સુશાંતના બે CAનાં ખાતાંમાં ૨.૬૩ કરોડ ટ્રાન્સફર : ૨.૫ કરોડની એફડી પણ તોડાવાઈ   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sushant
  • સુશાંતના બે CAનાં ખાતાંમાં ૨.૬૩ કરોડ ટ્રાન્સફર : ૨.૫ કરોડની એફડી પણ તોડાવાઈ  

સુશાંતના બે CAનાં ખાતાંમાં ૨.૬૩ કરોડ ટ્રાન્સફર : ૨.૫ કરોડની એફડી પણ તોડાવાઈ  

 | 12:04 am IST

સુશાંતસિંહ રાજપૂત મોત મામલે ઈડીની રિયા ચક્રવર્તીની પૂછપરછમાં નાણાકીય હેરાફેરીના ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પૂછપરછ દરમિયાન રિયાએ ઈડીની ટીમને જણાવ્યું હતું કે સુશાંતનાં ખાતાંમાંથી મે ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ની વચ્ચે માર્ચમાં લગભગ ૨.૬૫ કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર સુશાંતે પોતાની બે બહેનના નામે ૪.૫ કરોડની એફડી કરાવી હતી પરંતુ તેના બે જ દિવસ પછી આ બન્ને એફડીમાંથી ૨.૫ કરોડની રકમ તોડવામાં આવી હતી અને ૨૮ નવેમ્બરે ૧-૧ કરોડની ૨ એફડી કરાવવામાં આવી હતી.

રિયાના પરિવારનો આરોપ છે કે રિયા ચક્રવર્તીના ઈશારે બન્ને સીએનાં ખાતાંમાં ૨.૬૩ કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી તથા એફડીમાંથી ૨.૫ કરોડ તોડવામાં આવ્યા હતા. તે ઉપરાંત સુશાંતની કંપનીના હિસાબ-કિતાબ, બેન્ક ખાતાં અને જમા રકમના ગણિતમાં પણ ઘણી સંદિગ્ધ લેવડદેવડના પુરાવા ઈડીને મળ્યા છે પરંતુ રિયા આ સવાલના સંતોષકારક જવાબ આપી શકી નહોતી. ઈડીએ રિયાની લગભગ ૮ કલાક પૂછપરછ કરી હતી. રિયા મુંબઈના પોશ વિસ્તારમાં પોતાના બે ફ્લેટ અંગે પણ સંતોષકારક જવાબ આપી શકી નહોતી. ઈડીની પૂછપરછ દરમિયાન રિયાએ એવું જણાવ્યું કે સુશાંતે મારી પર જે પૈસા વાપર્યાં હતા તે તેની મરજીથી કર્યું છે. રિપોર્ટ અનુસાર ઈડી હવે સોમવારે ફરી વાર રિયાને પૂછપરછ માટે બોલાવશે. ઈડીના સૂત્રોના જણાવ્યાનુસાર સુશાંત કેસની અત્યાર સુધીની તપાસમાં ઈડીને રિયાનાં ખાતાંમાં ૧૫ કરોડ રૂપિયા મળ્યા નથી. તેમણે કહ્યું કે ૧૫ કરોડ બીજે ક્યાંય ટ્રાન્સફર થયા હોવાની પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સુશાંતના પરિવારે રિયા પર ૧૫ કરોડની હેરાફેરની આરોપ લગાવ્યો છે. આ રૂપિયાએ રિયાએ પૂજા-પાઠને નામે ઉપાડયા હતા અને તંત્ર-મંત્ર માટે પણ પૈસા વાપર્યા હોવાનો આરોપ છે.

શિવસેનાની એન્ટ્રી । સુશાંતના પરિવાર સાથે સંબંધો સારા નહોતા : સંજય રાઉત

સુશાંતના આત્મહત્યાના કેસમાં હવે શિવસેનાની ગેસ્ટ એપિયરન્સ જેવી એન્ટ્રી થઈ છે. એક તરફ બિહાર પોલીસ અને સુશાંતના ચાહકો દ્વારા મુંબઈ પોલીસ અને સરકારની કામગીરી અંગે સવાલ કરવામાં આવી રહ્યા છે ત્યાં શિવસેના હવે બચાવ માટે મેદાને પડી છે. તાજેતરમાં શિવસેના નેતા સંજય રાઉતે બિહાર પોલીસ અને સુશાંતના પરિવારની ઝાટકણી કાઢી હતી. તેમણે એવું જણાવ્યું કે સુશાંત પિતાના બીજા લગ્નથી આઘાતમાં હતો અને આને કારણે તેના પિતા સાથેના સંબંધો બગડયા હતા. સુશાંત કેસમાં કેટલાક લોકો પરદા પાછળ રહીને પટકથા લખી રહ્યા છે. તેઓ સત્ય છુપાવવા માગે છે તેથી દબાણતંત્રનો સહારો લેવાઈ રહ્યો છે. સીબીઆઈના ખભે બંધૂક મૂકીને મહારાષ્ટ્ર સરકારને નિશાન બનાવાઈ રહી છે. બિહાર અને દિલ્હીમાં ગંદી રાજનીતિ રમાઈ રહી છે, મારું માનવું છે કે મહારાષ્ટ્ર સરકારની સામે ષડયંત્ર કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસ એક સક્ષમ દળ છે અને સચ્ચાઈ સામે લાવવાની પૂરી કોશિશ કરી રહી છે.

તેમણે લખ્યું કે મુંબઈ પોલીસ પર આરોપ લગાવીને બિહાર સરકારે કેન્દ્ર સમક્ષ સીબીઆઈ તપાસની માગ કરી દીધી અને ૨૪ કલાકની અંદર તે માગને માની પણ લેવામાં આવી, આ રાજ્ય સરકારની સ્વાયત્તતા પર સીધો હુમલો છે. સુશાંત કેસ થોડા સમય પૂરતો મુંબઈ પોલીસના હાથમાં રહ્યો હોત તો કંઈ આસમાન ન તૂટી પડત. પરંતુ આ રાજકીય રોકાણ અને દબાણની રાજનીતિ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે સુશાંત પ્રકરણની પટકથા પહેલેથી જ લખવામાં આવી હતી. મુંબઈ પોલીસ દુનિયાની સર્વશ્રેષ્ઠ તપાસ તંત્ર છે. મુંબઈ પોલીસ દબાણનો ભોગ બનતી નથી. આ સંપૂર્ણ રીતે પ્રોફેશનલ છે. શીના બોરા હત્યાકાંડથી માંડીને ૨૬-૧૧ ના મુંબઈ હુમલાનો જવાબ પણ મુંબઈ પોલીસે આપ્યો છે. પુરાવા એકઠા કરીને કસાબને ફાંસી સુધી પહોંચાડયો.

સુશાંત તેની બહેન પ્રિયંકાને દુષ્ટ ગણાવી હતી : રિયાએ અંગત ચેટ શેર કરી

રિયાએ સુશાંત સાથેની તેની અંગત ચેટ શેર કરી હતી. રિયાનું કહેવું છે કે જેમાં સુશાંતે તેની બહેન પ્રિયંકાને દુષ્ટ અને ષડયંત્રકારી ગણાવી હતી. રિયાએ મીડિયામાં સુશાંતની છેલ્લી નિશાની સમી એક તસવીર રિલીઝ કરી હતી જેની પર છિછોરે લખ્યું હતું સાથે સુશાંતના હસ્તલખાણવાળું એક પેજ પણ છે. રિયાએ લખ્યું કે મારી પાસે આ તસવીર અને સુશાંતના લખાણ સિવાય બીજું કશું નથી. તો બીજી તરફ રિયા અને સુશાંતની છેલ્લી વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી.

પેટ ડોગના ફજ બેલ્ટથી ગળું દબાવીને સુશાંતની હત્યા કરાઈ : અંકિત આચાર્ય

સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા અંકિત આચાર્યે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અંકિતનો દાવો છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેના પેટ ડોગના ફજ બેલ્ટથી તેનું ગળું દબાવીને હત્યા કરાઈ છે. તે કહે છે કે ગળે ફાંસો ખાવાના કિસ્સામાં હંમેશાં યૂ શેપનું નિશાન પડી જાય છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ગળું દબાવે છે ત્યારે ઓ શેપનું નિશાન પડે છે. સુશાંતના ગળા પર ઓ શેપનું નિશાન હતું. અંકિતે કહ્યું કે મારી પાસે સુશાંતની ડેડબોડીનો ફોટો છે અને હું મારી રીતે તપાસ કરી રહ્યો છું. હું દાવા સાથે કહી શકું છું કે કાતિલોએ ફઝ બેલ્ટ વડે તેનું ગળું દબાવ્યું હતું.

૮ વર્ષમાં ૭ ફિલ્મ ફ્લોપ છતાં રિયાએ કરોડોની કમાણી કરી લીધી?

રિયાએ એમટીવીના રિયાલિટી ટીવી શો ટીન દીવા દ્વારા ગ્લેમર જગતમાં પગ મૂક્યો હતો. ત્યાર બાદ તેણે દિલ્હીમાં એમટીવીના વીડિયો જોકી બનવા માટે ઓડિશન આપ્યું અને તેમાં સિલેક્ટ પણ થઈ હતી. રિયાની પહેલી ફિલ્મ તેલુગુ તુનેગા તુનેગા હતી જે ફ્લોપ થઈ હતી ત્યાર બાદ મેરે ડેડ કી મારુતિમાં, સોનાલી કેબલ, હાફ ગર્લફ્રેન્ડ અને સી યોર ઈવિલ, બેન્ચ ચોર, જલેબી સહિત ૭ ફિલ્મો ફ્લોપ નીવડી હતી. તેની ર્વાિષક કમાણી ૧૦-૧૫ લાખ છે તેમ છતાં પણ મુંબઈમાં તેના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. રિયા પર ૧૫ કરોડની હેરાફેરીનો પણ આરોપ છે.

ઈડીએ રિયાના ભાઈ શોવિકની ૨૦ કલાક પૂછપરછ કરી : આજે રિયાની ફરી પૂછપરછ કરાશે

ઈડીએ રિયાના ભાઈ શોવિકની ૨૦ કલાક પૂછપરછ કરી હતી. ઈડીના અધિકારીએ કહ્યું કે પીએમએલએ કાયદા હેઠળ શોવિકનું નિવેદન લેવાયું છે અને તેને તેના અંગત બિઝનેસ, આવક, રોકાણ અને નાણાકીય લેવડદેવડ અંગેના સવાલ કરાયા હતા. ઈડી હવે સોમવારે રિયાને ફરી પૂછપરછ માટે બોલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન