રાજ્ય ઉડ્ડયન વિભાગોમાં ગેરરીતિ સામે GDCAના આંખ આડા કાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • રાજ્ય ઉડ્ડયન વિભાગોમાં ગેરરીતિ સામે GDCAના આંખ આડા કાન

રાજ્ય ઉડ્ડયન વિભાગોમાં ગેરરીતિ સામે GDCAના આંખ આડા કાન

 | 12:35 am IST

વિચાર સેતુ :- વિનીત નારાયણ

ઉત્તરપ્રદેશ સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગમાં ગોટાળા સામે આવ્યા પછી ભારત સરકારનું નાગરિક ઉડ્ડયન નિદેશાલય (ડીજીસીએ) પણ સવાલોના ઘેરામાં છે. અનેક રાજ્યોના નાગરિક ઉડ્ડયન વિભાગોમાં રહેલી ખામીઓને નજરઅંદાજ કરી રહેલા ડીજીસીએના અધિકારીઓ તે રાજ્યના અતિવિશિષ્ટ વ્યક્તિઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે એટલું જ નહીં પણ રાજ્યની સંપત્તિ અને ત્યાંના નાગરિકોના જીવન સાથે પણ રમત કરી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારનું નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધીકરણ (ઉકાડા) તાજેતરમાં એક નિમણૂકને કારણે વિવાદમાં મુકાયું છે. ત્યાં થઇ રહેલી પાઇલટ ભરતી પ્રક્રિયામાં આમ તો ઉકાડાએ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિદેશાલયના સેવા નિવૃત્ત ઉપમહાનિદેશકને વિશેષજ્ઞાના રૂપમાં બોલાવ્યા તો હતા. પરંતુ તે વિશેષજ્ઞાની સલાહને નજરઅંદાજ કરીને પસંદગી સમિતિએ એક શંકાસ્પદ પાઇલટને આ પદ પર નિમણૂક આપવા લગભગ નિર્ણય લઇ લીધો હતો.

સારું થયું કે સમય રહેતાં દિલ્હીના કાળચક્ર સમાચાર બ્યૂરોના સંપાદક રજનીશ કપૂરે રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન સચિવને આ વિષયે એક પત્ર લખીને આ પસંદગીમાં થયેલી અનિયમિતતા તરફ ધ્યાન દોર્યું હતું. કપૂરે જણાવ્યા મુજબ કેપ્ટન ચંદ્રપાલસિંહની પસંદગી તે પદ માટે થઇ રહી હતી પરંતુ તેમના વિરુદ્ધ ડીજીસીએમાં પહેલેથી જ ગેરરીતિઓ સંબંધમાં તપાસ ચાલી રહી છે અને તે ગેરરીતિઓને નજરઅંદાજ કરીને ઉકાડાના પસંદગીકારો તે કેપ્ટનની ભરતી પર મંજૂરીની મહોર મારવા જીદ કરી રહ્યા હતા. કપૂરે પોતાના પત્રમાં નાગરિક ઉડ્ડયન સચિવને આ પસંદગી પ્રક્રિયામાં થઇ રહેલા ભ્રષ્ટાચારની તપાસની માગણી કરી હતી.

વીતેલા કેટલાક મહિનામાં કાળચક્રના બ્યૂરો દ્વારા રાજ્ય સરકારોના ઉડ્ડયન વિભાગો અને વિશિષ્ઠ વ્યક્તિઓની સુરક્ષાને સ્પર્શતા અનેક મુદ્દા ડીજીસીએ સમક્ષ ઉઠાવવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે નિયમ અને સુરક્ષાની તકેદારી રાખનારા તે રાજ્યના પાઇલટ કે કર્મચારી આવા મુદ્દા ઉઠાવે છે તો ડીજીસીએ રોષમાં આવીને તે ફરિયાદી પર ખોટા આક્ષેપો થોપીને તેની પાછળ પડી જાય છે.

ઉલ્લેખનીય છે કે વીવીપીઆઇ વ્યક્તિઓનાં વિમાનોના ઉડ્ડયનની જવાબદારી નિભાવનારા પાઇલટ પાસે ચોક્કસ અનુભવ ઉપરાંત સ્વચ્છ છબિ પણ હોવી જોઇએ. તેઓ કોઇ પણ પ્રકારની વિધિવત તપાસથી મુક્ત હોય તે પણ જરૂરી છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડના હવામાન અને ભૌગોલિક સ્થિતિને જોતાં અહીં વિશેષ અનુભવ ધરાવતા પાઇલટ જ ઉડાન ભરી શકે તેવી સ્થિતિ છે.

સંતોષની વાત એ છે કે પાઇલટ ભરતીમાં થઇ રહેલી આ અનિયમિતતા અંગેની ફરિયાદ અંગે ઉત્તરાખંડના મુખ્યપ્રધાનનું ધ્યાન દોરવામાં આવતાં તેમણે આ બાબતને ગંભીરતાથી લેતાં તે શંકાસ્પદ પાઇલટની નિમણૂકને રોકી દીધી હતી.

અહીં સવાલ એ ઊઠે છે કે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિદેશાલયના અધિકારીઓ રાજ્ય સરકારોના નાગરિક ઉડ્ડયન વિભાગોમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન કેમ નથી આપી રહ્યા? તેઓ ફરી કોઇ દુર્ઘટના સર્જાશે ત્યારે જાગશે? કે પછી રાજ્યોના ઉડ્ડયન વિભાગોમાં થઇ રહેલી ગેરરીતિઓમાં ડીજીસીએના અધિકારીઓ પણ સામેલ છે?

ઉત્તરાખંડ પછી હવે હરિયાણાની વાત કરીએ. અહીંના નાગરિક ઉડ્ડયન વિભાગમાં એક વરિષ્ઠ પાઇલટ દ્વારા નિયમોનો ભંગ કરીને માર્ચ ૨૦૧૯માં એક નહીં પણ બે વાર એવી અનિયમિતતા આચરી કે જેની સજા માત્ર સસ્પેન્શન જ છે. પરંતુ આ પાઇલોટના ભાઇ ડીજીસીએમાં ઉચ્ચ પદ પર તૈનાત હોવાથી તેના પર કોઇપણ પ્રકારની કાર્યવાહી ના થઇ. ઉલ્લેખનીય છે કે હરિયાણા રાજ્ય સરકારના પાઇલટ કેપ્ટન ડી.એસ.નેહરાએ સરકારી હેલિકોપ્ટરમાં ગેરકાયદે રીતે ટેસ્ટ ઉડાન ભરી હતી. તેમણે સિંગલ પાઇલટના રૂપમાં આમ કર્યું હતું. એટલું જ નહીં ઉડાન ભરતા પહેલાંના નિયમ મુજબ બે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ (શરાબ પીધો છે કે નહીં તે માટેનો શ્વાસનો ટેસ્ટ) પોતે જ કરી લીધા. એક પોતાના માટે અને બીજો ટેસ્ટ રાજ્ય સરકારના એક બીજા પાઇલટ કેપ્ટન દિદ્દી માટે. કેપ્ટન દિદ્દી તો તે સમયે હાજર જ નહોતા. આરોપ છે કે કેપ્ટન નેહરાએ કેપ્ટન દિદ્દીના ખોટા હસ્તાક્ષર પણ કરી લીધા. તે ઘટનાના બે દિવસ પછી કેપ્ટન નેહરાએ ફરી એકવાર ગ્રાઉન્ડ રન કર્યું, અને સિંગલ પાઇલટના રૂપમાં રાજ્ય સરકારના હેલિકોપ્ટરની મેન્ટનન્સ ફ્લાઇટ પણ કરી. આ વખતે તેમણે ઉડાન ભરતા પહેલાં જરૂરી બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ ના કર્યો, પરંતુ ઉડાન ભર્યા પછી તે પરીક્ષણ કર્યું. આ બાબત નાગરિક ઉડ્ડયન નિયમો (સીએઆર)નું સીધું ઉલ્લંઘન છે. આ વખતે પણ તેમણે ગેરરીતિ કરતાં પી.કે.દિદ્દીના નામે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરીને રજિસ્ટરમાં દિદ્દીના ખોટા હસ્તાક્ષર પણ કર્યા, કેમ કે તે દિવસે પણ કેપ્ટન દિદ્દી પિંજોરમાં નહોતા. દિદ્દી મોહાલીમાં ડીજીસીએના પરીક્ષા કેન્દ્રમાં એટીપીએલની પરીક્ષા આપી રહ્યા હતા.

નિયમોના આ ગંભીર ઉલ્લંઘનના પુરાવા ફરિયાદ સ્વરૂપે ડીજીસીએને પાઠવવામાં આવ્યા, પરંતુ ડીજીસીએ માર્ચ ૨૦૧૯થી આજ સુધી આ કેસને દબાવીને બેઠું છે. તેના પાછળનું કારણ ભાઇભત્રીજાવાદ જ છે.

સવાલ એ છે કે ઉત્તરપ્રદેશની યોગી સરકારની સુરક્ષામાં છીંડા સર્જનારા અને ૨૦૩ શેલ કંપનીઓ ચલાવનારા કેપ્ટન પ્રજ્ઞોશ મિશ્રા હોય કે હરિયાણા સરકારના કેપ્ટન નેહરા હોય, ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિદેશાલયમાં ફરજ બજાવી રહેલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય ઉડ્ડયન વિભાગમાં ફરજ બજાવતા આવા અધિકારીઓ દ્વારા થયેલી અનિયમિતતાને ગંભીરતાથી શા માટે નથી લઇ રહ્યા? ક્યાંક તો નાની નાની ભૂલ માટે ડીજીસીએ તુરંત કામગીરી કરીને નિર્દોષ પાઇલટ કે અન્ય કર્મચારીઓને કડકમાં કડક સજા આપી દે છે, તો બીજી તરફ કેપ્ટન નેહરા કે કેપ્ટન મિશ્રા જેવા સંપર્ક ધરાવનારા પાઇલટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં મહિનાઓ કાઢી નાખે છે. આવા બેવડા માપદંડ અપનાવવા બદલ ડીજીસીએના અધિકારીઓ પણ એરલાઇન્સ કે રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગ પર નિયંત્રણ ધરાવતા ઉચ્ચ અધિકારીઓ જેટલા જ જવાબદાર છે.

મોદી સરકારના નાગરિક ઉડ્ડયનપ્રધાન હોય કે રાજ્યોના મુખ્યમંત્રી, તેમણે આવી બાબતો તરફ ધ્યાન આપીને દોષિત અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કામગીરી કરવી જોઇએ. પગલાં લેવામાં આવશે તો જ સંદેશો પહોંચશે કે વ્યક્તિ ગમે તેટલી વગ ધરાવતો હશે તો પણ તેને બક્ષવામાં નહીં આવે. કાયદો બધાની ઉપર હોય છે અને કાયદાની ઉપર કોઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન