કોરોના સંક્રમણનાં કેસમાં બ્રાઝિલ રશિયાને પછાડીને બીજા નંબરે - Sandesh
  • Home
  • World
  • કોરોના સંક્રમણનાં કેસમાં બ્રાઝિલ રશિયાને પછાડીને બીજા નંબરે

કોરોના સંક્રમણનાં કેસમાં બ્રાઝિલ રશિયાને પછાડીને બીજા નંબરે

 | 1:05 am IST

। બ્રાઝિલિયા ।

કોરોનાએ આખા વિશ્વને બાનમાં લીધું છે ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યામાં રશિયાને પછાડીને બ્રાઝિલ બીજા નંબરે પહોંચ્યું છે. અમેરિકામાં સૌથી વધુ સંક્રમિતો છે. WHO એ ચેતવણી ઉચ્ચારી છે કે લેટિન અમેરિકાનાં દેશોમાં બ્રાઝિલ કોરોનાનું બીજું એપી સેન્ટર બન્યું છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા રશિયા કરતા વધીને ૩,૩૨,૩૮૨ની થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૮૦૩ નવા કેસ આવતા સરકારની ચિંતા વધી છે અને લોકોમાં ગભરાટ ફેલાયો છે. મૃતદેહો હટાવવા બ્રાઝિલમાં કોઈ માણસો નહીં મળતા ૩૦ કલાક સુધી લાશો રસ્તા પર રઝળતી જોવા મળી છે.

છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૧૦૦૧ લોકોનાં મોત થયા છે. કુલ મૃતકોનો આંક વધીને ૨૧,૧૧૬ થયો છે. દક્ષિણ અમેરિકામાં કુલ ૫,૮૦,૦૦૦ કેસ બહાર આવ્યા છે જ્યારે ૨૯,૪૪૪નાં મોત થયા છે. રશિયામાં કુલ ૩,૨૬,૪૪૮ કેસ નોંધાયા છે જ્યારે ૩૨૪૯નાં મોત થયા છે. ૮૮૯૪ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં સૌથી વધુ ૯૭, ૬૫૫ મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોનાથી કુલ ૫૩,૪૦, ૧૯૨ લોકોને સંક્રમણ થયું છે જ્યારે ૩,૪૦,૭૩૫નાં મોત થયા છે. ૨૧,૭૮, ૮૬૨ લોકો સારવાર પછી સાજા થયા છે. જ્યારે ૨૮,૨૦, ૫૯૫ સક્રિય કેસો છે.

મેક્સિકોમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૭૯નાં મોત

લેટિન અમેરિકામાં બ્રાઝિલ પછી મેક્સિકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં શુક્રવારે એક જ દિવસમાં ૪૭૯નાં મોત થયા છે. જ્યારે નવા ૨૯૬૦ કેસ નોંધાયા છે.

ચીનમાં પહેલીવાર કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

ચીનનાં અત્યાર સુધીમાં પહેલીવાર સંક્રમણનો નવો કેસ બહાર આવ્યો નથી. શનિવારે એકપણ નવો કેસ નોંધાયો ન હતો. જેને સરકારની મોટામાં  મોટી સફળતા માનવામાં આવે છે. કોરોનાની શરૂઆત ચીનનાં વુહાન શહેરમાં થઈ હતી. ગયા ડિસેમ્બરમાં અહીંથી વાઈરસ આખા વિશ્વમાં ફેલાયો હતો જેણે અત્યાર સુધીમાં લાખોનાં ભોગ લીધા છે. ચીનમાં ૮૨,૯૭૧ લોકોને સંક્રમણ થયું છે જ્યારે ૪૬૩૪નાં મોત થયા છે.

કોરોના કાર્ડ

  • કેનાડામાં કોરોના સંક્રમિતોની તપાસ કરવા રોજ ૩૬૦૦ લોકોનાં ટેસ્ટ કરવાનું નક્કી કરાયું છે.
  • બાંગ્લાદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનાં ૧૮૭૩ નવા કેસ નોંધાયા છે. કુલ કોરોનાગ્રસ્તો ૩૨,૦૭૮ છે. કુલ ૪૫૨નાં મોત થયા છે.
  • તુર્કીમાં ૨૫મી માર્ચ કોરોના સંક્રમિતોનાં કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૫૨ નવા કેસ બહાર આવ્યા છે.

કોરોના મહામારીથી વિશ્વનાં ૮ કરોડ નવજાત બાળકો વેક્સિનથી વંચિત : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે વિશ્વમાં જન્મેલા ૮ કરોડ નવજાત બાળકોને વેક્સિન આપી શકાતી નથી. સમગ્ર વિશ્વની આરોગ્ય સેવાઓ હાલ ખોરવાઈ ગઈ છે. બાળકોને ડિપ્થેરિયા, પોલિયો અનેમિઝલ્સ જેવી બિમારી સામે રક્ષણ આપતી રસી આપી શકાતી નથી. એક વર્ષની ઓછી ઉંમરનાં બાળકોને રસી આપવાનું કામ ૬૮ દેશમાં ખોરવાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન