સ્ટ્રોમાં કેદ થયેલી હવાનું જોર કેટલું હોઈ શકે? - Sandesh
  • Home
  • Kids Corner
  • સ્ટ્રોમાં કેદ થયેલી હવાનું જોર કેટલું હોઈ શકે?

સ્ટ્રોમાં કેદ થયેલી હવાનું જોર કેટલું હોઈ શકે?

 | 12:05 am IST

ચાલો, જાતે કરી જોઈએ… : માલિની મૌર્ય

સાવ પાતળી સ્ટ્રોમાં પુરાયેલી હવાનું જોર તમારા હાથના દબાણ કરતાં વધારે હોઈ શકે? આ વાતની ખાતરી કરવી હોય તો ચાલો જાતે કરી જોઈએ એક અખતરો…!

શું શું જોઈશે?

એક નંગ, બાફવા માટે વાસણ, ગેસની સગડી, જ્યૂસ પીવાની બે સ્ટ્રો અને હા, એક વડીલની હાજરી.

શું કરવાનું છે?

વાસણમાં પાણી ભરો. વાસણ કેટલું મોટું લેવું અને તેમાં પાણી કેટલું ભરવું એ વિશે મમ્મીની સલાહ લો.

વાસણમાં પાણી ભર્યા પછી વાસણને ગેસની સગડી પર મૂકી સગડી ચાલુ કરો. જો મમ્મી પાસે આ કામ કરાવો તો વધારે સારું!

પાણીમાં બટાકો ધીમેથી મૂકી દો. હવે વાસણના પાણીને ઉકળવા દો અને બટાકાને એમાં ઉકળવા દો.

લગભગ અડધા કલાક પછી બટાકો બફાઈ ગયો હશે. એ જાણવા માટે પણ મમ્મીની મદદ લો.

બટાકો બફાઈ ગયા પછી મમ્મીની મદદથી એને પાણીની બહાર કાઢી લો અને થોડોક ઠંડો થવા દો. જેથી એને પકડતાં હાથ ન દાઝી જાય!

બફાઈ ગયેલો બટાકો ઠંડો થઈ જાય એ પછી એને એક હાથમાં પકડી રાખો. બીજા હાથમાં સ્ટ્રો લો.

સ્ટ્રોનો એક છેડો બાફેલા બટાકામાં ખૂંપાવી દેવા માટે દબાવો. સ્ટ્રો દબાવવાથી શું થાય છે એ જુઓ અને નોંધ કરો.

હવે બટાકામાં દબાવેલી સ્ટ્રો કાઢીને ફેંકી દો. બીજી સ્ટ્રોે લો. એ સ્ટ્રોના એક છેડા ઉપર આંગળી દબાવો. અને એનો બીજો બાફેલા બટાકામાં ખૂંપાવવા માટે એને દબાવો. સ્ટ્રો દબાવવાથી શું થાય છે એ જુઓ અને તેની નોંધ કરો.

હવે એ સ્ટ્રોને હવામાં થોડેક અદ્ધર લઈ જાઓ અને એક છેડા ઉપર આંગળી દબાવી રાખીને સ્ટ્રો ઝડપથી નીચે લાવી બટાકામાં ખૂંપાવી દેવા પ્રયાસ કરો. આ વખતે શું થાય છે એ જુઓ અને તેની નોંધ કરો.

એમ કરવાથી શું થશે?

તમે સ્ટ્રોના એક છેડા ઉપર આંગળી મૂક્યા વગર બટાકામાં સ્ટ્રો ખૂંપાવવા દબાણ કરશો તો સ્ટ્રો દબાઈને કચડાઈ જશે, પરંતુ બટાકામાં ઊંડી નહીં ઉતરે.

જ્યારે એક છેડા પર આંગળી દબાવીને બીજો છેડો બટાકામાં ખૂંપાવવા પ્રયાસ કરશો તો પણ એ બટાકામાં ખૂંપી નહીં જાય. અને સ્ટ્રો કચડાઈ પણ નહીં જાય.

જ્યારે સ્ટ્રોના એક છેડા ઉપર આંગળી મૂકીને એને ઊંચે લઈ જઈ જોરથી બટાકાની છાલ ઉપર ખૂંપાવવા માટે અથડાવશો તો સ્ટ્રો બટાકાની છાલ વીંધીને એમાં ઊંડે ઉતરી જશે.

આમ કેમ થયું?

પહેલી વખત જ્યારે તમે સ્ટ્રોના એક છેડા પર આંગળી મૂક્યા વગર એને બટાકાની છાલની આરપાર કરવા દબાણ કર્યું ત્યારે એમાં માત્ર સ્ટ્રોના પ્લાસ્ટિકનું જ જોર હતું. એટલું જોર બટાકાની છાલની આરપાર જઈ શકે એટલું દબાણ સહન કરી શકતું નથી.

બીજી વખત જ્યારે તમે સ્ટ્રોના એક છેડા ઉપર આંગળી દબાવીને સ્ટ્રો બટાકાની છાલમાં ખૂંપાવવા દબાણ કર્યું. એ વખતે સ્ટ્રોના પ્લાસ્ટિકની સાથે એની અંદર કેદ થયેલી હવાનું પણ જોર હતું એટલે સ્ટ્રો કચડાતી નથી.

ત્રીજી વખત જ્યારે તમે સ્ટ્રોના એક છેડે આંગળી દબાવી રાખીને એને જોરથી બટાકામાં ખૂંપાવવા પ્રયાસ કરો છો ત્યારે સ્ટ્રોમાં એના પ્લાસ્ટિક અને એમાં કેદ થયેલી હવા ઉપરાંત ગતિનું પણ જોર ભળ્યું છે. એટલે આ વખતે સ્ટ્રો લોખંડના ખીલાની જેમ બટાકાની છાલ વીંધીને એમાં ઊંડી ઉતરી જાય છે.

[email protected]