2016ના વર્ષમાં રૂ. 590 અબજની કૃષિ લોન 615 ખાતાઓમાં ગઇ...! - Sandesh
  • Home
  • Business
  • 2016ના વર્ષમાં રૂ. 590 અબજની કૃષિ લોન 615 ખાતાઓમાં ગઇ…!

2016ના વર્ષમાં રૂ. 590 અબજની કૃષિ લોન 615 ખાતાઓમાં ગઇ…!

 | 1:12 am IST

૨૦૧૬ના વર્ષમાં રૂ.૫૯૦ અબજની કૃષિ લોન ૬૧૫ ખાતાઓમાં ગઇ હતી અને આમ દરેક ખાતામાં રૂ.૯૫ કરોડની કૃષિ લોનની રકમ ઉમેરાઇ હતી. રાઇટ ટુ ઇન્ફર્મેશન દ્વારા રિઝર્વ બેંકને કરવામાં આવેલી અરજીમાં આ માહિતી મળી હતી.  અન્ય સામાન્ય લોનની સરખામણીમાં કૃષિ લોન ઉપર વ્યાજનો દર ઓછો હોય છે અને અન્ય લોનની સરખામણીમાં પ્રમાણમાં ઓછી શરતોએ આવી લોન આપવામાં આવે છે. નાના અને સીમાંત ખેડૂતોને લોન મેળવવામાં આસાની રહે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યા હતા.

કિરણકુમાર વિસાવાએ જણાવ્યું હતું કે ધણી મોટી કંપનીઓ કૃષિ વ્યવસાયમાં સંકળાયેલી છે. તેઓ કૃષિ કેટેગરી હેઠળ લોન લે છે. રિલાયન્સ ફ્રેશ જેવી કંપની કૃષિ બિઝનેસ કંપનીની કેટેગરીમાં આવે છે. તેઓ કૃષિ ઉત્પાદનોની ખરીદી અને વેચાણમાં સંકળાયેલી છે.

આ કંપનીઓ ગોદામો બાંધવા કે આવી સંબંધિત પ્રવૃત્તિ માટે કૃષિ લોન લે છે. દેશના અમુક આર્થિક ક્ષેત્રોમાં વિકાસ જળવાઇ રહે તે જોવા અને આ બાબતને અગ્રતાક્રમ આપવાના પ્રયાસમાં રિઝર્વ બેંકે અન્ય બેંકોને આદેશ આપી તેમની કુલ લોનમાંથી ચોક્કસ રકમનો હિસ્સો કૃષિ, નાની અને મધ્યમ કંપનીઓ, નિકાસ ધિરાણ, શિક્ષણ, હાઉસિંગ અને રિન્યૂએબલ એનર્જી માટે ફાળવવા આદેશ આપ્યો છે. આ ધિરાણને પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ (પીએસએલ) નામ આપવામાં આવ્યું છે. પીએસએલ પોલીસી અનુસાર બેંકોએ તેમની કુલ લોનમાંથી ૧૮ ટકા લોન કૃષિ ક્ષેત્રને આપવાની રહે છે અને નાના તથા સીમાંત ખેડૂતોને આ લોન મળે તે જોવાનું રહે છે.

બેંકો કુલ લોનમાંથી મોટી ટકાવારીનો હિસ્સો કોર્પોરેટો અને મોટી કંપનીઓને આપે છે. આને પરિણામે જરૂરિયાતમંદ ખેડૂતો લોનથી વંચિત રહે છે. લોન મેળવવા માટે નિયમો હળવા હોવાથી પીએસએલ પોલીસી હેઠળ મોટી કંપનીઓ માટે લોન મેળવવાનું આસાન બની રહે છે. તદુપરાંત વ્યાજના દર પણ ઓછા હોય છે.   મુંબઇની એસબીઆઇની એક બેંક શાખાએ રૂ.૨૯.૯ કરોડની લોન ત્રણ ખાતાઓને આપી હતી અને આ જ બેંકે રૂ.૨૭ કરોડની લોન નવ ખાતાઓને આપી હતી. આ લોન કોને આપી તેના લાભાર્થીઓના નામ બેંકે જણાવ્યા ન હતા.

કૃષિ નિષ્ણાત દેવેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે મોટા કોર્પોરેટ ગૃહો પોતાને ખેડૂત તરીકે ઓળખાવે ત્યારબાદ તેમને સસ્તાં દરે કૃષિ લોન આપવામાં આવી રહી છે. આ કેવા પ્રકારના ખેડૂતો છે કે જેમને રૂ. એક અબજની લોન આપવામાં આવે છે એવો પ્રશ્ન કર્યો હતો. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) દ્વારા ૨૦૧૪-૧૫માં રૂ. ૮.૫ ટ્રિલિયનની કૃષિ લોન આપવામાં આવી હતી.

વર્ષોથી ખેલ ચાલી રહ્યો છે

વર્ષ ૨૦૦૭માં ૪૬૪ ખેડૂતોના ખાતામાં સરેરાશ ૭૪.૭ કરોડ રૂ. પ્રમાણે કુલ રૂ. ૪૩,૬૬૪ કરોડ જમા થયા હતા. નવ વર્ષ પછી ૨૦૧૬માં પ્રતિ ખેડૂત આંકડો વધીને રૂ. ૯૫.૨ કરોડ અને કુલ રકમ ૫૯,૦૦૦ કરોડની સપાટીએ પહોંચી છે. પ્રતિ વર્ષ દોઢ હજાર કરોડને હિસાબે રકમ વધતી રહી છે પણ દેશમાં ખેડૂતોની દશા નથી સુધરી રહી.  સવાલ એ ઉઠે છે કે કોઈ સીમાંત ખેડૂત કરોડોનું ધિરાણ ના મેળવી શકે. તેવામાં સરકાર ખેડૂતો અને કૃષિ ધિરાણને નામે એગ્રો કોર્પોરેટના હીત સાચવી રહી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન