દક્ષિણ ગુજરાતમાં તોફાની મિની વાવાઝોડું : ચારનાં મોત  - Sandesh
 • Home
 • Gujarat
 • દક્ષિણ ગુજરાતમાં તોફાની મિની વાવાઝોડું : ચારનાં મોત 

દક્ષિણ ગુજરાતમાં તોફાની મિની વાવાઝોડું : ચારનાં મોત 

 | 3:21 am IST

। સુરત ।

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડું દક્ષિણ ગુજરાત તટની નજીકથી પસાર થવાની અસરને પગલે આજે તાપી અને ડાંગ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં મીની વાવાઝોડાએ કહેર વર્તાવતા આજે વધુ ચાર લોકોના મોત થયા છે. જયારે મીની વાવાઝોડાના તોફાને સૌથી વધુ તાપી જિલ્લામાં ખાના ખરાબી સરી હતી, અહીં સંખ્યાબંધ મકાનોના પતરાં ઉડી જતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ખુશાલપુરા ગામ ખાતે વિજળી પડતાં એક ૬૨ વર્ષીય મહિલા નુરીબેન ગામીતનું મોત થયું હતું. જયારે ડાંગ જિલ્લાના સુબીર ખાતે પણ ગાજ વીજ સાથેના વરસાદમાં એકનું મોત થયું હતું. સુબીર ખાતે એક વૃક્ષ નીચે ઉભેલા મગનભાઈ વાઘમારે ( ઉ.વ. ૫૦ )નું પણ વિજળી પડતાં મોત નિપજયું હતું.   વાપીના તંબાડી ગામે વરસાદથી બચવા માટે ઘરની છત ઉપર પ્લાસ્ટીક બાંધી રહેલી મહિલા ૨૭ વર્ષીય પ્રેમીલાબેન વારલીનું મોત થયું હતું. જયારે વાપીના ઉમરગામ જીઆઈડીસી ખાતે ભારે તોફાની પવન વચ્ચે દ્યોગિક એકમના માલિકનું પણ છત ઉપરથી પડી જતાં મોત થયું હતું. દામોદર કાલોલા ( ઉ.વ. ૪૪ ) તેમના કામદારો સાથે છત ઉપર ચઢયા હતા એ દરમિયાન તોફાની પવને તેમને ફંગોળી દેતા નીચે પડતાં તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું.

સૌરાષ્ટ્રમાં ર લાખથી વધુ ગ્રામજનોનું સ્થળાંતર

વાયુ વાવાઝોડાની શકયતાના પગલે સૌરાષ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા બે લાખથી વધારે લોકોનુ સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તંત્ર ખડેપગે રહી જીલ્લામાં ૧૮૦૫૮ લોકોને નિચાણવાળા તથા દરિયાકાંઠા વિસ્તારમાંથી ખસેડી લેવાયા છે.

સાગરકાંઠા આસપાસ ૧૬૦ સિંહો પર ખતરો

ગીરમાં ૭૦૦ થી વધુ સિંહોનો વસવાટ છે, જે સિંહો જંગલ વિસ્તારમાં વસે તે જંગલમાં સલામત છે. પરંતુ દરિયાઈ ખાડી સહિતના વિસ્તારોમાં જાફ્રાબાદ અને કોડીનાર પંથકમાં રહેતા આશરે ૧૬૦ થી વધુ સિંહો અને અન્ય વન્ય જીવો ઉપર વાવઝોડાની અસર સંભવત છે.

AMC દ્વારા આઠ કંટ્રોલરૂમ શરૂ કરાયા આઠ રેસ્ક્યૂવાન, ૫૫૦ કર્મચારીઓ તહેનાત

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકનારા વાયુ વાવાઝોડાના સંકટની સ્થિતિને લક્ષમાં લઈ અમદાવાદ મ્યુનિ. કોર્પારેશન દ્વારા તાકીદના શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં ટાગોર હોલ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવાની સાથે શહેરના તમામ મ્યુનિ. ઝોનમાં પણ વાયરલેસ સેટ અને અન્ય બચાવના સાધનોથી સુસજ્જ એવા સાત કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં શહેરના ૧૫ ફાયર સ્ટેશનો પર આઠ રેસ્ક્યુવાન બાર જેટલી બોટ તૈયાર રાખવામાં આવી છે અને ફાયરબ્રિગેડના ૫૫૦ જેટલા કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. મ્યુનિ. ફાયરબ્રિગેડ દ્વારા પોરબંદર ખાતે ત્રણ અને દ્વારકા ખાતે બે રેસ્ક્યુવાન મોકલવામાં આવી છે. ફાયરબ્રિગેડના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે, તમામ હોર્ડિંગ્સ, બેનર, ફ્લેક્સ જે તે એજન્સી પાસેથી તાકીદે ઉતરાવી લેવાની સૂચના આપવામાં આવી છે.

મોનિટરિંગ માટે સનદી અધિકારીઓ પ્રભારી સચિવ તરીકે નિયુક્ત

મોનિટરિંગ માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે છ આઈએએસ અધિકારીઓની પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ કરી છે, જેમાં એ.કે. રાકેશને રાજકોટ, અનુપમ આનંદને કચ્છ, રૂપવંત સિંહને ગીરસોમનાથ, પી.સ્વરૂપને બોટાદ, એ.એમ. સોલંકી સુરેન્દ્રનગર તેમજ ડો. ટી. નટરાજનને જામનગરની જવાબદારી સોંપાઈ છે.

રાજ્યની ૭૦ ટ્રેનો રદ, ૨૮ ટ્રેનના રૂટ ટૂંકાવ્યાં  ૬થી ૧૦ કોચ ધરાવતી ખાસ ટ્રેનની વ્યવસ્થા

વાવાઝોડાની તીવ્રતાને જોતા સૌરાષ્ટ્ર તરફની ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાંથી પસાર થતી કુલ ૭૦ ટ્રેનો રદ કરવામાં આવી હતી આ સિવાય ૨૬ ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવાયા હતાં. સૌરાષ્ટ્રની વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભુજ અને ગાંધીધામ તરફની તમામ પેસેન્જર અને મેઈલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં વેરાવળ-અમરેલી (૫૨૯૩૩), વેરાવળ-દેલવાડા (૫૨૯૪૯), અમરેલી-વેરાવળ (૫૨૯૩૦), દેલવાડા-જૂનાગઢ (૫૨૯૫૧), જૂનાગઢ-દેલવાડા (૫૨૯૫૬), અમરેલી-જૂનાગઢ (૫૨૯૫૫), જૂનાગઢ-દેલવાડા (૫૨૯૫૨), અમરેલી-વેરાવળ (૫૨૯૪૬), વેરાવળ-અમરેલી (૫૨૯૨૯), દેલવાડા-વેરાવળ (૫૨૯૫૦) સહિતની ટ્રેનો રદ કરાઈ છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ૬થી ૧૦ કોચ ધરાવતી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે તાત્કાલિક સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવાશે.

વાયુની સાથે સાથે 

 • વડોદરાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસરગ્રસ્તો માટે ૧ લાખ ફૂડ પેકેટ મોકલાયા
 • કંડલા પોર્ટને વાયુ વાવાઝોડાને પગલે બંધ કરાયું
 • અમદાવાદથી રેસ્ક્યૂ માટે બોદકદેવથી ફાયરની ૧૪ સભ્યોની ટીમ રવાના
 • એરફોર્સના સી-૧૭ વિમાનમાં NDRFના ૧૬૦ જવાનોને વિજયવાડાથી ગુજરાત ખસેડાશે
 • ૫ લાખથી વધુ ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્ર-કચ્છ મોકલાશે
 • NDRFની વધુ ૨૦ ટીમ પૂના અને ભટીંડાથી ગુજરાત બોલાવાઈ
 • સૌરાષ્ટ્રના જામનગર, દિવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટ બંધ
 • સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઈટોને અમદાવાદ અને મુંબઈમાં ડાયવર્ટ કરાઈ
 • ૧૨૫ એસટી ડેપો પર ડ્રાઈવર કંડક્ટર સ્ટાફને એલર્ટની સૂચના
 • પીપાવાવ પોર્ટ, શીપયાર્ડ સહિતના ઉદ્યોગગૃહોમાં બે દિ ઓપરેશન બંધ
 • વેરાવળની સોસાયટીમાં દરિયાના પાણી ઘૂસતા લોકોના જીવ તાળવેઃયુવાન ડૂબ્યો
 • માંગરોળ-માળીયાના ૫૬ ગામમાંથી ગ્રામજનોનું સ્થળાંતર
 • માંગરોળ, વેરાવળ, પોરબંદરની ૧૪૦ એસટી બસ કંટ્રોલ કરાઈ
 • મીટરગેજની તમામ ટ્રેનો રદ
 • GMBએ જામનગર આવેલી ૧૪ વિદેશી સ્ટીમરોને કાંઠો છોડી દેવા કર્યો આદેશ

છોટા ઉદેપુર – પંચમહાલ – વડોદરાના ૨૮૮ ગામોમાં અંધારપટ

મધ્ય ગુજરાતમાં ગઇકાલે મંગળવારે સાંજે ભારે તોફાની પવનો ફૂંકાયા હતા. આ તોફાની પવનો ફૂંકાતા છોટાઉદેપુર – વડોદરા અને પંચમહાલ જિલ્લામાં વ્યાપક અસરો થઇ હતી. આ ત્રણેય જિલ્લાના ૨૮૮ ગામોમાં ગઇકાલે સાંજથી જ અંધારપટ છવાઇ જવા પામ્યો હતો. જે હજી બુધવારે સાંજ સુધી સંપૂર્ણ પૂર્વવત થયો નથી.   ભારે વાવાઝોડાના પગલે સંખ્યાબંધ વૃક્ષો તૂટી પડયા હતા. જેમાંથી કેટલાક વૃક્ષો તો વીજલાઇન પર જ પડતાં વીજ લાઇનો પણ તૂટી જવા પામી હતી એટલું જ નહિ પણ વીજ થાંભલાઓ પણ કડડભૂસ થઇ ગયા હતા. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં આ કારણે વ્યાપક નુકશાન થયું હતું. લગ્ન સમારંભોના મંડપ ઉડી ગયા હતા.

બીજી તરફ કેટલાક સ્થળે તો મહેમાનો માટેની બનાવેલી રસોઇમાં પણ રેતી પડતાં તેનો ઉપયોગ કરી શકાયો ન હોય તેવી ઘટનાઓ પણ બની હતી. રસ્તાઓ ઉપર આજે ઠેર ઠેર પડેલાં ઝાડ અને ડાળીઓ દૂર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. વાહન વ્યવહારને પણ આ વાવાઝોડાના પગલે વ્યાપક અસર પડી હતી.    મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતુંકે, આ વાવાઝોડાના પગલે સંખ્યાબંધ વિસ્તારોની વીજ લાઇનો તૂટી જવા પામી હતી. આ ઉપરાંત ૧૭૪ વીજ થાંભલા તૂટી ગયા હતા. સૌથી વધુ અસર છોટાઉદેપુર અને જાંબુઘોડા વિસ્તારમાં થઇ હતી. ૨૮૮ ગામોમાંથી ૧૮૮ ગામોમાં બપોર સુધીમાં પુનઃ વીજ પૂરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને બીજા ૧૦૦ ગામોની વીજ પૂરવઠો મોડી સાંજ સુધીમાં ચાલુ કરી દેવાની કાર્યવાહી થઇ હતી.

સૌરાષ્ટ્રના એરપોર્ટ બે દિવસ બંધ, સુરત એરપોર્ટે આવતી ફ્લાઈટો ડાઇવર્ટ કરાઈ

વાવાઝોડાના કારણે હવાઈ માર્ગને પણ અસર પહોચી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જતી ફ્લાઈટોને રદ કરી દેવાઈ છે. સૌરાષ્ટ્રના એરપોર્ટ ૨ દિવસ કરાયા છે. જેમાં જામનગર, દિવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટને બંધ કરાયા છે. અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને રદ કરાઈ છે. આ સિવાય સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઈટોને અમદાવાદ-મુંબઈ ડાયવર્ટ કરાઈ છે.

મેડિકલ પ્રવેશમાં પિન વિતરણ મોકૂફ

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મેડિકલ પ્રવેશ માટેના પિન વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૧૩ જૂન, ૨૦૧૯ના રોજ શરુ થનાર હતી તે મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત રાજ્યની મેડિકલ પ્રવેશ સમિતિ (ACPUGMEC)એ જણાવ્યું છે કે, આ પ્રવેશ પ્રક્રિયાની નવી તારીખ એ વદુ માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ટુંક સમયમાં પ્રસિદ્ધ કરાશે.

રાજ્યની કોર્ટોને સલામતીના પગલાં લેવા સૂચના

સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાંની અસર હોય તેને ધ્યાનમાં લઇને કોર્ટો બંધ રાખવા અંગે જિલ્લા કોર્ટના પ્રિન્સિપાલ જયુડીશીયલ ઓફીસરો નિર્ણય લઇ શકશે તેમ ગુજરાત હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટીસ અનંત દવેની સૂચનાથી હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે સૂચના જારી કરી છે. તેની સાથે સૌરાષ્ટ્રમાં વાયુ નામનું વાવાઝોડું ત્રાટકયું હોવાથી હવામાન ખાતા દ્રારા ૧૩થી ૧૫ જૂન સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે અમદાવાદ સહિતની કોર્ટોને સલામતિના પગલાં લેવા માટે વિનંતી કરી છે.

૪૭ NDRF, ૩૪ આર્મીની ટીમો ખડેપગે, આપદા સામે તંત્ર સજ્જ

વાવાઝોડાને કારણે સર્જાનારી તમામ સ્થિતિને પહોંચી વળવા વહિવટીતંત્ર સજ્જ છે. સ્ટેટ કંટ્રોલ રૂમમાં ૧૪ સિનિયર આઈએએસ ઓફિસરોની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. ૧૦ જિલ્લાઓમાં નાગરીકોનું સલામત સ્થળે સ્થળાંતરને પૂરજોશમાં ચાલી રહ્યુ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ હતુ.

સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી જીઈબી, માર્ગ મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઈ, બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહી છે. વાયુ વાવાઝોડાને કારણે જામનગર, દેવભૂમિ- દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, મોરબી, કચ્છ, અને રાજકોટ જિલ્લાન અસર થવાની શક્યતાને પગલે સ્થળાંતર એ જ એક વિકલ્પ છે. એમ કહેતા એસીએસ પંકજ કુમારે એનજીઓ, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેર્યુ હતુ. બુધવારે મોડી રાત સુધીમાં સંભવિત અસરગ્રસ્ત ક્ષેત્રોમાંથી તમામ લોકોનું સ્થળાંતર થઈ જશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.એનડીઆરએફ, આર્મી ઉપરાંત એસડીઆરએફની ૧૧ ટીમો, મરીન પોલીસ પણ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ છે. સ્થાનિક પોલીસ સહિતનું વહિવટીતંત્ર પણ જાન-માલને નુકશાન ન થાય તે દિશામાં કાર્યરત છે.

સૌથી વધુ પોરબંદરમાંથી ૩૫,૮૬૨ લોકોનું સ્થળાંતર

વાયુ વાવાઝોડું ત્રાટકવાનું હોવાથી રાજ્ય સરકારે અગમચેતીના પગલારૂપે ૧૦ જિલ્લામાંથી કુલ ર લાખ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું જેમાંથી કુલ વધારે સ્થળાંતર પોરબંદર જિલ્લામાંથી કરવામાં આવ્યું હતું. આ જિલ્લામાંથી કુલ ૩૫,૮૬૨ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અને જ્યાં સુધી વાવાઝોડાનો ભય ટળે નહીં ત્યાં સુધી તેમને સલામત સ્થળે રખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન