બોટલમાં કઇ રીતે સર્જાય પાણીનું વમળ - Sandesh

બોટલમાં કઇ રીતે સર્જાય પાણીનું વમળ

 | 1:48 am IST

પ્રયોગની દુનિયા ઘણી જ અદ્ભુત અને નિરાળી છે, અહીં તમને અચંબિત કરી દે તેવા પ્રયોગ વિશે જાણ થાય છે, સાથે સાથે તે પ્રયોગ કરવામાં કેટલો સહેલો છે તેના વિશે પણ જાણ થાય છે. આવું જ જાદુનંુ પણ છે, જાદુ જોવાથી જાદુગરની કરામત ઉપર આપણને નવાઇ લાગે પણ ખરેખર તેની અંદર પણ એક પ્રકારનું વિજ્ઞાાન જ સમાયેલું હોય છે જે જાદુગરને જાદુ કરવામાં મદદગાર થાય છે. પ્રયોગનું પણ કંઇક એવંુ જ છે, તમે પ્રયોગ તેની ચોક્કસ રીતથી કરો તો તેનંુ પરિણામ પણ અચંબિત કરી દેતું આવે જ છે, અને સાથે સાથે મજા પણ આવે છે.

આજે આપણે પાણીની બોટલમાં ગોળ વમળ કઇ રીતે ઉત્પન્ન થાય તે વિશે જાણીશું. વમળ દરિયામાં ઉત્પન્ન થતાં સાંભળ્યા છે, અને ટીવીમાં જોયા પણ હશે, પરંતુ પાણીની બોટલમાં પણ તે ઉત્પન્ન થતાં હોય છે. તે કઇ રીતે થાય છે તેના વિશે વિગતે જાણીએ.

પ્રયોગ માટે જરૂરી વસ્તુ

આ પ્રયોગ માટે તમારે એક મોટી સાઇઝને કોલ્ડ્રિંકની ખાલી બોટલની જરૂર પડશે, તેમજ પાણી ખાલી કરવા નાની ડોલ, પાણી અને સ્ટોપવોચ આમ ચાર વસ્તુ વડે તમે આજનો પ્રયોગ કરી શકશો.

પ્રયોગ કઇ રીતે કરશો

સૌપ્રથમ પ્લાસ્ટીકની મોટી બોટલમાં પાણી ભરી લેવું. પાણી વડે આખી બોટલ ભરી લેવી.

ત્યારબાદ પ્લાસ્ટીકની નાની ડોલ બોટલનું પાણી ખાલી કરવા માટે તમારી પાસે રાખવી.

હવે પછીના સ્ટેપમાં તમારી પાસે રહેલી સ્ટોપવોચમાં બરાબર ટાઇમ સેટ કરો અને સ્ટોપવોચ ચાલુ કરી દો

પ્લાસ્ટીકના પાણીથી ભરેલી બોટલને ડોલ ઉપર ઊંધી કરીને ધીમેથી તેનું ઢાંકણું ખોલી દો.

ઢાંકણંુ ખુલ્યા બાદ પાણી ખાલી ન થાય ત્યાં સુધી બોટલને ડોલ ઉપર ઊંધી પકડી રાખો અને બીજી તરફ સ્ટોપવોચમાં સમય જોતા રહો.

શું થશે

મોટી પાણીથી ભરેલી પ્લાસ્ટીકની બોટલ ઉપરથી જેવું તમે ઢાંકણું ખોલશો કે તરત પાણી બહારની તરફ આવવા લાગશે, આ પાણી એટલી સ્પીડ અને તાકાતથી બહારની તરફ આવતું હશે કે બોટલની અંદર તમને પાણીના ગોળ ગોળ વમળ થતા દેખાશે. આ બિલકુલ દરિયામાં થતા વમળની નાની કોપી જેવું લાગતું હશે. વળી તમને એ પણ જોવા મળશે કે બોટલમાં રહેલું પાણી કેટલા સમયમાં બહાર આવે છે. બોટલમાંથી બહાર આવતા પાણીમાં ગોળ વમળ શા કારણોસર થાય છે તે વિશે જાણીએ.

કારણ

બોટલ જ્યારે આખી ભરેલી હોય ત્યારે પાણી દ્વારા બોટલની અંદરનો સમગ્ર ભાગ રોકી લેવામાં આવે છે. હવે જ્યારે તમે બોટલને ડોલમાં ઊંધી કરીને ખાલી કરતાં જશો ત્યારે આગળથી પાણી ઓછું થતું જશે તેમ તેમ પાછળનું પાણી તે જગ્યાએ આવવા ધસારો કરશે, ખાલી જગ્યાએ આવવા માટે ધસારો કરતાં પાણીના કારણે પાણીની બોટલની અંદર પાણી ગોળ વમળની જેમ ફરવા લાગશે અને તે કારણે જ બોટલમાં જાણે પાણીનું ગોળ વમળ સર્જાતું હોય તેવંુ દ્રશ્ય સર્જાશે. જેમ પાણીની બોટલમાં આ વસ્તુ બને છે તે જ રીતે વાવાઝોડું અને ચક્રવાતમાં પણ આ જ વસ્તુ બને છે, અલબત્ત તેમાં ઉપરની તરફ હવાનું વમળ સર્જાતું હોય છે જ્યારે અહીં નીચેની તરફ સર્જાય છે.