકારામાં તમામ લાભ ધોવાઈ ગયો હતો. ભારે અફરાતફરી બાદ સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. વિશ્વના શેરબજારોનું ચિત્ર ધૂંધળું રહેવા સહિત ઊભરતી બજારોમાં નાજુક પરિસ્થિતિ ચાલુ રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંબંધોમાં દહેશત વધતાં એશિયામાં મિશ્ર પ્રત્યાઘાત બાદ અમેરિકી વાયદા સહિત યુરોપના શેરબજાર ઘટયાં હતાં. અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૨.૭૪ની નવી નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આથી, શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ વકરવાની સ્થિતિને કારણે ઊભરતી બજારોમાં શેર્સ મંગળવારે ૧૫ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૫૦૯.૦૪ પોઇન્ટ ઘટી ૩૭,૪૧૩.૧૩ અને નિફ્ટી ૧૫૦.૬૦ પોઇન્ટ ઘટી ૧૧,૨૮૭.૫૦ ઉપર બંધ થયા હતા. એફએમસીજી શેર્સ શેરબજારના ઘટાડામાં કારણરૂપ રહ્યા હતા.

કોલ ઈન્ડિયા, એનટીપીસી, મહિન્દ્રા અને ઇન્ફોસિસ વધ્યા હતા જ્યારે તાતા સ્ટીલ, આઇટીસી, ટાઇટન અને તાતા મોટર્સ ઘટયા હતા. યુબીએસ દ્વારા ઇન્ફોસિસનું ભાવલક્ષ્ય વધારવામાં આવતા શેરનો ભાવ રૂ.૩.૪૫ વધી રૂ.૭૩૪.૩૦ થયો હતો. એક્સિસ બેન્કનો શેર ૦.૨૫ ટકા ઘટી રૂ.૬૫૦.૧૫ થયો હતો. ૫૦ અને ૨૦ મેગાવોટના બે સોલર પ્રોજેક્ટ માટે સીએલપી ઈન્ડિયા સાથે સંયુક્ત સાહસની જાહેરાત સુઝલોન એનર્જીએ કરી હતી. જોકે, શેરનો ભાવ રૂ.૦.૧૫ ઘટી રૂ.૬.૯૬ થયો હતો. વીડિયોકોન લોન કેસ સંબંધે આવકવેરા વિભાગની કોઈ નોટિસ મળી નથી, એમ આઇસીઆઇસીઆઇ બેન્કે જણાવ્યું હતું. શેરનો ભાવ રૂ.૬.૩૫ ઘટી રૂ.૩૨૬.૫૫ થયો હતો. નાના રોકાણકારોએ ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સીપ)માં રૂ.૭,૬૦૦ કરોડનું રોકાણ કર્યું હતું અને તે સાથે વર્તમાન વર્ષમાં આ રોકાણ રૂ.૩૬,૭૬૦ કરોડ ઉપર પહોંચ્યું હતું. આઇસીઆઇસીઆઇ સિક્યૂરીટીઝનો શેર રૂ.૧.૪૫ વધી રૂ.૩૨૮.૮૫ થયો હતો.

સિન્ડિકેટ લોન સુવિધા દ્વારા ૪૦ કરોડની લોનની રકમ ઊભી કરી હોવાનું યસ બેન્કે જણાવ્યું હતું. જોકે, શેરનો ભાવ ૨.૧૮ ટકા ઘટી રૂ.૩૧૬.૬૦ થયો હતો. ઇઝરાયેલની ટાર્સિઅસ ફાર્મામાં ૩૦ લાખ ડોલરમાં ૧૮.૭૫ ટકા હિસ્સો કંપની હસ્તગત કરશે એમ સન ફાર્માએ જણાવતાં શેરનો ભાવ એક તબક્કે વધી રૂ.૬૪૯.૪૦ થયો હતો. જોકે, મોહાલીના પ્લાન્ટ અંગે અમેરિકી એફડીએના નકારાત્મક રિપોર્ટને પરિણામે ભાવવધારો ધોવાઈ ગયો હતો. શેર રૂ.૭.૬૦ ઘટી રૂ.૬૩૦.૪૦ થયો હતો. આઇસીઆઇસીઆઇ બેન્કે એનસીએલટીમાં બેન્ક્રપ્સી અરજી નોંધાવ્યા બાદ જયપ્રકાશ એસોસિએટ્સનો શેર ૫.૧૬ ટકા ઘટી રૂ.૧૦.૧૦ થયો હતો.આર્સેલર મિત્તલે કરજગ્રસ્ત એસ્સાર સ્ટીલને હસ્તગત કરવા પોતાની ઓફર વધારીને રૂ.૪૨,૦૦૦ કરોડ કરી છે. આ પહેલાં કંપનીએ રૂ.૩૦,૫૦૦ કરોડની ઓફર કરી હતી. ઇન્સાઇડર ટ્રેડિંગના કહેવાતા ઉલ્લંઘન બદલ એનડીટીવીને કારણદર્શક નોટિસ મળી હોવાના અહેવાલે રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવતા શેરનો ભાવ ૨.૯૯ ટકા ઘટી રૂ.૩૪.૦૫ થયો હતો.

વિદેશી રોકાણકારોએ સોમવારે રૂ.૮૪૧.૬૮ કરોડના અને સ્થાનિક રોકાણકારોએ રૂ.૨૮૯.૬૬ કરોડના શેર્સ વેચ્યા હતા.ડોલર સામે રૂપિયાનો ભાવ ૭૫ થઈ જશે? અમેરિકી ડોલર સામે રૂપિયો આજે નવી નીચલી સપાટીએ પહોંચતા એનાલિસ્ટોએ તેમની ભાવની આગાહીમાં ફેરફાર કર્યો છે. ડીબીએસ બેન્ક, યુબીએસ સિક્યોરિટીઝ અને બર્કલેઝ સહિતના લેન્ડર્સ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ડોલર સામે રૂપિયાનો ભાવ રૂ.૭૫ થઈ જશે. ભારતની રાજકોષીય ખાધ ઓગસ્ટમાં ૧૭થી ૧૮ અબજ ડોલર રહેવાની ધારણા છે અને આ મહિનાને અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવશે તેને પરિણામે રૂપિયા ઉપર દબાણ વધશે, એમ ડીબીએસ બેન્કના સિનિયર કરન્સી સ્ટ્રેટેજિસ્ટ ફિલિપે જણાવ્યું હતું.

રૂપિયાનું મૂલ્ય ઘટવાથી આઇટી કંપનીઓને ફાયદો 

રૂપિયાનું મૂલ્ય ઘટવાથી આઇટી કંપનીઓને ફાયદો થશે. લાર્જ કેપ્સમાં ટીસીએસ અને ટેક મહિન્દ્ર અને નિડ કેપ્સમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમને ફાયદો થશે. તદુપરાંત રૂપિયો ઘટવાથી એચસીએલ ટેક્નોલોજી, હેક્સાવે ટેક્નોલોજી અને એલ એન્ડ ટી ઇન્ફોટેકને પણ લાભ થશે.

;