ઠંડીમાં રક્ષણ તો આપશે જ સાથેસાથે સ્ટાઇલમાં પણ હિટ સ્વેટ શર્ટ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ઠંડીમાં રક્ષણ તો આપશે જ સાથેસાથે સ્ટાઇલમાં પણ હિટ સ્વેટ શર્ટ

ઠંડીમાં રક્ષણ તો આપશે જ સાથેસાથે સ્ટાઇલમાં પણ હિટ સ્વેટ શર્ટ

 | 2:40 am IST

ટ્રેન્ડ :- મૈત્રી દવે

ઠંડીની સિઝન શરૂ થાય એટલે માનુનીઓને મોટી તકલીફ એ હોય કે આપણાં સારાંસારાં કપડાં ઠંડીના કારણે સ્વેટર પાછળ ઢંકાઇ જતાં હોય છે. સારાંસારાં કપડાં શિયાળામાં પહેરવાનો કોઇ મતલબ જ નથી રહેતો, કેમ કે તે દેખાવાનાં જ નથી હોતાં. અને આ કારણે એક જ પ્રકારનાં જેકેટ કે સ્વેટરમાં સજ્જ આપણે આખો શિયાળો તેનાથી એટલા બધા કંટાળી જઇએ છીએ કે ન પૂછો વાત. વળી તકલીફ એ પણ હોય કે શાલ ઓઢવીય આજકાલની યુવતીઓને નથી ગમતી. અરે, હવે તો આપણાં મમ્મીએ અને દાદીએ પણ શાલને બદલે સ્વેટર પહેરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે તે આઉટડેટેડ ફેશનવાળી શાલ યુવાન છોકરીઓ તો શી રીતે ઓઢી શકે. અને ઠંડી વધારે હોવાને કારણે સ્વેટર વગર રહી પણ નથી શકાતું, આવા સમયે ફેશનને ત્યજી દેવી જ પડતી હોય છે. જોકે, હવે આનો ઉપાય પણ બજારમાં આવી ગયો છે. હવે યુવતીઓ પોતાની સ્ટાઇલને મેનેજ કરીને સ્વેટ શર્ટની પસંદગી કરી શકે છે, જેને પહેરવાથી તેઓ બોરિંગ બની જતાં વિન્ટરવેરથી તો છુટકારો મેળવી જ શકશે સાથેસાથે સ્ટાઇલિશ કપડાં પહેરવાની તેમની ચાહ પણ પૂરી થશે.

આજકાલ અવનવાં જેકેટ્સ પણ માર્કેટમાં આવી ગયાં છે જેને પહેરતાં સ્ત્રીની આખી પર્સનાલિટી બદલાઇ જતી હોય છે, જ્યારે નાજુક નમણાં સ્વેટર, ટીશર્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે જે પહેરવાથી સ્ટાઇલિશ વસ્ત્રો પહેરવાની ઇચ્છા પણ પૂરી થાય. આજે આપણે આવાં જ ટીશર્ટ જેવા સુંદર સ્વેટરની વાત કરવાની છે જે માનુનીઓને સુંદર લુક આપે છે. આને સ્વેટ શર્ટ કહેવામાં આવે છે, જે પહેરતાં જેકેટ કે લાંબા સ્વેટર પહેરવાની જરૂર નથી પડતી તેમ છતાં દેખાવે પણ તે સુંદર લાગતાં હોય છે.

સ્વેટ શર્ટ

સ્વેટ શર્ટ એટલે મૂળ ઊનનું ગરમ સ્વેટર, કે જે ટીશર્ટના ફોર્મમાં હોય છે. આ પ્રકારનાં સ્વેટર ટીશર્ટ જેવાં જ હોય છે જે દેખાવે સુંદર લાગવાની સાથેસાથે ઠંડી સામે રક્ષણ પણ આપતાં હોય છે. સ્વેટ શર્ટ ટીશર્ટ જેવાં જ હોવાની સાથે તમે તમારી સ્ટાઇલ અને ઇચ્છાનુસાર જિન્સ સાથે પહેરી શકો છો. આ પ્રકારનાં સ્વેટ શર્ટમાં અલગઅલગ ઘણી જ ડિઝાઇન બજારમાં ઉપલબ્ધ હોય છે. તમે ચાહો તો ઓન-લાઇન પણ તેની ખરીદી કરી શકો છો. ઓનલાઇન  ઘણી ચોઇસ મળી રહે છે. અહીં આપણે જોઇએ છીએ કે ઊન અને સોફ્ટ કપડાંમાંથી બનેલાં સ્વેટ શર્ટ મોડલ્સે પહેર્યાં છે. પ્લેન સ્વેટ શર્ટની સાથેસાથે ડિઝાઇનવાળા પણ બજારમાં મળી રહે છે. ખાસ કરીને ઊનની એમ્બ્રોઇડરી, થોડું સ્લીવ્સમાં વર્ક, થોડું નેકલાઇનમાં વર્ક આ તમામ પ્રકારનાં વર્ક વાળા સ્વેટ શર્ટ પહેરવામાં ખૂબ જ સુંદર લાગતાં હોય છે. તમે ઇચ્છો તો તેમાં હેન્ડવર્ક પણ કરાવડાવી શકો છો. હેન્ડવર્ક પણ દેખાવે સુંદર લાગતું હોય છે. ઘણાં ઊનના પોમપોમ બનાવીને આ પ્રકારનાં સ્વેટ શર્ટ ઉપર લગાવતાં હોય છે. તે સિવાય તમે ઇચ્છો તો નાનાં મોતી પણ ડાર્ક કલરનાં સ્વેટ શર્ટ પર લગાવી શકો છો. દેખાવે તે રિચ લુક આપશે. આ બધું જ દેખાવે સુંદર લાગવાની સાથેસાથે કરવામાં સરળ પણ હોય છે. તમે ઇચ્છો તો તમે જાતે પણ વર્ક કરી શકો છો.

સ્વેટ શર્ટને તમે વિન્ટર નાઇટ પાર્ટીમાં સ્કર્ટ સાથે પણ પહેરી શકો છો, સાથેસાથે કોલેજમાં, ઓફિસમાં પણ આ પ્રકારની પેટર્નવાળાં સ્વેટર સુંદર લાગશે. આ સ્વેટ શર્ટની સાથે કેપ પણ લગાવેલી હોય છે. તે પણ તમારા લુકને સુંદર બનાવે છે અને તમારી પર્સનાલિટીને ક્લાસી બનાવે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન