કેલેન્ડરમાં એક દિવસ, રાજકારણમાં બારેમાસ... બોલો શું?!   - Sandesh
  • Home
  • Columnist
  • કેલેન્ડરમાં એક દિવસ, રાજકારણમાં બારેમાસ… બોલો શું?!  

કેલેન્ડરમાં એક દિવસ, રાજકારણમાં બારેમાસ… બોલો શું?!  

 | 1:38 am IST

રિવરફ્રન્ટની પાળેથી :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

વિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઇને એક દિવસ પોતાના એક સાથીમિત્રને મૂરખ બનાવવાનું નક્કી કર્યું. ટ્વેઇને પેલાને એક બંધ કવર આપતાં કહ્યું : ”આ કવર તું ઘરે જઈને ખોલજે અને એમાં જે લખ્યું હોય એને તું તારી માલિકી સમજજેશ્ ત્યારે સાથી મિત્રે ટ્વેઇનના ખભા પર હાથ મૂકતાં કહ્યું : શ્યાર, આપણી વચ્ચે ક્યાં કશો પડદો છે? ઘરે જઈને ખોલું કે અહીં ખોલું, ફરક શું પડવાનો?”

આટલું કહી સાથીમિત્રે ટ્વેઇનની સામે જ કવર તોડયું. એમાંથી એક ચિઠ્ઠી નીકળી, જેમાં લખ્યું’તું – ‘મારા જેવો કોઈ ગધેડો નથી.’ ચિઠ્ઠી કવરમાં પાછી મૂકી કવર પેક કરી સાથીમિત્રે ટ્વેઇનને કવર પાછું આપતાં કહ્યું : ”સોરી યાર, મને કોઈની લાયકાતમાં ભાગ પડાવવો પસંદ નથી!”

બીજી જ ક્ષણે ટ્વેઇન પોતાના સાથીમિત્રની ખેલદિલી જોઈને મિત્રને ભેટી પડયો. (જોકે એ સમયે કોરોના વાઇરસ નહોતો એટલે ભેટવાનું સાહસ એ કરી શકેલો!)  આવું છે સાહેબ! મૂરખ બનાવનાર કરતાં મૂરખ બનનાર મહાન છે. વરસોથી જેટલી જેટલી સરકારો આવી છે એણે અકારણ તો પેલું સૂત્ર વહેતું નહીં જ કર્યું હોય ને કે મેરા ભારત મહાન!

બીજાની મજાક કરવી એ તો ‘લેડીઝ ફર્સ્ટ’ જેવી વૃત્તિ કહેવાય, પણ ખુદની મજાક કરવી અને અન્યની મજાકને ખેલદિલીથી સ્વીકારી લેવી એને મર્દોવાલી બાત કહેવાય. રાજકારણમાં પુરુષો ઘણા છે, મર્દો ઓછા છે. મર્દો જ નાની મોટી કોઈ મજાક કે રમૂજ સમજી શકતા હોય છે અને તેથી જ સહી શકતા હોય છે.

આવતીકાલે પહેલી એપ્રિલ – એક બીજાની મજાક કરવાનો સ્વાતંત્ર્ય દિવસ! જોકે એવો કોઈ નિયમ નથી કે એપ્રિલ મહિનાની પહેલી તારીખે જ જે મૂરખ બને એ જ સાચો મૂરખ! ના, સહેજ પણ નહીં. પહેલી એપ્રિલે તો આપણે એકબીજાનો આ રીતે સાક્ષાત્કાર કરીએ છીએ, બાકી નહીં જાહેર થઈને તો આપણે આખું વરસ ખેંચી કાઢીએ છીએ! કહેવાય છે કે કોઈને વિદ્વાન બનાવવા કરતાં મૂરખ બનાવવાનું કામ ખરેખર અઘરું છે. કોઈને વિદ્વાન તો આમ ચપટીમાં બનાવી શકાય છે. મોટા કોઈ સભાગૃહમાં મંચ પર ઊભા રહી આપણે બેધડક બોલી શકીએ કે ‘અત્રે પધારેલા આપણા અતિથિવિશેષ શ્રી ફલાણાભાઈ મહાન વિદ્વાન છે’, પણ એવું કંઈ થોડું બોલાય કે ‘અત્રે પધારેલા આપણા અતિથિ વિશેષ શ્રી ફલાણાભાઈ મહાન મૂરખ છે?!’ આનો અર્થ એ થયો કે વિદ્વાન બનાવી દેવાય છે, અને મૂરખ બની જવાય છે. કોઈ આપણને બનાવે એમાં આપણી બિનઆવડત જાહેર થાય છે, પણ આપણે ખુદ બનીએ એમાં આપણી બૌદ્ધિક મહેનત જાહેર થાય છે, ફરક તો પડેને સાહેબ!

કહેવાય છે કે સર નામના એક વાર્તાકારે ૧૩૯૨માં Canterbury Tales નામનો એક વાર્તાસંગ્રહ બહાર પાડયો, જેમાં પહેલીવાર એણે મૂર્ખતા અને પહેલી એપ્રિલ વચ્ચેના સૂક્ષ્મ સંબંધની વાત કરી. કોઈએ સરને પૂછયું : ‘તમારી વાર્તાઓમાં મોટાભાગનાં કેરેક્ટર્સ પહેલી એપ્રિલે જ કેમ મૂર્ખ જેવું વર્તન કરે છે?’ ત્યારે સરે કહેલું કે, ‘એ જ મોટો યોગાનુયોગ છે કે એ બધાં પાત્રો કોઈને કોઈ વર્ષની પહેલી એપ્રિલે જ જન્મેલાં છે!’ ત્યારે પેલાએ બીજો પ્રશ્ન પૂછયો : ‘તમને આવો શ્રેષ્ઠ આઇડિયા કેવી રીતે આવ્યો?’ સરે ધીમેથી સ્મિત કરતાં કહ્યું : ‘મારો જન્મ પણ પહેલી એપ્રિલે જ થયેલો!’

અલગ અલગ દેશોમાં એપ્રિલફૂલની અસર અલગ અલગ સમયે થતી હોય છે. કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુ.કે., ઓસ્ટ્રેલિયા, સાઇપ્રસ અને સાઉથ આફ્રિકામાં ‘એપ્રિલફૂલ’નો મહિમા બપોર સુધી જ જોવા મળે છે. બપોર સુધીમાં તમે ગમે તેને (અને હા, ના ગમે તેને પણ!) એપ્રિલફૂલ બનાવી શકો. પણ બપોરના બાર વાગ્યા પછી જો તમે કોઈને એપ્રિલફૂલ બનાવો તો લોકો તમારા પર મજાક કરીને તમને જ એપ્રિલફૂલ સમજે! આ બધા દેશોમાં આવો રિવાજ કદાચ એટલા માટે હશે કે બપોરના બાર વાગ્યા સુધીમાં મોટા ભાગના માણસો પ્રફુલ્લિત હોય છે. સાઇકો-હાઇજીન તો એવું કહે છે કે સૂર્યોદયથી મધ્યાહન સુધી માણસમાં સમજશક્તિ અને સહનશક્તિ સારા પ્રમાણમાં હોય છે. આ સંદર્ભે ન્યુ ચાણક્યનો એવો મત છે કે ઘરેલું હિંસા અને ફેમિલી કોર્ટને કાયમ માટે લોકડાઉન કરી દેવાં હોય તો લગ્નનો સમય સૂર્યોદયથી મધ્યાહન્ સુધીનો જ રાખવો જોઈએ!

કેટલાક એવાય દેશો છે જ્યાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તમે ગમે ત્યારે કોઈપણને એપ્રિલફૂલ બનાવી શકો છો. ફ્રાન્સ, ઇટલી, સાઉથ કોરિયા, જાપાન, રશિયા, જર્મની, નેધરલેન્ડ, બ્રાઝિલ અને યુ.એસ. જેવા દેશોમાં મૂર્ખ બનવા કે બનાવવામાં સમયની કોઈ જ મર્યાદા નથી. તમને થશે કે આ બધા દેશોમાં ભારતનું નામ કેમ ક્યાંય આવ્યું નહીં? અરે ભ’ઈ, આ બાબતે આપણે સમયના ભેદભાવમાં માનીએ છીએ જ ક્યાં? આપણે ત્યાં માત્ર પહેલી એપ્રિલ પૂરતા જ નહીં, પૂરા જીવન દરમિયાન કોઈને ને કોઈને મૂર્ખ, કાંતો બનાવતા રહીએ છીએ, કાંતો આપણને મૂર્ખ બનાવવાનો ચાન્સ એમને આપતા રહીએ છીએ – જેવી જેની સહનશક્તિ!

આપણા લોકો મૂર્ખ બનવા કે બનાવવા માટે પહેલી એપ્રિલની રાહ જોઈને બેસી રહે એટલા આળસુ નથી. એ તો કોઈપણ ક્ષણે, કોઈપણને પ્રેમથી મૂર્ખ બનાવી લે અથવા સ્વયં બની પણ શકે! ચૂંટણીઓ પહેલાં રાજકીય પક્ષો જે વચનો આપે છે એ પણ મોટા ભાગના લોકોને તો પહેલી એપ્રિલની જ યાદ અપાવે છે. કહેવાતા કેળવણીકારો, સમાજસુધારકો અને આચારવિહોણા વિચારપુરુષો પ્રવચનોનો પ્રહાર કરતા રહે છે એ પણ એપ્રિલફૂલનો મહિમા કેટલો મનનીય અને સાત્ત્વિક હોય છે એની જ યાદ અપાવતા રહે છે ને! શિક્ષણ વિભાગમાં કે નાણાં વિભાગમાં જ્યારે નીતિઓ ઘડાતી હોય છે ત્યારે પણ એપ્રિલની પહેલી તારીખને સાર્થક કરવા માટે જ ઘડાતી હોય એવું વરસના અંતે લાગવા માંડે છે! સંસદમાં કે વિધાનસભામાં થતી આક્ષેપબાજી – ક્યારેક અવસર મળે મરદહસ્તે થતો છૂટાહાથનો હસ્તમેળાપ – આવાં તો કેટલાંય લાગણીસભર દૃશ્યો જોવા મળે! આશ્ચર્યની વાત તો ત્યાં આવે છે સાહેબ, કે પછીના કલાક બાદ એ જ મહાનુભાવો સરકારી કેન્ટીનમાં સાથે બેસીને કંઈક ને કંઈક ‘ખાતા’ જોવા મળે છે ત્યારે એપ્રિલફૂલ કોને કહેવાય એનો જવાબ ભોળી જનતાને મળી જતો હોય છે.

અમેરિકાના કેટલાક ભાગમાં લોકોને તો ખબર જ નથી કે, આ એપ્રિલફુલ કઈ બલાનું નામ છે! આનો એક અર્થ એ થાય કે લોકો દરરોજ જેવું જીવતા હોય એમને એવા જ એકાદ દિવસનું ઇમ્પોર્ટન્સ ના હોય એ સ્વાભાવિક છે. બીજો અર્થ એવો પણ થાય કે ‘આવો એકાદ દિવસ ઊજવીને દુનિયા સામે આપણે ઉઘાડા શા માટે પડવું? તનથી ભલે ઉઘાડા પડીએ, મન કે દિમાગથી ઉઘાડા પડવામાં જોખમ છે’ આવું સમજીને પણ એ લોકો પહેલી એપ્રિલને મહત્ત્વ આપતા ન હોય એ બનવા જોગ છે!

પોલેન્ડ જેવા દેશમાં તો પહેલી એપ્રિલે કોઈપણ ‘સિરિયસ’ કહેવાય એવાં કામ કરવા પર પ્રતિબંધ મૂકાઈ જાય છે. આ દિવસે સિરિયસ કામ નહીં એટલે નહીં. આપણે ત્યાં આવું નથી કેમ કે દિવસો વચ્ચે વર્ગવિગ્રહ થાય એવો ભેદભાવ આપણે ત્યાં નથી. આપણે દરેક દિવસને મહત્ત્વ આપીએ છીએ. આપણા મોટાભાગના લોકોની ખૂબી એ છે કે આપણે દિવસને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, સમયને નથી આપતા. સિરિયસ કામ નહીં કરીને, માત્ર પહેલી એપ્રિલને જ ક્રેડિટ આપવામાં આપણે નથી માનતા. આપણે તો ત્રણસો પાંસઠે પાંસઠ દિવસને આવી ક્રેડિટ આપવામાં માનીએ છીએ. વળી, કોરિયા જેવા દેશમાં તો પહેલી એપ્રિલનું એટલું બધું મહત્ત્વ છે કે ત્યાંના રાજપરિવારને અને અધિકારીઓને આ દિવસ પૂરતું (રિપીટ : ‘આ દિવસ’ પૂરતું) જ જૂઠ્ઠું બોલવાની અને પબ્લિક સાથે મજાક કરવાની પરમિશન મળે છે. બોલો, આની તુલનામાં આપણે ત્યાં કેટલાંક રાજકારણીઓ અને અધિકારીઓને આ બાબતે કેવું સુખ છે!!

ચૂસકી :  

યક્ષ : આટલા સમયના ‘લોકડાઉન પર્વ’માં મોટાભાગના પુરુષ વર્ગે કઈ સિદ્ધિ મેળવી હશે?

યુધિષ્ઠિર : અવસર મળ્યે પુરુષ પણ સ્ત્રી-સમોવડો થઈ શકે છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન