તેલંગણામાં ST બસ ખીણમાં ખાબકતાં ૫૫નાં મોત - Sandesh
  • Home
  • India
  • તેલંગણામાં ST બસ ખીણમાં ખાબકતાં ૫૫નાં મોત

તેલંગણામાં ST બસ ખીણમાં ખાબકતાં ૫૫નાં મોત

 | 2:19 am IST

। હૈદરાબાદ ।

તેલંગણાના જગતિયાલ જિલ્લામાં કોંડાગટ્ટુ ઘાટ ખાતે તેલંગણા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની પ્રવાસી બસ ખીણમાં ખાબકતાં ૨૯ મહિલાઓ અને ૭ બાળકો સહિત ૫૫નાં કરુણ મોત થયાં હતાં. જગતિયાલ જિલ્લા કલેક્ટરે એ શરતે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ૧૧.૪૫ કલાકની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. હૈદરાબાદથી ૧૯૦ કિલોમીટર દૂર આવેલી કોંડાગટ્ટુ પર્વતમાળામાં સ્થિત આંજનેય સ્વામી મંદિરમાં દર્શન કરી પરત ફરી રહેલી આ બસમાં ૬૦થી વધુ શ્રદ્ધાળુ પ્રવાસ કરી રહ્યાં હતાં. જગતિયાલ ડેપોની આ બસ શનિવરમપેટા ગામથી કોંડાગટ્ટુ ઘાટ રોડ અને મુથ્યામપેટ ગામોમાંથી થઇ જગતિયાલ જઇ રહી હતી. તે દરમિયાન એક સ્પીડ બ્રેકર ખાતે બસના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. જેના કારણે ૭ બાળકો સહિત ૨૪ કરતાં વધુ પ્રવાસીઓના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર બસમાં ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ ભરાયાં હતાં.

પ્રારંભિક અહેવાલો અનુસાર ઘાટના ત્રીજા તીવ્ર વળાંક ખાતે ડ્રાઇવરે બસ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. તીવ્ર વળાંકને કારણે બસના પ્રવાસી જમણી તરફ ફંગોળાતાં બસ ફંગોળાઇને ખીણમાં ખાબકી હતી. અન્ય કેટલાક અહેવાલો અનુસાર બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસની પાછળ આવી રહેલાં કેટલાંક વાહનોના લોકોએ સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે જગતિયાલ એરિયા હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. એક ડઝન કરતાં વધુ પ્રવાસીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક ઊંચો જવાની સંભાવના છે. અકસ્માતની જાણ થતાં જગતિયાલ જિલ્લા કલેક્ટર એ શરથ, એસપી સિંધુ શર્મા, પોલીસ કમિશનર કમલહસન રેડ્ડી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જગતિયાલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી આરંભી હતી.

તેલંગણાના કાર્યકારી સીએમ કે. ચંદ્રશેખર રાવે અકસ્માત પર આઘાત વ્યક્ત કરતાં મૃતક પ્રવાસીઓના પરિવારજનોને દિલાસો પાઠવ્યો હતો. રાવે મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાય ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તે ઉપરાંત અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારની વ્યવવસ્થા કરવા જણાવ્યું હતું.

તેલંગાણાના જગતિયાલ જિલ્લાનો બસઅકસ્માત અત્યંત આઘાતજનક છે. તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જીવની હાનિથી હુ ઘણો વ્યથિત છું. મારી દિલસોજી દુખિત પરિવારો સાથે છે. હું ઈજાગ્રસ્તોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યો છું. – વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જગતિયાલમાં બસ અકસ્માતમાં થયેલા મોતથી ઘણું દુઃખ થયું છે. તે વિસ્તારમાં રહેતા કોંગ્રેસના કાર્યકરો જરૂરિયાતમંદોને તમામ પ્રકારની સહાય પૂરી પાડે. મૃતકોને પરિવારજનો અને ઈજાગ્રસ્તોની સાથે મારી પ્રાર્થનાઓ છે. – રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ.

૧૧.૪૫ કલાકે સવારે અકસ્માત સર્જાયો

૬૦થી વધુ પ્રવાસી બસમાં સવાર હતાં

૫૫ કુલ પ્રવાસીનાં મોત

૦૭ બાળકનાં મોત

૨૯ મહિલાનાં મોત

૩૬ પ્રવાસીને ઇજા

૧૨ થી વધુ પ્રવાસીની સ્થિતિ ગંભીર