દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી 'એન અનવેલકમ વિઝિટર'  - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ‘એન અનવેલકમ વિઝિટર’ 

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ‘એન અનવેલકમ વિઝિટર’ 

 | 12:40 pm IST

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પગ મૂક્યો એ જ દિવસે પ્રમુખ કૃગરે જાહેરાત કરી દીધી હતી કે શ્વેત ખ્રિસ્તી પ્રજા ઈશ્વરની માનીતી પ્રજા છે એટલે બીજા લોકોએ અધિકારો તો ઠીક, આત્મસન્માનની પણ અપેક્ષા રાખવી નહીં. ગાંધીજીને હવે આના અનુભવ થવાના હતા. પહેલો અનુભવ તો બીજા જ દિવસે ૨૬મી મે, ૧૮૯૩ના રોજ ડરબનની અદાલતમાં થયો. ગાંધીજી ભારતીય પાઘડી પહેરીને અદાલતમાં ગયા ત્યારે જજે ઈશારો કરીને પાઘડી ઉતારવા કહ્યું. ગાંધીજીએ પાઘડી ન ઉતારી અને અદાલતના ખંડની બહાર નીકળી ગયા. બીજા દિવસે ત્યાંના અખબાર ‘ધ નાતાલ એડ્વર્ટાઈઝર’માં એ ઘટનાના સમાચાર ‘એન અનવેલકમ વિઝિટર’ એવા મથાળા હેઠળ આપવામાં આવ્યા હતા. હજુ તો કૃગરે ચેતવણી આપી એને ત્રણ દિવસ પણ નહોતા થયા ત્યાં અખબારે ગાંધીજીને એન અનવેલકમ વિઝિટર જાહેર કરી દીધા.

૩૧મી મેએ ગાંધીજી ડરબન છોડીને કેસના કામે પ્રીટોરિયા જવા નીકળ્યા. તેમના અસીલે તેમના માટે પહેલા વર્ગની ટિકિટ કઢાવી હતી. રાતે નવેક વાગ્યે ટ્રેન મેરિત્સબર્ગ સ્ટેશને પહોંચી ત્યારે ગોરાઓએ તેમને ટ્રેનની બહાર સામાનની સાથે સામાનની જેમ જ ફ્ગાવી દીધા હતા એ ઘટના તો જાણીતી છે. એ પછી ગાંધીજી કડકડતી ઠંડીમાં બાંકડા ઉપર બેસીને આખી રાત વિચારતા રહ્યા. ઊંઘનું એક મટકું પણ માર્યું નહોતું. મારે શું કરવું જોઈએ? એક મનુષ્ય તરીકે મારો ધર્મ શું હોઇ શકે છે?

ગાંધીજી તેમની આત્મકથામાં લખે છેઃ મેં મારો ધર્મ વિચાર્યોઃ ‘કાં તો મારે મારા હકોના સારુ લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રીટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડયું એ તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા મહારોગનું એ લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’

એક વિકલ્પ હતો કેસ પતાવીને તરત દેશ પાછા જતા રહેવું. પણ દેશમાં પાછા જતા રહેવાથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ સાથે, કાળાઓ સાથે અને બીજા અશ્વેતો સાથે જે અન્યાયી વર્તન થઈ રહ્યું છે એનો તો કોઈ અંત આવવાનો નથી. આપણને અન્યાયથી છુટકારો મળશે પણ અન્યાયનો અંત આવવાનો નથી. બીજું, ભારતમાં પણ ક્યાં રામરાજ્ય છે. અહીં પણ અંગ્રેજો ભારતની પ્રજાને ગુલામ બનાવીને શાસન કરે છે. આ ઉપરાંત ભારતમાં એક પ્રજા બીજી પ્રજા સાથે અન્યાય ક્યાં નથી કરતી. દક્ષિણ આફ્રિકામાં એક મહારોગ છે તો ભારતમાં બીજો મહારોગ છે.

બીજો વિકલ્પ હતો રંગદ્વેષ નામના મહારોગ સામે લડવાનો. ગાંધીજી લખે છે, “એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં.” ગાંધીજીએ હજુ થોડા સમય પહેલાં જ એ શક્તિનો ગોરા રંગદ્વેષીને પરિચય કરાવ્યો હતો. પોતાની જાતે ઊતરવાની ના પાડી દીધી હતી અને પોતાનામાં શક્તિ હતી ત્યાં સુધી ટ્રેનના દરવાજાનો સળિયો પકડી રાખ્યો હતો. લગભગ કાંડું તૂટી જાય ત્યાં સુધી. ગાંધીજીને જ્ઞાન થયું હતું કે આત્મબળ કોઈ પણ બળનો સામનો કરી શકે એવું એક બળ છે. એમાં શરત એ છે કે બધાં પ્રકારનાં દુઃખો સહન કરવાની તૈયારી હોવી જોઈએ.

અને છેલ્લું વાક્ય સૌથી વધારે મહત્ત્વનું છે. ગાંધીજીએ લખ્યું છે, “અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.” આત્મબળનો ઉપયોગ કરવાનો પણ આફ્રિકામાં રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ. એ રાતે કડકડતી ઠંડીમાં એક ખાસ પ્રકારની મનોવેદનામાંથી પસાર થઈ રહેલો ૨૪ વરસનો યુવક પોતાના માટે લક્ષ્મણરેખા પણ બાંધે છે. લડત મુદ્દાને લઈને અને મુદ્દા પૂરતી જ. સાધારણપણે એવું બને છે કે લડતમાં ટકી રહેવા માટે, સાથે લડતા લોકોને ટકાવી રાખવા માટે અને એકંદરે લડતને ટકાવી રાખવા માટે તિરસ્કાર અને દ્વેષનો વિસ્તાર કરવામાં આવે છે. જેની સામે લડવાનું હોય તેની સામે મળે એટલાં દ્વેષનાં શસ્ત્રો એકઠાં કરવામાં આવે છે. તમે ગોરા છો માટે આવા એમ કહીને સાચો-ખોટો ઇતિહાસ ઉખેળવામાં આવે છે. ગાંધીજી તિરસ્કાર અને દ્વેષના વિસ્તારને કાયરતા સમજે છે.

આધ્યાત્મિક પરિભાષામાં કહીએ તો એ દિવસે ગાંધીજીને જ્ઞાન લાધ્યું હતું. તેમણે ૧૯૩૮માં એક અમેરિકન પાદરી ડો. જોન આર. મોટ સાથેની ચર્ચામાં એ અનુભવને ‘જીવન ફેરવનાર’ અનુભવ તરીકે વર્ણવ્યો હતો અને કહ્યું હતું કે તે દિવસથી તેમની અંદર સક્રિય અહિંસાની શરૂઆત થઈ હતી.

એ પછી દક્ષિણ આફ્રિકામાં મોહનમાંથી મહાત્મા બનવાની યાત્રા શરૂ થાય છે. સાચી તાકાત ચાલાકીમાં નહીં સત્યમાં રહેલી છે. સાચી તાકાત બહાર નહીં અંદર રહેલી છે. સાચી તાકાત શસ્ત્રમાં નહીં આત્મામાં રહેલી છે. આ તાકાત અજેય છે. જાહેરજીવનમાં સામૂહિક રીતે આ તાકાત અજમાવવાની ઘટના ઇતિહાસમાં પહેલી વાર બની એ દક્ષિણ આફ્રિકામાં. આપણે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના દિવસો વિશે બહુ ઓછું જાણીએ છીએ. પચાસેક હજાર સાવ ગરીબ શોષિત ચેતનહીન લોકો શસ્ત્ર હાથમાં લીધા વિના અને દ્વેષ કર્યા વિના પ્રચંડ શક્તિશાળી રાજ્યને પડકારી શકે એ અચરજની વાત હતી. એ યુગમાં સામાજિક પ્રવાહો ઉપર નજર રાખનારાઓ ‘એન અનવેલકમ વિઝિટર’ ગાંધીજી તરફ કુતૂહલથી જોતા હતા. એમાંના કેટલાક શ્રદ્ધાપૂર્વક પણ જોતા હતા. ગાંધીજીએ તેમની આત્મકથામાં આનો પણ ઉલ્લેખ ટાળ્યો છે. આ બાજુ પ્રચંડ શક્તિશાળી રાજ્યને પણ એક નવો અનુભવ થઈ રહ્યો હતો.

દૂધનું દૂધ, પાણીનું પાણી : રમેશ ઓઝા

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન