બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમતનો ફાળો - Sandesh
NIFTY 10,988.45 -30.45  |  SENSEX 36,499.47 +-42.16  |  USD 68.6150 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમતનો ફાળો

બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમતનો ફાળો

 | 7:09 am IST

બાળઉછેર । રાજુલ દેસાઈ

આજે વિદ્યાર્થીઓ ભણતર તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરવા માટે એક પ્રકારનું દબાણ અનુભવે છે એ એક કડવી વાસ્તવિકતા છે. માતા-પિતા પણ પોતાના સંતાનના સર્વાંગી વિકાસની મહેચ્છા રાખતાં થઈ ગયા છે. સર્વાંગી વિકાસમાં રમતગમત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઘણી શાળાઓમાં નવા અભ્યાસક્રમો અને કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. તેમાં રમતગમત, ખેલકૂદ વધુ ને વધુ લોકપ્રિય થતાં જાય છે. તેથી જ બેડમિન્ટન-પ્લેયર પી. વી. સિંધુ અને ફ્રી-સ્ટાઈલ- રેસલર સાક્ષી મલિકને દેશની પ્રજાએ સારું પ્રદર્શન કરવા બદલ વધાવી લીધી હતી. એક ઊગતો ખેલાડી કહે છે, ”જ્યારે હું મારી શાળાની બેડમિન્ટન-ક્લબમાં જોડાયો ત્યારે મને પોતાને ખાસ કોઈ રસ ન હતો. શરીરને મજબૂત બનાવવા અને માતા-પિતાની ઈચ્છાને માન આપીને હું તેમાં ગયો હતો, પરંતુ હવે મને તેમાં રસ જાગ્યો છે અને હું પ્રોફેશનલ ટ્રેનિંગ લઈને તેમાં કરિયર બનાવવા માગું છું.” આ ખેલાડી આજે ૨૧ વર્ષનો છે અને તે ઘણી સ્થાનિક અને જિલ્લાની સ્પર્ધાઓ જીત્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેલકૂદ શાળાની મહત્ત્વની ઈતર પ્રવૃત્તિ બની ગઈ છે. પહેલાં તે શૈક્ષણિક કરતાં મનોરંજક-પ્રવૃત્તિ વધારે ગણાતી હતી, પરંતુ સમય જતા તે પરિસ્થિતિ બદલાઈ ગઈ. માતા-પિતા પોતાના સંતાનોના મનો-શારીરિક વિકાસ માટે તેને મહત્ત્વ આપવા લાગ્યા. ખેલકૂદનું શિક્ષણ શારીરિક સુદૃઢતા અને વિકાસની સાથેસાથે બાળકોમાં બીજી પણ જીવન-જરૂરી કુશળતા ખીલવે છે. તેમાં ટીમવર્કની ભાવના ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

હવે કોચિંગ-ઈન્સ્ટિટયૂટ્સ અને સ્પોર્ટ્સની સુવિધા આપતી શાળાઓની સંખ્યા વધતી જાય છે. વિદ્યાર્થીઓના માતા-પિતાનું વલણ પણ આ બાબતમાં પ્રોત્સાહનભર્યું થતું જાય છે. માતા-પિતા હવે સમજવા માંડયા છે કે, ખેલકૂદ તેઓના સંતાનોમાં સારું સ્વાસ્થ્ય, ટીમવર્ક, હિંમત, સાહસ, સહિષ્ણુતા જેવા ગુણો ખીલવશે. માતા-પિતા ખેલકૂદને કરિયરના એક વિકલ્પ તરીકે જોવા માંડયા છે અને તેઓ તેમના સંતાનોના રસ-રુચિ જોઈને એ પ્રમાણે પ્રોત્સાહન આપે છે. છતાં આપણા દેશમાં હજી આ દિશામાં વધુ જાગૃતિ લાવવાની જરૂર છે, પરંતુ જે માતા-પિતા આ વાત સમજે છે તેઓ પોતાના પાલ્યને શાળામાં દાખલ કરતાં પહેલાં શાળાની સુવિધાઓ વગેરેની પૂરી તપાસ કરે છે. એક વાલી આ વિશે વાત કરતા કહે છે, ”બાળકોને હોકી, ક્રિકેટ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, સ્વિમિંગ, ટેનિસ, સ્ક્વોશ વગેરેનો અનુભવ આપવો જરૂરી છે. તેનાથી તેઓનું વ્યક્તિત્વ સુદૃઢ બને છે. શારીરિક કેળવણીના એક પ્રાધ્યાપક કહે છે, ”માનવીય સભ્યતાનું મુખ્ય ધ્યેય નાગરિકોનું ચારિત્ર્ય ઘડતર છે. આ ધ્યેય સ્વસ્થ, મજબૂત શરીર દ્વારા પૂરું થઈ શકે છે. શાળાઓમાં મહત્ત્વની બધી જ રમતો અંગે સુવિધા હોવી જોઈએ. વાર્ષિક રમત-સ્પર્ધાઓ યોજીને શાળાઓએ આ બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રકારની પ્રવૃત્તિ બાળકોને શીખવાની તક આપવા ઉપરાંત સ્વસ્થ, તંદુરસ્ત સ્પર્ધક બનતા શીખવે છે.”

પુસ્તકીય જ્ઞાાનને વિદ્યાર્થીઓની સફળતા માટે મહત્ત્વનું ગણવામાં આવે છે, પરંતુ ખેલકૂદ તેઓમાં નેતૃત્વ-શક્તિ, સહિષ્ણુતા, સહકાર અને ટીમ-સ્પિરિટના ગુણો ખીલવે છે. એક શાળાના આચાર્ય કહે છે, ”વિદ્યાર્થીઓને ખેલકૂદમાં સક્રિય બનાવવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે, તેઓ વ્યવસ્થિત અને શિસ્તમય બને છે. ખેલકૂદમાં હાર અને જીત બંને હોય છે. સ્પર્ધાનો જુસ્સો વિદ્યાર્થીના મનમાં જન્મે છે અને તે તેઓને હારનો સામનો કરવા તૈયાર કરે છે. ખેલકૂદ તેઓના શરીરને તંદુરસ્ત બનાવે છે. તેઓ ટીમવર્કથી પરિચિત થાય છે. શાળાનો આ અનુભવ તેઓને ભવિષ્યમાં સારો કામ લાગે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેઓ ખેલકૂદમાં પોતાની કરિયર બનાવી શકે છે.”

વિદ્યાર્થીઓમાં ખેલકૂદ પ્રત્યે જાગૃતિ લાવવાના ઈરાદાથી ઘણી શાળાઓમાં ‘ફિઝિકલ-એજ્યુકેશન’ નામનો વિષય શરૂ કર્યો છે. આ વિષય વૈકલ્પિક હોય છે. તે લઈને વિદ્યાર્થીઓ શાળામાં શારીરિક પ્રવૃત્તિ કરતા થાય છે અને આગળ જતાં કોઈક રમત પસંદ કરીને તેમાં આગળ જવાનો નિર્ણય લે છે. આમ થિયેરિટકલ અને પ્રેક્ટિકલ એમ બંને પ્રકારનું જ્ઞાાન તેઓને મળે છે.

ઘણાં વિદ્યાર્થીઓ એકેડેમિક્સમાં સારા હોય છે, પરંતુ રમતગમતમાં શૂન્ય હોય છે. દિવસની એકાદ કલાકની ફિઝિકલ-ટ્રેનિંગ પણ તેઓ માટે ઉપયોગી સાબિત થાય છે. તેઓ શારીરિક રીતે ચુસ્ત-તંદુરસ્ત રહે છે અને ખેલકૂદ વિશે માહિતગાર બને છે. આ માટે શાળામાં તાલીમબદ્ધ વ્યાયામ શિક્ષકો હોવા જરૂરી છે.

આજે છોકરા-છોકરીઓ બંને સમાન રીતે ખેલકૂદમાં પ્રદર્શન કરી રહ્યા છે. સાઈના નેહવાલ, મેરિકોમ, પી. વી. સિંધુ જેવી યુવતીઓ દેશનું નામ રોશન કરી રહી છે. એક વાલી કહે છે, ”બાળકો શરૂઆતમાં ઘણાં આળસુ હોય છે, પરંતુ ખેલકૂદમાં ગયા બાદ તેઓ ઘણાં મહેનતુ બની જાય છે. તેઓની દૃઢતા, આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિ વધે છે. તેઓ સહકારભર્યા પણ બને છે.” ખેલકૂદમાં પૈસા પણ સારા મળતા હોવાને કારણે તે કરિયર માટેનો એક સારો વિકલ્પ બની છે. અન્ય એક વાલી છોકરીઓને પોતાના રક્ષણ માટે માર્શલ-આર્ટ્સમાં તૈયાર કરવાની વાત કરે છે. સમાજમાં સ્ત્રીઓ સામેના ગુના વધતા જાય છે. તેનો સામનો કરવા માટે માર્શલ-આર્ટ્સ ઉપયોગી છે.